નેતાજીનું ‘મોયે મોયે’ થઈ ગયું : ‘અહીં ભાજપનું દાળિયું યે ન આવે’ કહેનારાની ભાજપે દાળ માપી લીધી
Gujarat BJP : વિસાવદરના હર્ષદ રિબડિયાના કોંગ્રેસમાંથી કૂદકો મારીને ભાજપમાં જવુ ભારે પડ્યું... ભાજપે માથા પર ભૂપત ભાયાણીને લાવીને બેસાડી દીધા
Trending Photos
Gujarat Politics : હું બીજેપીના લોકોને કહેવા માંગું છું કે આ ખેડૂતોનો વિસ્તાર છે, અહીં ભાજપનું દાળિયું યે ન આવે. મતપેટી ખુલે ત્યારે મુખ્યમંત્રી અને વડાપ્રધાને અહીં આવીને જોવું હોય જો જોઈ લે, અહીં અમે જીતવાના છીએ” એવું જાહેરમાં કહેનારા હર્ષદ રિબડિયા ના ઘરના ના ઘાટના થાય તો નવાઈ નહીં.... 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના સીટીંગ ધારાસભ્ય હોવા છતાં કૂદકો મારીને ભાજપમાં જોડાઈ જનાર રિબડિયા આપના ભૂપત ભાયાણી સામે હાર્યા હતા. હવે ભૂપત ભાયાણીનો ખેલ પાડીને ભાજપે આપમાંથી રાજીનામું અપાવતાં એક સમયના કદાવર નેતા ગણાતા નેતાજીનું 'મોયે મોયે' થઈ ગયું છે. લોકસભાની ચૂંટણી સાથે વિસાવદર સીટ પર પણ પેટા ચૂંટણી યોજાશે જેમાં ભાજપ ભૂપત ભાયાણીને ટિકિટ આપે તો નવાઈ નહીં.
વિસાવદર બેઠક પરની રાજકીય સફર..
રાજીનામા બાદ સત્તાધારી પક્ષ ભાજપને અનુકૂળ અને પ્રતિકૂળ નેતાઓ પર નજર રાખવી પડે, પાછલા પાંચ વર્ષથી ગુજરાતમાં જાણે કે રાજીનામું આપીને સત્તાધારી પક્ષમાં જોડાવાની મોસમ જાણે કે પુર બહારમાં ખીલી હોય તેવો માહોલ જોવા મળે છે. રાજ્યસભાની ચૂંટણી હોય કે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી આવા સમયે સત્તાધારી પક્ષ ભાજપ અત્યાર સુધી કોંગ્રેસના ધારાસભ્યોને ખેરવી અને રાજીનામું અપાવવામાં સફળ રહી છે. વિસાવદર બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પક્ષ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકીય હડકંપ મચાવી દીધો છે. આ બેઠક એક સમયે ભાજપના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો ગઢ ગણાતી હતી. જે ગઢના કાંગરા હર્ષદ રિબડિયાએ ખેરવ્યા હતા.
ભાયાણી રિબડિયાનો ખેલ બગાડશે
2022ની ચૂંટણી પહેલાં ખેડૂત નેતા ગણાતા હર્ષદ રિબડિયા એકાએક કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસને ઝટકો લાગ્યો હતો કારણ કે આ સીટ પરથી હર્ષદ રિબડિયા ફાયનલ હતા. જોકે, રિબડિયાને પક્ષપલટાની સજા મળી હોય એમ આ બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાતાં આપના ભૂપત ભાયાણીનો વિજય થયો હતો. આમ હર્ષદ રિબડિયાએ કોંગ્રેસને અલવિદા કરી દીધી હતી અને ભાજપમાં જોડાઈ ગયા હતા હવે ભાજપ આપના નેતા ભૂપત ભાયાણીને આ સીટ પરથી ચૂંટણી લડાવે તો નવાઈ નહીં. આમ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા હર્ષદ રિબડિયા હવે ના ઘરના ના ઘાટના થઈ ગયા છે. ભાજપમાં જોડાઈને જીતના સપનાં જોનાર રિબડિયાએ હવે ભૂપત ભાયાણી માટે દોડવું પડશે. લોકસભાની સાથે જ આ બેઠક પર વિધાનસભાની ચૂંટણી થાય તેવા સંજોગો વચ્ચે ભૂપત ભાયાણીના રાજીનામાથી રિબડિયા માટે કપરો સમય શરૂ થયો ગઈ છે.
સિંહ કોઇ દિવસ ખડ નો ખાય
એક સમયે કોંગ્રેસના ધારાસભ્ય હતા એ સમયે હર્ષદ રીબડીયાએ જૂનાગઢના વિસાવદરના ભલગામમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમ્યાન મળેલી બેઠકમાં હુંકાર કરીને ભાજપને જડબાતોડ જવાબ આપ્યો હતો કે, 'મારી ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા છે. રાજ્યસભાની ચૂંટણીમાં અમને 40-40 કરોડ આપતા હતા છતાંય આ સિંહ કોઇ દિવસ ખડ નો ખાય. જોકે, ભાજપમાં જોડાતા સમયે આ પ્રકારે કોઈ ઓફર ન કરી હોવાનો બચાવ કર્યો હતો. આમ આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીનો ભાજપે ખેલ પાડી દેતાં રિબડિયાના રાજકીય અસ્તિત્વ સામે સીધા સવાલો ઉભા થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે