હવે દુશ્મન દેશોના 'ખાટા' થશે દાંત! વડોદરામાં બની રહ્યું છે વાયુસેના માટે આ સ્પેશિયલ વિમાન, જાણો ખાસિયતો

વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરના રોજ વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટી 40 જેટલા C-295 એરક્રાફ્ટ્સનું ઉત્પાદન કરશે અને તેમને એસેમ્બલ કરશે, જે ભારતીય વાયુસેના (IAF) માટે સ્વદેશી ઈલેક્ટ્રોનિક વૉરફેર સ્યુટથી સજ્જ હશે.

હવે દુશ્મન દેશોના 'ખાટા' થશે દાંત! વડોદરામાં બની રહ્યું છે વાયુસેના માટે આ સ્પેશિયલ વિમાન, જાણો ખાસિયતો
  • ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટી 40 જેટલા C-295 એરક્રાફ્ટ્સનું ઉત્પાદન કરશે અને તેમને એસેમ્બલ કરશે.
  • જે ભારતીય વાયુસેના (IAF) માટે સ્વદેશી ઈલેક્ટ્રોનિક વૉરફેર સ્યુટથી સજ્જ હશે
  • C-295 એરક્રાફ્ટમાં 5-10 ટનની ક્ષમતા ધરાવતું એક બહુમુખી લશ્કરી પરિવહન વિમાન 
  • જે 71 ટ્રુપ્સ અથવા 49-50 પેરાટ્રુપર્સને લઇ જવા માટે સક્ષમ છે.

Airbus C-295: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાતના વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિ. ની ફાઇનલ એસેમ્બ્લી લાઇન (FAL), જે એક C-295 એરક્રાફ્ટ ફેસિલિટી છે, તેનું ઉદ્ઘાટન કરશે. ભારતની એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ ભારતના ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ (સંરક્ષણ સંસાધનોનું ઉત્પાદન) ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ છે. વધુમાં આ કાર્યક્રમ ભારત અને સ્પેન વચ્ચેના સંબંધોને પણ વધુ મજબૂત બનાવે છે.

ઉલ્લેખનીય છે કે, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટીનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓક્ટોબર 2022માં કરવામાં આવ્યું હતું અને હવે 24 મહિનાના સમયગાળામાં તેઓ આ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. સપ્ટેમ્બર 2021માં ભારતે ભારતીય વાયુસેના (IAF) ના જૂના AVRO કાફલાને બદલવા માટે 56 C-295 એરક્રાફ્ટ્સના અધિગ્રહણ માટેની ઔપચારિકતા હાથ ધરી હતી. કોન્ટ્રાક્ચ્યુઅલ એગ્રીમેન્ટ હેઠળ, એરબસ પ્રથમ 16 એરક્રાફ્ટ્સને ‘ફ્લાય-અવે’ સ્થિતિમાં ડિલિવર કરશે. 

No description available.

C-295 પ્રોગ્રામ એ 'મેક ઇન ઇન્ડિયા' પહેલ હેઠળ ભારતના ખાનગી ક્ષેત્રનો પ્રથમ એરોસ્પેસ પ્રોજેક્ટ છે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટી ભારતીય વાયુસેના (IAF) માટે સ્વદેશી ઈલેક્ટ્રોનિક વૉરફેર સ્યુટ્સથી સજ્જ 40 C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે અને તેમને એસેમ્બલ કરશે. આમાંનું પ્રથમ મેડ-ઇન ઇન્ડિયા એરક્રાફ્ટ સપ્ટેમ્બર 2026 સુધીમાં બનીને તૈયાર થઈ જશે તેવો અંદાજ છે, જ્યારે ફાઇનલ એરક્રાફ્ટની ડિલિવરી ઓગસ્ટ 2031 સુધીમાં થવાનો અંદાજ છે. 

આ ઉદ્ઘાટન સમારોહ વડોદરાના ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં યોજાશે, જ્યાં બંને વડાપ્રધાને એસેમ્બ્લી લાઇન તેમજ હેંગરની ટુર કરશે, જ્યાં આ એરક્રાફ્ટનું નિર્માણ થનાર છે. કાર્યક્રમ પહેલા વડોદરા એરપોર્ટથી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સુધી એક ભવ્ય રોડ શૉ પણ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતની વાયબ્રન્ટ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ તેમજ વડોદરાની સ્થાનિક સંસ્કૃતિને પ્રદર્શિત કરવામાં આવશે. આ રોડ શૉ ભારત અને સ્પેન વચ્ચેના ગાઢ સંબંધોને ઉજાગર કરશે, જેમાં સ્થાનિક વિદ્યાર્થીઓ અને કલાકારો આ ઉત્સવના વાતાવરણમાં ઉમેરો કરશે. 

એરોસ્પેસ અને વિદેશી રોકાણના કેન્દ્ર તરીકે વડોદરાએ પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે એ દર્શાવતાં આ કાર્યક્રમ શહેરની આર્થિક ક્ષમતાને તો ઉજાગર કરશે જ, સાથે જ સ્થાનિક વ્યવસાયોને સ્પેનિશ કંપનીઓ સાથે જોડાવાની તક પૂરી પાડશે અને નવી ભાગીદારીને પ્રોત્સાહન આપશે. આ કાર્યક્રમ દ્વારા વડોદરા ભારતના સંરક્ષણ અને એરોસ્પેસ પરિદ્રશ્યમાં એક મહત્વપૂર્ણ ખેલાડી તરીકે સ્થાપિત થશે.

ઉદ્ઘાટન બાદ બંને નેતાઓ ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લેશે, જ્યાં તેઓ વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે. આ દરમિયાન ભારત અને સ્પેન વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થવાની શક્યતા છે, જે બંને દેશોના વ્યૂહાત્મક સંબંધોને વધુ ગાઢ બનાવશે. ત્યારબાદ બંને દેશોના સફળ સહયોગની ઉજવણી કરવામાં આવશે અને પેલેસમાં બપોરના ભોજન સાથે કાર્યક્રમનું સમાપન થશે.

No description available.

વડોદરામાં જે C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન કરવામાં આવશે, તે 5-10 ટનની ક્ષમતા ધરાવતું બહુમુખી મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ (સૈન્ય પરિવહન વિમાન) છે, જે 71 ટ્રુપ્સ અથવા 49-50 પેરાટ્રૂપર્સને લઈ જવા માટે સક્ષમ છે. આ એરક્રાફ્ટની વ્યૂહાત્મક ડિઝાઇન અને રિયર રેમ્પ દરવાજાના કારણે ટુકડી અને કાર્ગો ઝડપથી તહેનાત થઈ શકે છે, જે તેને ભારતીય વાયુસેના માટે ખૂબ મહત્વૂર્ણ બનાવે છે. આ 'મેક ઈન ઈન્ડિયા' પહેલ ભારતના એરોસ્પેસ ક્ષેત્રમાં એક નવો અધ્યાય સાબિત થશે, કારણ કે પ્રથમ વખત કોઈ એરક્રાફ્ટનું સંપૂર્ણ ઉત્પાદન ભારતીય ખાનગી ક્ષેત્રમાં કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન સાંચેઝની મુલાકાત ભારત અને સ્પેન વચ્ચે સહયોગના નવા યુગને સુનિશ્ચિત કરશે, જેથી એરોસ્પેસ ક્ષેત્રમાં નવીનતા, વેપાર અને રોકાણને પ્રોત્સાહન મળશે. વડોદરા આ અભૂતપૂર્વ પરિવર્તનનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે ત્યારે શહેરીજનો આ મહત્ત્વપૂર્ણ પ્રસંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news