એશિયાની સૌથી મોટી હોસ્પિટલની કેન્ટીનમાં ફરી રહ્યાં છે ઉંદર, વીડિયો જોઈને આરોગ્ય મંત્રીને પણ હાર્ટ એટેક આવી જશે
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં એવા દ્રશ્યો જોવા મળ્યા કે આરોગ્ય મંત્રીને પણ જોઈને હાર્ટ એટેક આવી જાય. અમદાવાદમાં અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલની કેન્ટીનનો વીડિયો વાયરલ થયો છે. જેમાં કેન્ટીનમાં બનાવવામાં આવતી ચીજ વસ્તુઓ વચ્ચે ઉંદર ફરતો નજરે પડ્યો છે. આ વીડિયો વાયરલ થતા જ કેન્ટીનમાં ખાતા લોકોમાં પેટમાં ફાળ પડી છે. શું તેઓ ઉંદરોએ ચાખેલુ ભોજન ખાતા હતા? શું દર્દીઓને આ પ્રકારનું ભોજન આપવામાં આવે છે?
અસારવાની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બાજુમાં આવેલી કેન્ટનનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ખાવાપીવાની ચીજ વસ્તુઓ તેમજ ફળો પર ઉંદર આરામથી લટાર મારી રહ્યો છે. ફ્રેશ જ્યુસનું બોર્ડ મારી દર્દીઓ અને તેમના સગા માટે અપાતા જ્યુસના ફળોની વચ્ચે ઉંદર ફરતો નજરે પડ્યો છે. અગાઉ સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં ગંદકી પણ વીડિયોના માધ્યમથી સામે આવી છે, ત્યારે કેન્ટીનમાં ઉંદરોનું ફરવુ આરોગ્ય માટે હાનિકારક છે.
સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર સ્વચ્છતાના નામે મીંડુ જોવા મળ્યુ છે. ઉંદર જે ફળો પર લટાર મારે છે, જે ચીજ વસ્તુઓની વચ્ચે ફરે છે, એ જ ચીજો નાસ્તાના રૂપે દર્દીઓ અને તેમના સગાને અપાઈ રહી છે. સિવિલની કેન્ટીનમાં સસ્તું મળશે, સારું મળશે એવી આશા રાખીને નાસ્તો કરતા, જ્યુસ પીનારાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.
વીડિયો વાયરલ થયા બાદ પણ અધિકારીઓના પેટનુ પાણી હાલતુ નથી. હોસ્પિટલના સુપરિટેન્ડન્ટે તાત્કાલિક કેન્ટીન બંધ કરવાના આદેશ આપ્યા હતા. તેમજ વસ્તુઓને અખાદ્ય ગણીને તેનો નાશ કરાયો હતો. પરંતુ આવી ફરીવાર નહિ થાય તેની શુ ગેરેન્ટી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે