રાજ્યમાં કોરોના બેડની સંખ્યા પર રાજીવ કુમાર ગુપ્તાના નિવેદન અને AMCના ટ્વીટમાં મોટો તફાવત
દિવાળીના તહેવારમાં જે રીતે લોકોના ટોળે ટોળા બજારમાં ઉમટ્યા હતા, તે જોતા રાજ્યમાં કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ વધી રહી છે. ત્યારે કોરોનાની સારવાર આપતી ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો સતત વધારો થઈ રહ્યો છે અને દર્દીઓ માટે બેડ ખૂટી રહ્યાં છે
Trending Photos
અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: દિવાળીના તહેવારમાં જે રીતે લોકોના ટોળે ટોળા બજારમાં ઉમટ્યા હતા, તે જોતા રાજ્યમાં કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ વધી રહી છે. ત્યારે કોરોનાની સારવાર આપતી ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો સતત વધારો થઈ રહ્યો છે અને દર્દીઓ માટે બેડ ખૂટી રહ્યાં છે. જો કે, ખાનગી હોસ્પિટલોમાં કોવિડ બેડની સંખ્યાને લઇને અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને AMC દ્વારા જણાવવામાં આવેલા આંકડામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે કે હાલ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડ ખાલી છે કે નથી.
કોરોનાની સારવાર આપતી ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં કુલ 95 ટકા બેડ કોરોના પોઝિટિવ દર્દીઓથી ભરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેની સામે માત્ર 5 ટકા જ દર્દીઓ માટે બેડ ખાલી છે. ત્યારે કોરોનાની સારવાર આપતી ખાનગી હોસ્પિટલમાં ખાલી બેડ મામલે અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ કુમાર ગુપ્તાના સત્તાવાર પત્રમાં જણાવ્યા અનુસાર શહેરમાં 7 સરકારી હોસ્પિટલો તથા 76 કોવિડ ડેઝીગ્નેટેડ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સરાવરા માટે કુલ મળીને 7279 બેડ ઉપલબ્ધ છે. તે પૈકી હાલમાં 2848 બેડ (લગભગ 40 ટકા) ખાલી છે. હાલમાં કોરોનાના દર્દીઓ માટે સરકારી હોસ્પિટલોમાં 2347 અને ખાનગી હોસ્પિટલોમાં 501 બેડ ખાલી છે.
તો બીજી તરફ એએમસીએ હાલમાં કોરોના દર્દીઓ માટે બેડ અંગે ટ્વીટ કર્યું હતુ. એએમસી દ્વારા કરવામાં આવેલા ટ્વીટમાં AMC કોટામાં 236 અને ખાનગી કોટામાં 169 બેડ જ ઉપલબ્ધ હોવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે રાજ્યમાં વધી રહેલા કોરોના કેસને લઇને ખાનગી હોસ્પિટલોમાં કેટલા બેડ ઉપલ્બધ છે. તેને લઇને અધિક મુખ્ય સચિવના પત્ર અને AMCના ટ્વીટમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ પૂરતી ખરાઈ કર્યા વગર મેયરે પણ સોશિયલ મીડિયા પર પ્રચાર શરૂ કરી દીધો હતો.
Vacant bed count at Hospitals aligned with AMC as on 18th November, 2020, 10:00 AM pic.twitter.com/AWbeKHeYG9
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) November 18, 2020
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કુલ 71 કોવિડ હોસ્પિટલમાં હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે અમદાવાદની જુદી જુદી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 2256 જેટલા બેડ કોરોના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે. હાલની સ્થિતિ મુજબ આઇસોલેશનના 771 બેડ ફૂલ તો માત્ર 104 બેડ ખાલી છે. HDUના 777 બેડ પર દર્દીઓ સારવાર હેઠળ તો માત્ર 68 બેડ જ ખાલી છે. ICU વિથઆઉટ વેન્ટીલેટરના 338 બેડ ફૂલ તો માત્ર 28 જ બેડ ખાલી છે. ICU વિથ વેન્ટિલેટરના 157 બેડ દર્દીથી ભરાયા તો હાલ માત્ર 18 બેડ ખાલી છે.
AMC સંચાલિત svp હોસ્પિટલ પણ કોરોનો દર્દીઓથી ઉભરાઇ છે. ત્યારે અસારવા સિવિલ કેમ્પસની 1200 બેડ હોસ્પિટલમાં પણ દર્દીઓ માટે નવા વોર્ડ ખોલવાની ફરજ પડી છે. 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં 700થી વધુ કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. છેલ્લા 5 દિવસમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ખૂબ જ મોટો વધારો નોંધાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે