15 વર્ષના વિવેક દાસે 6 મહિના સુધી કરેલી રઝળપાટનું આખરે પરિણામ મળ્યું, જુઓ શું થયું
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :વિવેક દાસ ધોરણ 10માં અભ્યાસ કરતો એક 15 વર્ષીય વિદ્યાર્થી છે, જેણે છેલ્લા 5 મહિનાથી પોતાના 12 વર્ષનો ભાઈ અને 6 વર્ષની બહેનને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મળે તે માટે અનેક પ્રયત્નો કર્યા આખરે વિવેક દાસના ભાઈનું કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન થયું છે. એક મહિના પહેલા વિવેકે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા સાથે કરેલી મુલાકાત રંગ લાવી છે અને 31 જુલાઈ સુધીમાં કેન્દ્રીય વિદ્યાલયના પ્રવેશ મેળવી લેવા માટેનો પત્ર વિવેક દાસ સુધી પહોંચ્યો છે.
છેલ્લા 5 મહિનામાં વિવેક દાસ સચિવાલય ખાતે મદદ માંગતો નિ:સહાય બાળક તરીકે નજર આવતો હતો. વિવેકે તેના ભાઈ અને બહેનને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મળે તે માટે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ સચિવ, જુદા જુદા ધારાસભ્યો, સાંસદો અને ભાજપના પદાધિકારીઓને સાથે મુલાકાત કરી હતી. તમામે પ્રવેશ અપાવી દેશે તે માટે સાંત્વના આપી હતી. પરંતુ તેના ભાઈ-બહેનના કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશને લઈને મળતી સાંત્વનાઓ ખોટી સાબિત થઈ જતી હતી. તમામે ખાતરી તો આપી હતી પરંતુ કોઈ વિવેકના ભાઈ અથવા બહેનને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ ના અપાવી શક્યું. લોકસભા ચૂટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાનપુરમાં સભા સંબોધવા આવ્યા હતા, ત્યારે પણ વિવેક ત્યાં પીએમને મળી વિનંતી કરવા પહોંચ્યો હતો. પરંતુ ત્યારે ભાજપના પદાધિકારીઓએ તેને સમજાવીને મોકલી દીધો હતો અને પોલીસે તેને ત્યાંથી બહાર મોકલ્યો હતો. પરંતુ આખરે એક મહિના પહેલા મનુસખ માંડવીયા સાથે વિવેકે મુલાકાત કરી હતી, જેમાં તેના ભાઈ અથવા બહેનમાંથી કોઈ એકને પ્રવેશ આપવામાં મદદ કરાશે તેવી સાંત્વના આપવામાં આવી હતી. જે આખરે સાચી સાબિત થઈ છે. કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરની મદદથી કેન્દ્રીય પ્રધાન મનસુખ મંડવીયાએ વિવેકનું સ્વપ્નું પૂર્ણ કરવામાં મદદ કરી છે. જેના પરિણામરૂપે વિવેક દાસના 12 વર્ષીય ભાઈને છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મળ્યો છે.
વિવેક દાસની વાત કરીએ તો તેણે તેના ભાઈ અને બહેન કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરીને આગળ વધી શકે તે માટે સખત મહેનત કરી છે. એક સામાન્ય ઘરમાંથી આવતા વિવેકના પિતા પ્લમ્બરનું કામ કરે છે, તો તેની માતા ગૃહિણી છે. તેનો પરિવાર અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. વિવેકના જે ભાઈને પ્રવેશ મળ્યો છે તે હાલ તો બિહારમાં છે. મંત્રી, ધારાસભ્ય અને સાંસદો તરફથી પ્રવેશ માટેની માત્ર સાંત્વના મળી, પરંતુ કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ ન મળી શકતા વિવેકના ભાઈને પરિવારે 20 દિવસ પૂર્વે જ બિહાર મોકલી દીધો હતો. આખરે હવે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના સફળ પ્રયાસ બાદ એડમિશન મળતા વિવેકનો ભાઈ બિહારથી પરત ફરી રહ્યો છે.
પોતાના ભાઈને પ્રવેશ મળવાથી હાલમાં વિવેક અને તેના માટે પિતા ખુશ છે. સાથે જ વિવેકની 6 વર્ષની નાની બહેન પણ કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મળે તેવી આશા રાખી રહ્યા છે.
ઉંમર અને કદમાં નાનો એવો 15 વર્ષીય વિવેક દાસે PMO સુધી પણ મદદ માટે હાથ લંબાવી ચૂક્યો છે. PMO તરફથી 25 જુલાઈ સુધીનો સમય માગવામાં આવ્યો હતો, પરંતુ PMO તરફથી મદદ મળે તે પહેલાં જ વિવેકના ભાઈને કેન્દ્રીય મંત્રી માનસુખ માંડવીયા દ્વારા કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરની મદદથી કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મળી ચૂક્યો છે. ભાઈ-બહેન સારું શિક્ષણ મેળવીને સારા ભવિષ્યનું નિર્માણ કરી શકે તે માટેના વિવેક દાસના નિ:સ્વાર્થ અથાગ પ્રયત્નો આખરે રંગ લાવ્યા છે. તો સાથે જ એક ગરીબ પરિવારનું સ્વપ્ન પણ સાકાર થયું છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે