સિવિલમાં ફરજ દરમિયાન થયા કોરોનાગ્રસ્ત, 12 દિવસે મ્હાત આપી ફરજ પર પરત ફર્યા સરલાબેન
Trending Photos
અતુલ તિવારી, અમદાવાદ: 12 દિવસ કોરોના સામે ઝઝૂમી તેને પરાસ્ત કરી સરલાબેન મોદી ઘરે પરત ફર્યા ત્યારે ઘેર ઉંધ ન આવે. 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન સમયગાળા દરમિયાન દિલ-દિમાગમાં એક જ વસ્તુ ફર્યા કરે કે મારા સિવિલ હોસ્પિટલ પરિવારને મારી જરૂર છે. સિવિલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને મારી જરૂર છે. જેવો હોમ ક્વોરન્ટાઇનનો સમયગાળો પૂરો થયો કે તરત જ ફરી વખત જોમ અને જુસ્સા સાથે ફરજ પર હાજર થયા.
જ્યારે પણ સરલાબેનને કોરોના ડ્યુટી સોંપી તેઓએ બાહોશીપૂર્વક નિભાવી. 2 તબક્કામાં કોરોનામાં ફરજ બજાવી. 10 દિવસની ફરજ દરમિયાન બીજા તબક્કામાં હતા ત્યારે કોરોનાથી સંક્રમિત થયા પરંતુ જુસ્સો ઓછો ન થયો. સારવાર દરમિયાન પણ એક જ વસ્તુ કહેતા. મારે જલ્દી સાજા થઇને ફરજ પરત ફરવું છે. મારા સિવિલ હોસ્પિટલને મારી જરૂર છે.
સરલાબેને અન્ય કોઇપણ ખાનગી હોસ્પિટલમાં સારવાર ના લઇ સિવિલ હોસ્પિટલમાં જ સારવારને પ્રાથમિકતા આપી કારણ કે તેમને સિવિલની સારવાર - સારસંભાળ પર વિશ્વાસ જ નહીં પરંતુ અતૂટ શ્રધ્ધા પણ હતી. સિવિલની સારવાર પધ્ધતિના તેઓ પોતે પણ સાક્ષી રહ્યા છે. અહીં સારવારની સાથે હૂંફ અને પ્રેમ પણ આપવામાં આવે છે. દર્દીને સારવાર પધ્ધતિની સાથે સાથે મનોસ્થિતીની પણ કાળજી રાખી તેનું કાઉન્સેલીંગ કરવામાં આવે છે.
સરલાબેન કોરોનાગ્રસ્ત થયા બાદ 12 દિવસ સુઘી કોરોના સામે ઝઝૂમ્યા. શ્વાસ લેવા માટે તરફડી રહ્યા હોય તેવી તકલીફ ઉભી થતા તેઓને ઓક્સિજન પર રાખવા પડ્યા, છતાંય તેઓ હિંમત ન હાર્યા. સારવાર દરમિયાન પણ એક જ ઝંખના સેવી રહ્યા હતા કે સાજા થઇને ફરી વખત કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા - સુશ્રુષા કરવી છે.
સરલાબેન લાગણીસભર સ્વરે કહે છે કે સિવિલ હોસ્પિટલમાં મેં 32 વર્ષ કાઢ્યા છે અહીં ફરજ બજાવી છે. સિવિલ હોસ્પિટલ મારો પરિવાર છે માટે જ મારા જીવનની પ્રત્યેક ક્ષણ આ હોસ્પિટલ માટે સમર્પિત છે. દેશ પર રાજ્ય પર એકાએક આવી પડેલી આફતમાં હું જ જોઇ પીછેહઠ કરી જઉં તો મારૂ જીવન વ્યર્થ છે. સૈનિક ઘાયલ થાય તે છતાં છેલ્લા ક્ષણ સુધી દુશ્મનની સામે જીત હાંસલ કરવા લડત આપે છે. બસ આ જ ભાવના સાથે હું જ્યારે કોરોનાગ્રસ્ત હતી ત્યારે તેને મ્હાત આપીને ફરજ પરત થવાની ચાહના સેવી રહી હતી.
તેઓ કહ્યું કે કોરોનાને મ્હાત આપ્યા બાદ મારા શરીરમાં બનેલા પ્લાઝમાને હું સિવિલ હોસ્પિટલની પ્લાઝમાં બેન્કમાં ડોનેટ કરી કોઇક જરૂરિયાતમંદ પરિવારનો દિવડો પ્રજવલ્લિત રાખવા માટે તૈયાર છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે