વડોદરા બોટકાંડમાં સૌથી મોટી ભૂલ : સેવ ઉસળવાળાના ભરોસે છોડી દીધી એમ્યુઝમેન્ટ પાર્કની બોટ
Vadodara Boat Tragedy : વડોદરામાં પિકનિક પર ગયેલાં બાળકોની બોટ ડૂબતાં 14નાં મોત. 14ની ક્ષમતા સામે 38 વ્યક્તિને બોટમાં બેસાડ્યા હતા. ન્યુ સનરાઈઝ સ્કૂલનાં ઈંગ્લિશ મીડિયમનાં બાળકોને ભરખી ગયું મોત
Trending Photos
Vadodara boat capsized : વડોદરાના હરણી તળાવમાં પિકનિક પર ગયેલાં બાળકોની બોટ ડૂબી જતાં 12 બાળકો અને 2 શિક્ષિકાનાં મોત થયાં છે. પાણીગેટ વિસ્તારની ન્યુ સનરાઈઝ સ્કૂલનાં ધોરણ એકથી પાંચનાં 80 બાળકો પિકનિક પર લઈ જવામાં આવ્યાં હતાં. આ બાળકોને એ હોડીમાં બેસાડવામાં આવ્યાં હતાં જેમાં 14 લોકો બેસવાની જ ક્ષમતા હતી પરંતુ 38 લોકોને બેસાડવામાં આવ્યા હતા. તેમને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં નહોતાં આવ્યાં. જેના કારણે બોટ અધવચ્ચે ડૂબી ગઈ અને 14 લોકોનાં મોત નીપજ્યાં છે. હજુ પણ 2 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક લાપતા છે. રાત્રે અંધારૂ થઈ જતાં રેસ્ક્યુ ઓપરેશન બંધ રાખવાની નોબત આવી હતી. જે હવે ફરીથી શરૂ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાત્રે જ વડોદરા દોડી આવ્યા હતા. મુખ્યમંત્રીએ ઘટનાસ્થળની અને હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે ત્રણ શખસોની અટકાયત કરી છે. આ દુર્ઘટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું જાહેર કરાયું છે. તો ક્રાઈમ બ્રાન્ચે મેનેજર શાંતિલાલ સોલંકીને પૂછપરછ માટે અટકાયતમાં લીધો છે. આ સિવાય અંકિત નામના શખસની પોલીસે પૂછપરછ માટે અટકાયત કરી છે.
બોટનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ નામના વ્યક્તિએ લીધો હતો. તે હાલ ફરાર છે. તેણે નીલેશ શાહને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને નીલેશ શાહે બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ ત્રીજા કોઈ વ્યક્તિને આપ્યો હતો. એટલે કે કોન્ટ્રાક્ટ લઈને માત્ર નફાખોરી માટે પરેશ શાહે આ કૃત્યુ આચર્યું હતું. પરેશ શાહનો તળાવની બાજુમાં શનાયરાનો પેટ્રોલ પંપ છે.
બોટ દુર્ઘટનામાં જે વ્યક્તિ બોટ ચલાવતો હતો તે નયન ગોહિલ
નામનો વ્યક્તિ હોવાનો ખુલાસો થયો છે અને તેની તળાવના કિનારે સેવ- ઉસળની લારી છે. હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ પોલીસને હરણી લેક ઝોનના ઘટના પાસેના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ કરી રહી છે.
પરેશ શાહે કોન્ટ્રાક્ટ લઈને નિલેશ શાહને આપ્યો હતો
ZEE 24 કલાકને મળેલી જાણકારી પ્રમાણે કોટિયા પ્રોજેક્ટસ દ્વારા પીપીપી ધોરણે 100 ટકા ઇજારદારના ખર્ચે બોટિંગનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર પરેશ શાહે નિલેશ શાહને એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તો બોટિંગનો કોન્ટ્રાક્ટ નીલેશ શાહે અન્ય કોઈને આપ્યો હતો. આ દુર્ઘટનામાં નિર્દોષ માસૂમ બાળકોનાં માતાપિતા રડી રડીને ન્યાય માગી રહ્યાં છે. પરંતુ તંત્ર માત્ર તપાસની વાતો કરી રહ્યું છે. વડોદરાની પોલીસની 9 ટીમો આરોપીઓને શોધી રહી છે. આ બોટકાંડમાં વડોદરા મહાનગર પાલિકાના જવાબદાર અધિકારીઓની પણ મિલીભગત ખુલ્લી પડી છે. તેમણે એક પણ બોટનું ઈન્સ્પેક્શન કર્યું નહોતું તેવો ખુલાસો થયો છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતાં 135 લોકોનાં મોત થયાં હતાં અને હવે ફરીથી 14થી 15 લોકોને મોત ભરખી ગયું છે. પરંતુ ભ્રષ્ટ અને નઘરોળ તંત્રએ કોઈ બોધપાઠ લીધો નથી. આવી જ બેદરકારીથી પાલનપુરમાં બ્રિજ ધરાશાયી થતાં 2નાં મોત થયાં હતાં. સુરતની તક્ષશિલા બિલ્ડિંગમાં 22 વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં. અમદાવાદના કાંકરિયા લેકમાં રાઈડ તૂટી પડતાં 2 લોકોનાં મોત થયાં હતાં. પરંતુ કેમ જાણે રાજ્ય સરકાર દાખલારૂપ કાર્યવાહી કરવાથી દૂર ભાગતી રહી છે જેના કારણે એક બાદ એક બેદરકારીની ઘટનાઓ સામે આવતી રહે છે અને જનતા બિચારી મોતને ભેટતી રહે છે.
મોરબીકાંડની જેમ પરેશ શાહને પણ બચાવવાના પ્રયાસો
વડોદરા બોટકાંડમાં મોટું માથું પરેશ શાહને પોલીસે આરોપી નથી બનાવતા અનેક સવાલ ઉભા થયા છે. પોલીસ પરેશ શાહને કોણાં ઇશારે બચાવી રહી છે. હરણી બોટ દુર્ઘટના મામલે 18 સામે ગુનો દાખલ કરાયો છે. મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂધ્ધ બેદરકારી તથા નિષ્કાળજીનો ગુનો હરણી પોલીસ મથકે દાખલ થયો છે. ઇ.પી.કો.કલમ ૩૦૪,૩૦૮,૩૩૭,૩૩૮, ૧૧૪ મુજબ ગુનો દાખલ થયો છે. કુલ 12 બાળકો, બે શિક્ષિકાઓના મોત નિપજ્યા છે. બોટમાં વધુ સંખ્યામાં બાળકો તથા શિક્ષિકાઓને બોટીંગ રાઇડમાં જોખમી રીતે બેસાડ્યા હતા. સમારકામ, મેન્ટનન્સ, લાઇફ જેકેટ, સેફટીના સાધનો તથા અન્ય સુરક્ષાના સાધનો જેવા કે બોયા, રીંગ, દોરડા તેમજ જરૂરી સુચના જાહેરાત બોર્ડ નહી લગાડી બેદરકારી દાખવી હોવાનો આરોપ કરાયો છે.
કોના વિરુદ્ધ ગુનો દાખલ?
મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો
(૧)બીનીત કોટીયા ઉ.વ.૩૨ રહે.૧૦, નિલકંઠ બંગલોજ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ વડોદરા
(ર) હિતેષ કોટીયા ઉ.વ.૫૫ રહે. ૧૦,નિલકંઠ બંગલોજ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ વડોદરા
(૩) ગોપાલદાસ શાહ ઉ.વ.૫૮ રહે.પી/૩ વૈકુઠ ફલેટ વી.આઇ.પી.રોડ કારેલીબાગ વડોદરા
(૪)વત્સલ શાહ ઉ.વ.૨૫ રહે એન/૨૦ પાર્વતીનગર સોસાયટી સ્વામીનારાયણ નગર -૪ સામે હરણી રોડ વડોદરા શહેર
(૫) દિપેન શાહ ઉ.વ.૨૪ રહે.૬૪,પુનિતનગર જી.આઇ.બી.કોલોની,જુના પાદરા રોડ વડોદરા
(૬)ધર્મીલ શાહ ઉ.વ.૨૭ રહે. ૬૪, પુનિતનગર જી.આઇ.બી.કોલોની,જુના પાદરા રોડ વડોદરા
(૭)રશ્મિકાંત સી. પ્રજાપતિ ઉ.વ.૪૬ રહે.૩૮,કર્મવીરવિલા સંતરામ ડેરી રોડ વડોદરા
(૮)જતીનકુમાર હરીલાલ દોશી ઉ.વ.૬૪ રહે.૪,અયોધ્યાપુરી સોસાયટી ભાદરવા ચોકડી સાવલી વડોદરા
(૯)નેહા ડી.દોશી ઉ.વ.૩૦ રહે.૪,અયોધ્યાપુરી સોસાયટી ભાદરવા ચોકડી સાવલી વડોદરા
(૧૦)તેજલ આશિષકુમાર દોશી ઉ.વ.૪૬ રહે. ૨૪, વ્રજવિહાર સોસાયટી એરપોર્ટ, હરણી રોડ વડોદરા
(૧૧) ભીમસિંગ કુડિયારામ યાદવ ઉ.વ.૩૬ રહે.બી/૧૪ વલ્લભ ટાઉનશિપ લખુલેશનગરઆજવારોડ વડોદરા
(૧૨)વૈદપ્રકાશ યાદવ ઉ.વ.૫૦ રહે.એ/૩ વલ્લભ ટાઉનશિપ લખુલેશનગર, આજવારોડ વડોદરા
(૧૩) ધર્મીન ભટાણી ઉ.વ.૩૪ રહે.૩૪,અંબે સોસાયટી સનસાઇન હોસ્પિટલ,દિવાળીપુરા વડોદરા
(૧૪)નુતનબેન પી.શાહ ઉ.વ.૪૮ રહે.એન/૨૦, પાર્વતીનગર, સ્વામીનારાયણ નગર- ૪,હરણી રોડ વડોદરા
(૧૫)વૈશાખીબેન પી.શાહ ઉ.વ.૨૨ પાર્વતીનગર, સ્વામીનારાયણ નગર-૪,હરણી રોડ વડોદરા
(૧૬) મેનેજર હરણી લેકઝોન શાંતિલાલ સોલંકી તથા
(૧૭)બોટ ઓપરેટર નયન ગોહિલ તથા
(૧૮)બોટ ઓપરેટર અંકિત નામનો માણસ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે