જૂનાગઢમાં ઘાતક હથિયારો સાથે ઝડપાયા 2 શખ્સ, પોલીસે લોકોને અફવા નહી ફેલાવા કરી અપીલ
Trending Photos
જૂનાગઢ: માંગરોળથી ઘાતક હથિયારો સાથે પાંચ શખ્સો ઝડપાયા છે. કટલેરીના ખોટા બીલો બનાવી બાઇકમાં હથિયારો સંતાડીને લાવવામાં આવતાં હતા. પોલીસે હથિયારો, બાઇક અને મોબાઇલ સહીત 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હથિયારો અંજારથી માંગરોળ લાવવામાં આવી રહ્યા હતા. એક હજાર રૂપીયામાં એક તલવાર ખરીદી પંદરસો રૂપીયામાં વેચવાની હતી. પોલીસે અંજારથી હથિયાર મોકલનાર શખ્સ સહીત છ શખ્સો સામે ગુન્હો નોંધી પાંચ શખ્સોની ધરપકડ કરી છે. આ ઝડપાયેલા હથિયારો અંગે ખોટી અફવા નહીં ફેલાવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.
જૂનાગઢ જીલ્લાની માંગરોળ પોલીસ રાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે માંગરોળમાં ઘાતક હથિયારો ઘુસાડવાનો પ્રયત્ન થઇ રહ્યો છે, ત્યારે પોલીસે વોચ ગોઠવી અને બે બાઇક પર ચાર શખ્સો આવી રહ્યા હતા. જેમની પાસે કોથળા ભરેલા હતા. પોલીસે બંન્ને બાઇક ચાલકોને રોકીને પુછપરછ કરતાં તેમણે આ કોથળામાં કટલેરીનો સામાન હોવાનું જણાવ્યું હતું. ખોટા બિલો પણ બતાવ્યા કે, જેમાં પણ કટલેરીનો સામાન હોવાનો ઉલ્લેખ હતો પરંતુ પોલીસે જ્યારે કોથળા ખોલીને તેની તપાસ કરી તો તેમાંથી 100 જેટલી તલવારો નીકળી હતી.
પોલીસે બંન્ને બાઇક સાથે ચાર શખ્સો અને હથિયારો કબ્જે લઇ તપાસ કરતાં આ હથિયારનો જથ્થો કચ્છના અંજારથી ઇરફાન નામના શખ્સે મોકલ્યો હતો. માંગરોળના જ હસન ઉર્ફે લાડસાબ અબ્દુલભાઇ વાજાને આપવાનો હતો. આમ પોલીસે હસન સહીત હથિયારો લાવનાર શખ્સો મળીને કુલ પાંચ શખ્સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં તેના 9 દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
પોલીસે આરોપીઓ પાસેથી 100 નંગ તલવારો, બે બાઇક અને ત્રણ મોબાઇલ સહીત 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ દ્વારા એક હજાર રૂપીયામાં એક તલવાર ખરીદી પંદરસો રૂપીયામાં વેચવાની હોવાની તેમણે કબુલાત આપી હતી. હવે એ તપાસનો વિષય છે કે હથિયારો ક્યા હેતુસર મંગાવવામાં આવ્યા હતા? કોને વેચવાના હતા? જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આ ગુન્હાની તપાસ એસ.ઓ.જીને સોંપવામાં આવી છે. આ તકે જીલ્લા પોલીસ વડાએ માંગરોળ સહીત જીલ્લાના લોકોને અપીલ કરી છે કે, હથિયારોને લઇને કોઇ ખોટી અફવા ન ફેલાવે. જો કોઇ અફવા ફેલાવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આાવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે