VADODARA: ગેરકાયદે ઈન્ટરનેશનલ કોલ રૂટિંગનો પર્દાફાશ, મહારાષ્ટ્રથી ચાલતું જાસૂસી નેટવર્ક
Trending Photos
વડોદરા : ગેરકાયદે VoIP એક્સચેન્જથી ચાલતા ઈન્ટરનેશનલ કોલ રૂટિંગનો ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી પર્દાફાશ કર્યો છે. સમગ્ર નેટવર્ક મહારાષ્ટ્રથી ચાલતુ હોવાનું સામે આવતાં પોલીસ દોડતી થઈ છે. હવે મહારાષ્ટ્રમાં પણ તપાસ માટેનો ધમધમાટ શરૂ થયો છે.
મહારાષ્ટ્રથી ચાલતાં જાસૂસી નેટવર્કનો પર્દાફાશ
ગુજરાત ATS અને વડોદરા SOGએ વડોદરાના વાસણા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર VoIP એક્સચેન્જનો પર્દાફાશ કર્યો છે. આ જાસૂસી નેટવર્ક મહારાષ્ટ્રથી ચાલતુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે પોસ્ટ પેઈડ પીઆરઈ લાઈનનો ઉપયોગ કરીને વડોદરાના વાસણામાં VoIP એક્સચેન્જ ચલાવીને ઇન્ટરનેશનલ કોલ રૂટીંગ કરવામાં આવી રહ્યું છે. અને બસ આ જ બાતમીના આધારે શહેરના વાસણા રોડની દુકાનમાં રેડ પાડી આ જાસૂસીનો પર્દાફાશ કરી એક શખ્સની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં પોલીસને અનેક ચોંકાવનારી માહિતી હાથ લાગી છે. પોલીસે ગુનામાં વપરાયેલા જીઓફાઇ રાઉટર, વાઇફાઇ રાઉટર, સીપીયુ વગેરે જપ્ત કર્યાં છે. સાથે જ વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસની વિવિધ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે.
ઈન્ટરનેશનલ કોલ રૂટિંગ કરતાં હતાં
મહારાષ્ટ્રના ભાયંદરમાં રહેતો જીની અનીલ ઉર્ફે નોઆહ વાસવાની આ દુકાનનો ભાડૂઆત છે અને તેના સાગરીત આમિર ઉર્ફે હારૂન અબ્દુલ માજિદ નાટવાની, ઈશાદ સચિન રાજ એકઠા થઈને ઈન્ટરનેશનલ કોલ રૂટિંગ કરવા માટે કમ્પ્યુટર તથા જીઓના વાઈફાઈ તથા રાઉટર ગોઠવી ગેરકાયદે VoIP એક્સચેન્જ બનાવીને ઓપરેશન કરતાં હતાં.
ગેરકાયદે VoIP એક્સચેન્જ રાષ્ટ્રની સુરક્ષા સામે ખતરો
VoIP એક્સચેન્જ ચલાવવુ રાષ્ટ્રના અર્થતંત્રને નુકસાન કરે છે. એટલે જ તેને ચલાવવું ગેરકાયદે માનવામાં આવે છે. તેમ છતાં આરોપીઓ ગેરકાયદેસર VoIP એક્સચેન્જનો ઉપયોગ કરવાનું એટલા માટે પસંદ કરે છે કે VoIP એક્સચેન્જથી કરવામાં આવતો કોલ ઓરિજનલ આંતરરાષ્ટ્રીય નંબરનું કોઈ નિશાન છોડતો નથી. જેથી કોઈને ખ્યાલ આવતો નથી કે કોલ ક્યાંથી થયેલો છે. આવી જ રીતે VoIP એક્સચેન્જ ચલાવવા ઈન્ડિયન ટેલિગ્રાફ એક્ટ હેઠળ ગેરકાયદેસર છે અને રાષ્ટ્રની સુરક્ષા સામે પણ ખતરો ઉભો કરે છે.
આમ પોલીસે આટલા મોટા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરી મુંબઈ સુધી ફેલાયેલા તેના તાર કાપવાના પ્રયાસ કર્યા છે. સાથે જ આ બાબતની ગંભીરતાને લઇ ATSની ટીમે આરોપી શહેજાદ મહંમદ રફીક મલેકની ધરપકડ કરી અન્ય કોણ કોણ આ નેટવર્કમાં જોડાયેલું છે તે જાણવાની દિશામાં પણ તપાસ તેજ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે