ચિંતાજનક...! વિશ્વના ટોચના 10 પ્રદૂષિત શહેરોમાં ભારતના 7, ગુરૂગ્રામ ટોચ પર
વિશ્વનાં દેશોની રાજધાનીઓનાં પ્રદૂષણનાં સ્તરની યાદીમાં ભારતની રાજધાની દિલ્હી ટોચના સ્થાને છે, ટોચનાં 20 પ્રદૂષિત શહેરમાં ભારતના 15 શહેર છે
Trending Photos
નવી દિલ્હીઃ વિશ્વનાં ટોચનાં 10 પ્રદૂષિત શહેરોમાં ભારતના 7 શહેરનો સમાવેશ થાય છે. એનજીઓ ગ્રીનપીસ દ્વારા પર્યાવરણ અંગે કરવામાં આવેલા સરવેમાં આ વાત સામે આવી છે. દિલ્હીની પડોશમાં આવેલા ગુરૂગ્રામ અને ગાઝિયાબાદ વિશ્વનાં ટોચનાં 10 પ્રદૂષિત શહેરોની યાદીમાં પ્રથમ બે સ્થાન પર છે, જ્યારે દિલ્હી 11મા સ્થાને છે. આ ઉપરાંત, વિશ્વનાં દેશોની રાજધાનીઓનાં પ્રદૂષણનાં સ્તરની યાદીમાં ભારતની રાજધાની દિલ્હી ટોચના સ્થાને છે.
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, વિશ્વનાં જે ટોચના 20 પ્રદૂષિત શહેર છે, તેમાં 15 ભારતના છે. એટલે કે, ભારતમાં પ્રદૂષણનું સ્તર અત્યંત ચિંતાજનક સ્થિતિમાં પહોંચી ગયું છે. ટોચનાં 20 શહેરમાં જે બાકીનાં 5 વધ્યા છે તે ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનાં છે.
ચીને છેલ્લા એક દાયકાથી પ્રદૂષણ સામે જે જંગ છેડી છે તેમાં તે સફળ થયું છે અને તેનાં શહેરોમાં પ્રદૂષણના સ્થરમાં વર્ષ 2017ની સરખામણીએ 2018માં 12 ટકાનો ઘટાડો થયો છે. બિજિંગ અત્યારે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં 122મા સ્થાને છે.
પ્રદૂષિત શહેરો અંગેના આ રિપોર્ટમાં જણાવાયું છે કે, "દક્ષિણ એશિયાનાં શહેરોમાં દિલ્હી શહેરને વિશ્વની સૌથી વધુ પ્રદૂષિત રાજધાની તરીકે મીડિયા કવરેજ મળે છે. ભારતની રાજધાનીમાં પ્રદૂષણનું સ્તર 2.5 નોંધાયું છે. ઉત્તર ભારત અને પાકિસ્તાનનાં અન્ય શહેરોમાં પ્રદૂષણનું વાર્ષિક સ્તર સરેરાશ 2.5 PM થી વધી છે. દિલ્હીના પડોશી શહેર ગુરૂગ્રામમાં સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષણ નોંધાયું છે."
ગુરૂગ્રામ અને આ વિસ્તારમાં પ્રદૂષણમાં વાહનોમાંથી નિકળતો ધૂમાડો, ખેતરમાં સુકો કચરો બાળવો, બાયોમાસને બાળવું, ઔદ્યોગિક પ્રદૂષણ અને કોલસાનો ધૂમાડો મુક્ય કારકો છે.
ગ્રીનપીસે પોતાના આ રિપોર્ટમાં જણાવ્યું છે કે, "આગામી વર્ષે સમગ્ર વિશ્વમાં વાયુ પ્રદૂષણને કારણે 70 લાખ લોકોનાં મોત થવાનો અંદાજ છે. વાયુ પ્રદૂષણને કારણે વૈશ્વિક અર્થતંત્રને 225 બિલિયન ડોલરનું નુકસાન થવાની સંભાવના છે."
ગ્રીનપીસના દક્ષિણ પશ્ચિમ એશિયાના એક્ઝીક્યુટિવ ડિરેક્ટર યેબ સાનોએ જણાવ્યું કે, "વાયુ પ્રદૂષણ આપણા જીવનગુજરાનના સંસાધનો પર અસર કરે છે અને આપણાં ભવિષ્ય પર અસર કરે છે, પરંતુ આપણે તેમાં પરિવર્તન લાવી શકીએ છીએ. માનવજીવનને થતાં નુકસાન અંગે તેમણે જણાવ્યું કે, વાયુ પ્રદૂષણની મજૂરોનાં મોત થવાને કારણે વૈશ્વિક અર્થતંત્રને અંદાજે 225 બિલિયન ડોલરનું નુકસાન થશે અને તબીબી ખર્ચમાં ટ્રિલિયન ડોલર જેટલો ખર્ચ થશે."
યેન સાનોએ વધુમાં જણાવ્યું કે, "ખતરનાક વાયુ પ્રદૂષણની સીધી અસર માનવીના આરોગ્ય અને પાકિટ પર પડે છે. અમે આ રિપોર્ટ દ્વારા લોકોને એ બાબતે વિચાર કરવા જણાવીએ છીએ કે આપણે શ્વાસમાં જે વાયુ લઈ રહ્યા છીએ તેના અંગે આપણે ચિંતા કરવાની જરૂર છે. આપણે જ્યાં સુધી વાયુ પ્રદૂષણની આપણા જીવન પર થતી અસર અંગે સમજીશું અને તેના અંગે પગલાં લઈશું ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હશે. આથી, આપણે આજે જ જાગૃત થવાની જરૂર છે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે