ઈદમાં માતમ છવાયો : પાનમ ડેમ ફરવા ગયેલા ત્રણ યુવકો ડૂબ્યા, બે સગાભાઈઓના મોત

Eid 2024 : પંચમહાલના શહેરાના ત્રણ યુવકો ઈદના દિવેસ પાનમ ડેમની મુખ્ય કેનાલમાં ડૂબ્યા, યુવકો કેનાલમાં ન્હાવા પડ્યા હતા કે અન્ય કોઈ કારણોસર કેનાલમાં ડૂબ્યા તે અંગે રહસ્ય અકબંધ
 

ઈદમાં માતમ છવાયો : પાનમ ડેમ ફરવા ગયેલા ત્રણ યુવકો ડૂબ્યા, બે સગાભાઈઓના મોત

Panchmahal News પંચમહાલ : બુધવારે ચાંદ દેખાતા ગુજરાતભરમાં રહેતા મુસ્લિમ બિરાદરોએ ગુરુવારે ઈદની ઉજવણી કરી હતી. મુસ્લિમ પરિવારોમાં ખુશીનો માહોલ હતો, એકબીજાને ઈદ મુબારક કહેવાઈ રહ્યા હતા. ત્યારે પંચમહાલમાં પવિત્ર ઈદના તહેવાર ટાંણે જ બે પરિવારોમાં માતમ છવાયો હતો.  ઈદની મજા માણવા પાનમ ડેમ ફરવા ગયેલ બે સગા ભાઈ અને અન્ય એક યુવક મળી ત્રણના પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યા છે. બુરહાન હાઝી, નિહલ પટેલ, ફરહાદ પટેલ નામના મહીસાગર જિલ્લાના કોથંબાના રહેવાસી ત્રણ યુવકોના મોત નિપજ્યા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે ઈદનો તહેવાર હોઈ કોઠંબાના ત્રણ યુવકો પાનમ ડેમ ફરવા ગયા હતા. બુરહાન હાઝી, નિહલ પટેલ, ફરહાદ પટેલ ચા-નાસ્તો લઈને પાનમ ડેમ ખાતે પહોચ્યા હતા. જેમાં એક મિત્ર ડેમના પાણીમાં ડુબવા લાગ્યો હતો, જેથી બીજો તેને બચાવવા ડેમના પાણીમાં કૂદ્યો હતો. તો બંને યુવકોને ડૂબતા જોઈ ત્રીજા યુવકે પાણીમાં છલાંગ લગાવી હતી. 

આમ, પાનમ ડેમ પાસેના ડેજર મહાદેવ મંદિર પાસે કેનાલમાં ત્રણેય યુવકો ડૂબ્યા હતા. પાનમ ડેમની મુખ્ય કેનાલમાં ત્રણ યુવાનો ડૂબતા ત્રણેયના મોત નિપજ્યા હતા. ત્રણે યુવકોના મૃતદેહોને પીએમ અર્થે શહેરા રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. 

મૃતકોમાં ફરહાદ પટેલ અને નિહલ પટેલ સગા ભાઈઓ હતા. ત્યારે ઈદના તહેવાર પર પરિવારે બે દીકરા એકસાથે ગુમાવ્યા. આમ, ઈદ પર બે પરિવારોમાં માતમ છવાયો હતો. 

ત્રણેય યુવાનોના મૃતદેહ બહાર કાઢવા માટે પાનમ વિભાગ દ્વારા પાણી બંધ કરવામાં આવ્યું હતું. બીજી તરફ, યુવકો કેનાલમાં ન્હાવા પડ્યા હતા કે અન્ય કોઈ કારણોસર કેનાલમાં ડૂબ્યા તે અંગે રહસ્ય અકબંધ છે. હાલ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news