37મી GST કાઉન્સિલ બેઠકઃ ડાયમંડ અને હોટેલ ઉદ્યોગને રાહત આપતા નિર્ણય

જીએસટી કાઉન્સિલની 37મી બેઠકમાં હોટેલ ઉદ્યોગને રાહત આપતાં રૂ.1000 સુધીનું રૂમના ભાડા પર કોઈ જીએસટી લાગશે નહીં. રૂ.1001થી રૂ.7500 સુધીના રૂમના ભાડા પર હવે 18 ટકાના બદલે 12 ટકા જીએસટી લાગશે. 
 

37મી GST કાઉન્સિલ બેઠકઃ ડાયમંડ અને હોટેલ ઉદ્યોગને રાહત આપતા નિર્ણય

પણજી(ગોવા): નાણામંત્રી નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં ગોવા ખાતે મળેલી 37મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં શુક્રવારે મહત્વનાં નિર્ણય લેવાયા હતા. કાઉન્સિલની બેઠકમાં 20 વસ્તુઓ અને 12 સેવાઓ પર GST દર ઘટાડવામાં આવ્યા છે. કાઉન્સિલે નાના વેપારીઓને રાહત આપતા જણાવ્યું કે, રૂ.2 કરોડથી ઓછા ટર્નઓવર પર વાર્ષિક જીએસટી રિટર્ન(GST Return) ભરવાનું રહેશે નહીં. જીએસટીના સંશોધિત દર 1 ઓક્ટોબરથી લાગુ થશે.

કાઉન્સિલની બેઠકમાં ડાયમંડ અને હોટલ ઉદ્યોગને મોટી રાહત આપવામાં આવી છે. આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલના વાહનોમાં પણ થોડી રાહતનું જાહેરાત કરાઈ છે. આયાત કરવામાં આવતા સંરક્ષણ ક્ષેત્રને લગતા સાધનોને 2024 સુધી જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. કેફિનેટેડ બેવરેજ પર જીએસટી 18 ટકા અને સેસ 12 ટકા લગાવાયો છે. 

હોટલ ઉદ્યોગને મોટી રાહત
જીએસટી કાઉન્સિલની 37મી બેઠકમાં હોટેલ ઉદ્યોગને રાહત આપતાં રૂ.1000 સુધીનું રૂમના ભાડા પર કોઈ જીએસટી લાગશે નહીં. રૂ.1001થી રૂ.7500 સુધીના રૂમના ભાડા પર હવે 18 ટકાના બદલે 12 ટકા જીએસટી લાગશે. આ સાથે જ નાણામંત્રીએ જણાવ્યું કે, રૂ.7500થી વધુ રૂમના ભાડા પરનો જીએસટી દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. 

— ANI (@ANI) September 20, 2019

નાણામંત્રીએ કરેલી જાહેરાતો 
- 10થી 13 લોકોની ક્ષમતા ધરાવતા પેસેન્જર પેટ્રોલ વાહનો પર કમ્પેનસેશન સેસમાં 3 ટકાનો ઘટાડો કરાયો છે. આ વાહનો પર કમ્પેન્સેસન સેસનો દર 15 ટકા હતો.
- 1500cc ડીઝલ અને 1200ccની ગાડીઓ પર 12 ટકા સેસ ઘટાડવાની ભલામણ કરાઈ છે. 
- આઉટડોર કેટરિંગ પર જીએસટી 18 ટકાથી ઘટાડી 5 ટકા કરાયો. 
- સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ સાધનોને 2024 સુધી આયાત પર જીએસટીમાં રાહત મળશે. 
- રેલવે વેગન, કોચ પર જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરવાનો નિર્ણય લેવાયો છે. 

- ભારતમાં અંડર-17 વૂમન્સ ફૂટબોલ વર્લ્ડ કપ માટે અને ફીફા તથા અન્ય સંસ્થાઓને રમત-ગમતના સંસાધનોની સપ્લાય પર જીએસટીમાં છૂટ આપવામાં આવશે. 
- પોલિથીન બેગ પર 12 ટકા જીએસટી લાગશે. 
- ડાયમંડના પોલિશ અને કટિંગના જોબવર્ક પર જીએસટી દર ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. 

- હીરા સાથે સંકળાયેલા જોબ વર્ક પર જીએસટી 5 ટકાથી ઘટાડી 1.5 ટકા કરાશે. 
- સમુદ્રી ઈંધણ પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે. 
- સ્લાઈડ ફાસ્ટનર્સ પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવશે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news