ખેતરમાં જંતુનાશક દવાને બદલે નંખાતુ ઝેર, કૌભાંડના તાર લખનઉ સુધી પહોંચ્યા
Trending Photos
નિલેશ જોશી/વાપી :વાપીમાં જંતુનાશક દવાઓ બનાવતી કેટલીક જાણીતી કંપનીઓના ડુપ્લીકેટ લોગો અને નકલી બેચ નંબર અને બારકોડ લગાવી નકલી દવાઓનું વેચાણ કરવાનું એક કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. ત્યારે વાપીની ચાર મોટી જાણીતી કંપનીઓના લોગો સાથે ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ વેચતા નવલકિશોર દૂબે નામના આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાપી જીઆઇડીસી આવેલી અને જંતુનાશક દવાઓ બનાવતી યુપીએલ કંપની, એફએમસી, સિજન્ટા અને બાયર નામની કંપનીઓના ડુબલીકેટ લોગો અને બારકોડ સાથે કોઈ અજાણ્યા વ્યક્તિઓ નકલી દવાઓનું વેચાણ કરી રહ્યા હોવાની પોલીસને જાણ થઈ હતી. યુપીએલ કંપનીના જનરલ મેનેજરે આ બાબતે વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી. કંપનીને મળેલી માહિતી મુજબ વાપીના ગોવિંદા કોમ્પ્લેકસમાં ઓફિસ નંબર 223 માં નવજોત એગ્રો કેમિકલ્સ એન્ડ ટ્રેડર્સ નામની ઓફિસમાં જંતુનાશક દવાઓનો ધંધો કરતા નવલકિશોર સંપતરાવ દુબે નામનો વ્યક્તિ યુ.પી. એલ કંપનીના ડુપ્લીકેટ લોગો અને બારકોડ અને ખોટા બેચ નંબરના આધારે કંપનીના નામે ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનું વેચાણ કરી રહ્યો હતો.
યુપીએલ કંપનીની ટીમને મળેલી બાતમીને આધારે કંપનીની ટીમે વાપીના ગોવિંદા કોમ્પલેક્ષ બહાર વોચ ગોઠવી હતી. એ દરમિયાન નવલકિશોર દુબે નામનો વ્યક્તિ એક કારમાં કોથળામાં કેટલોક સામાન લઈને આવ્યો હતો. આથી કારની અંદર તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં જાણીતી કંપનીઓના લોગો સાથેનો જંતુનાશક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ અને કંપનીની ટીમ દ્વારા જંતુનાશક દવાઓ પરના બારકોડ સ્કેન કરતા સ્કેન થતો ન હતો અને દવા ઉપર લગાવેલા બેચ નંબર પણ ખોટો હતો. આથી આ દવાઓનો જથ્થો નકલી હોવાનું બહાર આવતા પોલીસે કારમાંથી અંદાજે 93 હજારથી વધુની કિંમતના નકલી જંતુનાશક દવાઓનો જથ્થો કબજે કર્યો હતો.
વાપી પોલીસે આરોપી નવલકિશોર દુબેની ધરપકડ કરી તેની આગવી ઢબે પુછપરછ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં નવલકિશોર દુબે જણાવ્યું હતું કે, યુપીના લખનઉનો રહેવાસી આર્યન ઉર્ફે અમિતકુમાર નામનો વ્યક્તિ તેને આ દવાઓનો જથ્થો મોકલતો હતો. અત્યાર સુધી 7 વખત તે આવી રીતે દવાઓ મંગાવી અને મોટી જાણીતી કંપનીઓના લોગો સાથે નકલી દવાઓ વેચી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે નવલકિશોર દુબેની ધરપકડ કર્યા બાદ આ નકલી દવાઓનો જથ્થો સપ્લાય કરનાર લખનૌના આર્યન ઉર્ફે અમિત કુમાર નામના આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યો છે. આમ નકલી જંતુનાશક દવાઓના કૌભાંડના મૂળ ઉત્તર ભારત સુધી પહોંચ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે