CA ફાઇનલ પરીક્ષામાં અમદાવાદની યુવતીએ કર્યો કમાલ, ઓલ ઈન્ડિયા લેવલે રિયા શાહે મેળવ્યો બીજો ક્રમ
CA ફાઇનલની પરીક્ષા નવેમ્બર મહિનામાં લેવામાં આવી હતી. જેનું પરિણામ જાહેર થયું છે. અમદાવાદની રિયા શાહ નામની યુવતીએ દેશભરમાં બીજો ક્રમ મેળવ્યો છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ મહેનત અને લગન સાથે કોઈ કાર્ય કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે. અમદાવાદની એક યુવતીએ પોતાની મહેનતથી ખુબ મોટી સફળતા મેળવી છે. આજે સીએ ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદની રિયા શાહ નામની યુવતીએ દેશભરમાં બીજું સ્થાન મેળવ્યું છે. નવેમ્બર 2024માં CA ફાઇનલની પરીક્ષા લેવાઈ હતી. ઓલ ઈન્ડિયા લેવલે માત્ર 13.44 ટકા પરિણામ આવ્યું છે.
અમદાવાદની રિયા શાહે કર્યો કમાલ
CA ની પરીક્ષા એક મુશ્કેલ હોય છે. તેમાં દેશભરમાં તેનું પરિણામ ખુબ ઓછું આવે છે. ત્યારે બીજો રેંક મેળવવો ખુબ મોટી વાત છે. અમદાવાદમાં રહેતી રિયા શાહે ઓલ ઈન્ડિયા લેવલે સીએ ફાઈનલની પરીક્ષામાં બીજો ક્રમે મેળવ્યો છે. રિયા શાહના પિતા અમદાવાદ મહાનગર પાલિકાના કર્મચારી છે. ઝી 24 કલાક સાથે વાત કરતા રિયાએ જણાવ્યું કે પરીક્ષા દરમિયાન તે બીમાર હતી, છતાં પરીક્ષા આપી હતી.
રિયા શાહે પોતાની સફળતા અંગે વાત કરતા કહ્યું કે તે સીએ ફાઇનલની પરીક્ષા પાસ કરવા માટે દરરોજ 10-12 કલાક મહેનત કરતી હતી. રિયાએ કહ્યું કે પરીક્ષા બાદ મને રેંક આવવાની આશા હતી. રિયાએ સીએ ઈન્ટરમીડિએટમાં પણ ઓલ ઈન્ડિયા લેવલે 42મો રેન્ક મેળવ્યો હતો. રિયાએ કહ્યું કે હું ફ્રેશ થવા માટે દરરોજ અડધો કલાક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી હતી. તેણે પોતાની સફળતાનો શ્રેય માતા-પિતાને આપ્યો હતો. રિયાએ કહ્યું કે મારૂ સપનું મોટી કંપનીમાં જોબ કરવાનું છે.
અમદાવાદ સેન્ટરનું 15.49 ટકા પરિણામ
અમદાવાદ ICA બ્રાન્ચ દ્વારા ફાઇનલ પરિણામની માહિતી આપવામાં આવી છે. અમદાવાદમાં બંને ગ્રુપમાં કુલ 865 વિદ્યાર્થીઓએ સીએ ફાઈનલની પરીક્ષા આપી હતી, જેમાંથી 134 વિદ્યાર્થીઓ પાસ થયા છે. અમદાવાદ સેન્ટરનું પરિણામ 15.49 ટકા રહ્યું છે. મે 2024માં લેવાયેલી સીએ ફાઈનલની પરીક્ષા કરતા પરિણામમાં 5 ટકા જેટલો ઘટાડો થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે