એક ટીપુ પાણી માટે ગુજરાતના આ ગામના લોકોને લગાવવી પડે છે મોતની ડુબકી

પાણી એ જીવન છે તે વાક્ય તો આપણે સૌ કોઈ એ સાંભળ્યું છે, પરંતુ જીવન મેળવવા જીવ જોખમમાં મૂકવો પડે તે વરવી વાસ્તવિકતા પણ ગુજરાતની પૃષ્ઠભૂમિ પર જોવા મળી રહી છે. પાટણના અંતરિયાળ ગામ સીગોતારીયા ગામમાં ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે. 

એક ટીપુ પાણી માટે ગુજરાતના આ ગામના લોકોને લગાવવી પડે છે મોતની ડુબકી

પ્રેમલ ત્રિવેદી/પાટણ :પાણી એ જીવન છે તે વાક્ય તો આપણે સૌ કોઈ એ સાંભળ્યું છે, પરંતુ જીવન મેળવવા જીવ જોખમમાં મૂકવો પડે તે વરવી વાસ્તવિકતા પણ ગુજરાતની પૃષ્ઠભૂમિ પર જોવા મળી રહી છે. પાટણના અંતરિયાળ ગામ સીગોતારીયા ગામમાં ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે. અહીંના લોકો સવારથી જ પાણી મેળવવા દર-દર ભટકે છે. સાથે જ આ ગામમાં એક એવી પણ જગ્યા છે, જ્યાં પાણી તો મળી જાય છે, પણ એટલું આસાન નથી જેટલું આપણે માની રહ્યા છીએ. 4 ફૂટ ઊંડા ખાડામાંથી પસાર થતી પાણીની પાઈપ લિકેજ થવાથી ગામની આ બાળાઓ પાણીના ખાડામાં ઉતરે છે અને જીવ જોખમમાં મૂકી ડૂબકી લગાવે છે. પોતાનો શ્વાસ રોકી ખાડાની પાઈપ શોધે છે અને તેમાં પાઈપ ફીટ કરીને પાણી મેળવે છે. જોકે આ રીતે પાણી મેળવવું જોખમરૂપ પણ છે. આ બાળકો ખાડામાં ડૂબવાનો ડર તો અનુભવી રહ્યા છે, પણ પાણી વગર પણ જીવન જીવવું અશક્ય હોઇ આ જોખમ ખેડવા મજબૂર બન્યા છે. 

vlcsnap-2019-05-18-07h40m40.jpg

સરકારના મંત્રીઓ ભલે એસી કેબિનમાં બેસીને પાણીની કપરી પરિસ્થિતિને નિવારવા સમિક્ષા બેઠકો યોજે છે, પરંતુ આ દ્રશ્યો પરથી એ વાત ચોક્કસ સાબિત થાય છે કે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચાડવાની વાતો માત્ર અને માત્ર પોકળ અને ઠગારી નીવડી છે. આ ગામમાં ક્યારેય ટેન્કર પણ નથી આવ્યું કે નથી કેનાલ મારફતે પાણી પહોચાડવામાં આવ્યું. પાટણના આવા અનેક ગામો છે, કે જ્યાં લોકો પાણી માટે ટળવળે છે અને તંત્ર માત્ર હાથ પર હાથ મૂકી બેસી રહ્યું છે. આ બાળકીઓ જીવના જોખમે પાણી મેળવવાનો પ્રયાસ કરે છે, તો બીજી તરફ ઘરના મોભીઓ અશક્ત હોવાથી ઊંડા ખાડામાં ઉતરી શકતા ન હોઈ બાળકીઓને ખાડામાં ઉતારવા મજબૂર બન્યા છે. જેટલી વાર બાળકીઓ મોતની ડૂબકી લગાવે એટલી વાર પરિવારના મોભીનો જીવ પણ તાળવે ચોટીં રહે છે. ક્યાંક આ ડૂબકી મોતની ડૂબકી સાબિત ન થઇ જાય તેવો ડર હંમેશા તેઓને સતાવી રહ્યો છે.  

vlcsnap-2019-05-18-07h39m35.jpg

પાટણ જિલ્લાના લોકોએ પહેલા અતિવૃષ્ટિનો સામનો કર્યો અને ત્યાર બાદ નહિવત વરસાદના કારણે દુષ્કાળનો પણ સામનો કરી રહ્યા છે. એક નહિ પણ બે-બે કુદરતી આફતો વચ્ચે હવે ઉનાળામાં પાણીની તંગીને લઈ જીવવું મુશ્કેલ બન્યું છે તેવામાં સરકાર તાત્કાલિક અસરથી પાણીની વ્યવસ્થા ઉભી કરે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news