જો તમે આ વસ્તુ ખાતા હોવ તો ચેતી જજો, નહીં તો થઈ શકે છે પથરી
શરીરના કેટલાક અંગોમાં મીનરલ અને સોલ્ટ જામીને પથ્થરનું સ્વરૂપ લઈ લે છે, જેને પથરી કહેવામાં આવે છે. તે મગની દાળથી લઈ ટેનિસના બોલ જેવા આકારની હોય શકે છે. પથરી શરીરમાં કિડની, યુરેટર (પેશાબની નળી), યુરિનરી બ્લેડર (પેશાબની કોથળી)માં હોઈ શકે છે. પથરીના થાય તેના માટે કઈ-કઈ તકેદારી રાખવી છે જરૂરી?
પથરી થવાનાં મુખ્ય કારણો ક્યાં છે?
ઓછું પાણી પીવાની ટેવ
વારસાગત પથરી થવાની તાસીર
માંસાહારી અથવા વધુ પ્રોટીન ધરાવતો ખોરાક
ખોરાકમાં નમકનું વધુ પ્રમાણ
લાંબો સમય પથારી વશ રહેવું
Trending Photos
રાહુલ પીઠડીયા, અમદાવાદઃ એવું કહેવાય છેકે, ભગવાન દુશ્મનને પણ પથરીનો દુખાવો ન આપે. પથરીનો દુખાવો તો જેને થાય એને જ ખબર પડે. જ્યારે પથરીનો દુખાવો થાય ત્યારે ભલભલા ભાલા લઈને ફરતા અને મુછો પર લીંબુ રાખીને તાવ આપતા લોકો પણ પેટ પકડીને રડવા લાગે છે. પથરી એ દર્દીઓમાં જોવા મળતો એક મહત્વનો કિડનીનો રોગ છે. પથરી થતા અસહ્ય દુખાવો, પેશાબમાં બળતરા અને કિડનીને નુકસાન કરી શકે છે. અમુક દર્દીઓમાં પથરીની સમયસર સારવાર ન લેવામાં આવે તો તો તેમને અસહ્ય દુખાવો ઉપડે છે. ત્યારે એ જાણવું ખુબ જરૂરી છેકે, પથરી કેમ થાય છે? અને પથરીના અસહ્ય દર્દથી બચવા શું કરવું? પથરી ન થાય તે માટે શું તકેદારી રાખવી? આ તમામ સવાલોનો જવાબ તમને આ આર્ટીકલમાં મળી જશે.
વાસ્તવમાં પથરીની બીમારી ખૂબ જ સામાન્ય છે. ખાવા-પીવાની આપણી કેટલીક ટેવ કે કૂટેવના કારણે પથરી થવાની શક્યતાઓ વધી જાય છે. તેમાં શરીરના કેટલાક અંગોમાં મીનરલ અને સોલ્ટ જામીને પથ્થરનું સ્વરૂપ લઈ લે છે, જેને પથરી કહેવામાં આવે છે. તે મગની દાળથી લઈ ટેનિસના બોલ જેવા આકારની હોય શકે છે. પથરી શરીરમાં કિડની, યુરેટર (પેશાબની નળી), યુરિનરી બ્લેડર (પેશાબની કોથળી)માં હોઈ શકે છે. પિત્તાશય એટલે કે ગૉલ બ્લેડરમાં પણ પથરી થવી સામાન્ય છે. જ્યારે પથરી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો પ્રયાસ કરે છે ત્યારે અસહ્ય દુખાવો થાય છે. આ દુખાવો કિડનીમાં પણ થઈ શકે છે અને યુરેટરમાં પણ થઈ શકે.
પથરી એટલે શું ?
પેશાબમાં કેલ્શિયમ ઓક્સલેટ કે ક્ષારના કણો એકબીજા સાથ ભેગા થઇને લાંબા ગાળે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે, જેને પથરી કહેવામાં આવે છે. મૂત્રમાર્ગમાં થતી પથરી જુદા જુદા કદની હોય છે. જે રેતીના કણ જેટલી નાની કે ટેનિસ બોલ જેવડી મોટી પણ હોય શકે છે. અમુક પથરી ગોળ કે લંબગોળ હોય છે. આ પ્રકારની પથરી ઓછો દુઃખાવો કરે છે અને સરળતાથી કુદરતી રીતે પેશાબ થકી બહાર નીકળી જાય છે. પેટના દુઃખાવા સાથે લાલ પેશાબ આવવાનું મુખ્ય કારણ પથરી હોય છે. અમુક પથરી ખરબચડી હોય છે. જે અસહ્ય દુઃખાવો કરી શકે છે અને સરળતાથી પેશાબમાં નીકળતી નથી.
કેટલા પ્રકારની પથરી હોય છે ?
સિસ્ટીન સ્ટોનઃ આ પથરી એ લોકોમાં વધુ બને છે, જેમાં આનુવંશિક વિકાર સિસ્ટીનુરિયા હોય છે. આ પ્રકારની પથરીમાં સિસ્ટીન (એક એસિડ, જે શરીરમાં ઉત્પન્ન થાય છે)નો રિસાવ પેશાબમાં થાય છે.
સ્ટ્રાવાઇટ સ્ટોનઃ આ પ્રકારની પથરી મોટે ભાગે યુરિનરી ટ્રેક ઈન્ફેક્શનથી પીડિત મહિલાઓમાં જોવા મળે છે. આ સ્ટોન કિડનીમાં ઈન્ફેક્શનને કારણે થાય છે. સાઇઝમાં આ પથરી મોટી હોવાને કારણે પેશાબમાં અવરોધ ઊભો કરે છે.
યુરિક એસિડ સ્ટોનઃ આ પથરી મહિલાઓની સરખામણીએ પુરુષોમાં વધુ હોય છે. જ્યારે પેશાબમાં એસિડનું પ્રમાણ વધુ હોય છે ત્યારે તે બને છે. પ્યુરિનથી ભરપૂર આહારથી પેશાબમાં એસિડનું સ્તર વધી જાય છે.
કેલ્શિયમ સ્ટોનઃ કેલ્શિયમ પથરી કિડનીમાં થતી પથરીમાં સૌથી સામાન્ય છે. તે કેલ્શિયમ, ઓક્સલેટ, ફોસ્ફેટ કે મેલિએટથી બને છે. ચિપ્સ, મગફળી, ચોકલેટ, પાલકમાં ઓક્સલેટનું પ્રમાણ વધુ હોય છે. તેને વધુ પ્રમાણમાં ખાવાથી કેલ્શિયમ સ્ટોનની આશંકા વધી જાય છે.
પથરી થવાનાં મુખ્ય કારણો ક્યાં છે?
જ્યારે આપણાં શરીરમાં ખનીજો અને મીઠાનો ઘન કચરો એકત્ર થાય છે અને એના સ્ફટિકો બને છે, ત્યારે કિડનીમાં પત્થરો એટલે કે પથરી થાય છે. પથરી થવાના મુખ્ય કારણો નીચે મુજબ છે.
-ઓછું પાણી પીવાની ટેવ
-વારસાગત પથરી થવાની તાસીર
-ખોરાક: માંસાહારી (વધુ પ્રોટીન ધરાવતો) ખોરાક, ખોરાકમાં નમક અને ઓક્ષલેટનું વધુ પ્રમાણ અને ખોરાકમાં ફળો અને પોટેશિયમનું ઓછુ પ્રમાણ.
-પથરી થવાનું જોખમ સ્ત્રીઓ કરતા પુરૂષોમાં વધુ જોવા મળે છે. કિડનીની પથરી હોય તેવાં દર્દીઓમાં 75 ટકા અને મૂત્રાશયની પથરી હોય તેવા દર્દીઓમાં 95 ટકા પુરૂષો હોય છે.
-લાંબો સમય પથારી વશ રહેવું.
-જે વ્યક્તઓ ખુબ ગરમ કે ભેજવાળા વાતાવરણમાં રહેતા હોય છે.
-વારંવાર મુત્રમાર્ગનો ચેપ.
-મૂત્રમાર્ગમાં અવરોધ.
-ખોરાકમાં વિટામીન-સી કે કેલ્શિયમનું અત્યંત વધુ પ્રમાણ.
-હાઈપર પેરાથારોઈડિઝમની તકલીફ.
પથરીના લક્ષણો:
પથરીનો દુઃખાવો પથરી ક્યાં છે, કેવડી છે અને ક્યાં પ્રકારની છે તેના પર આધાર રાખે છે.
-સામાન્ય રીતે પથરીની બીમારી 30થી 40 વર્ષની ઉંમર દરમ્યાન થાય છે.
-પીઠમાં અને પેટમાં સતત દુઃખાવો થાય.
-ઊલટી-ઊબકા થાય.
-પેશાબમાં લોહી જાય.
-પેશાબ કરતી વખતે દુઃખાવો અથવા બળતરા થવી.
-જો પથરી મુત્રનળીમાં અટકી જાય તો પેશાબ થવાનું એકાએક બંધ થઈ જાય.
-પેશાબમાં પથરી નીકળવી.
અમુક દર્દીઓમાં પથરીને લીધે વારંવાર મૂત્રમાર્ગમાં ચેપ અને પેશાબમાં અવરોધને કારણે કિડનીને સામાન્યથી લઈ ગંભીર નુકસાન પણ થઈ શકે છે.
શું પથરીને લીધે કિડની બગડી શકે છે ?
હા, કેટલાક દર્દીને મૂત્રમાર્ગમાં (કિડની કે મૂત્રવાહીનીમાં) મોટી પથરીને લીધે અડચણ ઊભી થાય છે. જેને લીધે કિડનીમાં બનતો પેશાબ સરળતાથી મૂત્રાશયમાં જઈ શકતો નથી અને કિડની ફૂલી જાય છે. જો આ પથરીની સમયસર યોગ્ય સારવાર કરવામાં ન આવે તો લાંબા ગાળે ફૂલી ગયેલી કિડની ધીમે ધીમે નબળી પડે છે અને છેવટે સાવ કામ કરતી બંધ થઈ જાય છે.
પથરી ન થાય તે માટે ભોજનમાં શું લેવું અને શું ટાળવું
1) પથરી માટે સરળ ઈલાજ એ છે કે તમે પુષ્કળ પાણી પીવો. જે લોકોને પથરી થઈ છે તેમને તો ખાસ પાણી પીવામાં ઢીલ આપવી જોઈએ નહીં. એનો ફાયદો એ થશે કે ઘણીવાર પથરી મૂત્રના માર્ગે નીકળી પણ જઈ શકે. ઓછું પાણી પીવાને કારણે પથરીનો ખતરો વધુ રહે છે.
2) જાનવરોમાં મળતા પ્રોટીન શરીરમાં કેલ્શિયમ ઓક્સેલેટ, કેલ્શિયલ ફોસફેટ અને યુરિક એસિડથી પથરીનો ખતરો વધે છે. ભોજનમાં માંસ, ઈંડા, માછલી, દૂધ અને પનીરની જગ્યાએ શાકભાજી, દાળ, મગફળી અથવા સોયા ફુડથી પ્રોટીન મળતો વિકલ્પ વધુ યોગ્ય છે.
3) જો તમારા ભોજનમાં સોડિયમની માત્રા વધુ હશે તો તે તમારી માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જંક ફુડ જેવા કે વેફર, ફ્રાઈમ્સ, પેક્ડ ફુડ અને વધારે પડતા નમકના સેવનથી બચવું જોઈએ.
4) પથરીના દુખાવામાં મોટા ભાગે ડોક્ટરો ઓક્સલેડવાળી વસ્તુઓ ન ખાવા સલાહ આપે છે. પાલક, આખા અનાજ, ક્રેનબેરી, શક્કરીયા અને ચોકલેટમાં ઓક્સલેટ પર્યાપ્ત માત્રામાં હોય છે.
5) ઈમ્યુનિટી વધારવા માટે લોકો વિટામીન-સી એટલે કે સાઈક્ટ્રિક ફ્રુટ વધુ પસંદ કરતા હોય છે. પરંતુ વધુ પડતા વિટામીન-સીથી પણ પથરીનો ખતરો રહે છે. આ માટે લોકોએ મોસંબી અથવા તેનાથી બનેલા કોઈ પણ પ્રોડક્ટસ ઓછા કરી દેવા જોઈએ. ખાસ કરીને માર્કેટમાં મળી રહેલા પેક્ડ ઓરેન્જ જ્યુસનું સેવન તો બિલકુલ ન કરવું જોઈએ.
6) પથરીનો ખતરો ટાળવા માટે કેટલાક શાકભાજી ન ખાવા પણ સલાહ આપવામાં આવી છે. કેટલાક શાકભાજી જેવા કે ટમેટા, રિંગણાના બીજ પથરીનું કારણ બની શકે છે. તેમજ કાચા ચોખ્ખા, અડદ અને ચણાનું પણ વધુ સેવન ન કરવું જોઈએ.
7) એક તરફ પથરી થતા વધુને વધુ પાણી પીવા માટે સલાહ આપવામાં આવે છે. બીજી તરફ આવી સ્થિતિમાં કોલ્ડ ડ્રિંક્સથી થોડી દૂરી બનાવી લેવી હિતાવહ છે. કોલ્ડ ડ્રિંક્સમાં આવેલા ફોસ્ફોરિક એસિડ સ્ટોનના ખતરામાં વધારો કરે છે.
8) પથરીની તકલીફ હોય તેવી વ્યક્તિએ દ્રાક્ષનો રસ, કડક ચા, કોફી, ચોકલેટ અથવા વધુ ખાંડવાળા ઠંડા પીણા જેમ કે કોકા કોલા, બધી પ્રકારના દારૂ, બીયર વગેરે બિલકુલ ન લેવા જોઈએે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે