Bharat Bandh LIVE Updates: યુથ કોંગ્રેસના કાર્યકરોએ દિલ્હીના તિલક બ્રિજ સ્ટેશન પર ટ્રેન રોકી, દેશભરમાં 348 ટ્રેનો રદ્દ
સેનામાં ભરતીની નવી યોજના અગ્નિપથને લઈને દેશભરમાં હંગામો ચાલુ છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારની આ નવી યોજના સામે બિહારમાં સૌથી વધુ વિરોધ જોવા મળ્યો છે. કેટલાક સંગઠનોએ આજે ભારત બંધની જાહેરાત પણ કરી છે. મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે પણ ભારત બંધનું સમર્થન કર્યું છે
Trending Photos
Bharat Bandh: સેનામાં ભરતીની નવી યોજના અગ્નિપથને લઈને દેશભરમાં હંગામો ચાલુ છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારની આ નવી યોજના સામે બિહારમાં સૌથી વધુ વિરોધ જોવા મળ્યો છે. કેટલાક સંગઠનોએ આજે ભારત બંધની જાહેરાત પણ કરી છે. મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે પણ ભારત બંધનું સમર્થન કર્યું છે.
દેશભરમાં 348 ટ્રેનો રદ્દ
વિરોધને પગલે રેલવે સ્ટેશનો પર કડક સુરક્ષા બંદોબસ્ત કરાયો છે. પ્રદર્શનના કારણે આજે 539 ટ્રેનો પ્રભાવિત છે. જ્યારે 348 ટ્રેનો રદ કરાઈ છે. જેના કારણે અલગ અલગ સ્ટેશનો પર હજારો મુસાફરો ફસાયેલા છે.
યુથ કોંગ્રેસે તિલક બ્રિજ સ્ટેશન પર ટ્રેન રોકી
અગ્નિપથ યોજનાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા યૂથ કોંગ્રેસના કાર્યકરોએ દિલ્હીના તિલક બ્રિજ રેલવે સ્ટેશન પર ટ્રેન રોકી. જો કે ફોર્સે તેમને તરત હટાવી દીધા અને ટ્રેનોની અવરજવર ફરી શરૂ કરી.
દિલ્હીમાં ભારે ટ્રાફિક જામ
અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે અનેક સંગઠનોએ ભારત બંધનું એલાન જાહેર કરેલું છે. જેને જોતા અનેક રાજ્યોની પોલીસ અલર્ટ મોડ પર છે. અગ્નિપથયોજના અંગે દિલ્હીમાં આજે થનારા પ્રદર્શનોને જોતા પોલીસે અલર્ટ જાહેર કરેલું છે. લોકોને અપીલ કરી છે કે તેઓ દિલ્હીના કેટલાક રસ્તાઓ પર જાય નહીં. જેમાં મોતીલાલ નહેરુ માર્ગ, અકબર રોડ, માનસિંહ રોડ, તુગલક રોડ સામેલ છે. પોલીસે સવારે 8થી 12 વાગ્યા સુધી ન જવાની સલાહ આપી છે. જો કે અગ્નિપથ વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શનોને પગલે ટ્રાફિક જામ થયાના અહેવાલો આવી રહ્યા છે. જેમાં નોઈડાથી દિલ્હીને જોડતા રસ્તા પર ટ્રાફિક જામ છે. નોઈડા એક્સપ્રેસ વે પર મહામાયા પુલથી લઈને નોઈડા ગેટ સુધી લગભગ 2 કિમી સુધી લાંબો ટ્રાફિક જામ છે. આ બાજુ દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર ઉપર પણ ટ્રાફિકની સ્થિતિ ખરાબ છે. દિલ્હી તરફ જઈ રહેલી ગાડીઓનું કડકાઈથી ચેકિંગ થઈ રહ્યું છે જેને પગલે ટ્રાફિક જામ છે.
દેશભરમાં 'ભારત બંધ'ના એલાન વચ્ચે દિલ્લી-ગુરૂગ્રામ એક્સપ્રેસ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો...#AgnipathScheme #Bharatbandh #ZEE24Kalak pic.twitter.com/dKVNjrRnka
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2022
રાકેશ ટિકૈતનું સમર્થન
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ ભારત બંધનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે વિધાયક અને સાંસદ 90 વર્ષની ઉંમર સુધી ચૂંટણી લડી શકે છે અને પેન્શન પણ લઈ શકે છે. પરંતુ ચાર વર્ષની સેવા બાદ યુવાઓ પર સેવાનિવૃત્તિ થોપવી અયોગ્ય છે. અમે એવું થવા દઈશું નહીં. તેમણે કહ્યું કે બીકેયુ અગ્નિપથ યોજના વિરુદ્ધ આંદોલન કરશે. કૃષિ કાયદા પાછા ખેંચવા પર તેમણે કહ્યું કે ખેડૂતોએ દિલ્હીનો રસ્તો જોયો છે અને ચાર લાખ ટ્રેક્ટર તૈયાર છે. દેશમાં આ મુદ્દે વધુ એક મોટા આંદોલનની જરૂર છે.
જંતર મંતર પર કોંગ્રેસનું પ્રદર્શન
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું કે દેશભરમાં કોંગ્રેસના લાખો કાર્યકરો યુવા વિરોધી અગ્નિપથ યોજના વિરુદ્ધ અને પોતાના નેતા તથા સાંસદ રાહુલ ગાંધીને નિશાન બનાવનારી મોદી સરકારની બદલાની રાજનીતિ સામે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ સાંજે માનનીય રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પણ કરશે. કોંગ્રેસે જણાવ્યું છે કે કોંગ્રેસ નેતાઓ આજે સત્યાગ્રહ કરશે. આ પ્રદર્શન અગ્નિપથયોજના વિરુદ્ધ અને રાહુલ ગાંધીની થઈ રહેલી પૂછપરછના વિરોધમાં કરવામાં આવશે. તેઓ જંતર મંતર પર ભેગા થશે.
બિહારમાં ઈન્ટરનેટ બંધ
ભારત બંધ દરમિયાન બિહારના 20 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ રહેશે. અગ્નિપથ યોજનાના વિરોધમાં આ જિલ્લાઓમાં હિંસા થઈ હતી. સીએમ નીતિશકુમારે આજનો જનતા દરબાર કાર્યક્રમ પણ રદ કર્યો છે.
દિલ્હી પોલીસ અલર્ટ
દિલ્હી તરફ મોટી સંખ્યામાં ટ્રેક્ટર કૂચ કરવાને લઈને દિલ્હીની તમામ બોર્ડર સીલ કરી શકવામાં આવે છે. ટિકરી બોર્ડર, સિંઘુ બોર્ડર, અપ્સરા બોર્ડર, ગાઝીપુર બોર્ડર, બદરપુર બોર્ડર પર સુરક્ષાને લઈને દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ હાઈ લેવલની બેઠક કરી છે. દિલ્હી પોલીસને એવા ઈનપુટ મળી રહ્યા છે કે મોટી સંખ્યામાં અગ્નિપથ યોજનાના વિરોધની આડમાં ટ્રેક્ટર દિલ્હી તરફ કૂચ કરી શકે છે.
ફરીદાબાદમાં પોલીસે ભારત બંધનું આહ્વાન જોતા સુરક્ષા કડક કરી છે. ભારત બંધના આહ્વાન પર ફરીદાબાદ પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ સુરક્ષા વ્યવસ્થા સંબંધિત તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. પોલીસે કહ્યું છે કે ફરીદાબાદમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણ રીતે કડક કરાઈ છે.
કોણે બોલાવ્યું છે બંધનું એલાન
અગ્નિપથ યોજના વિરુદ્ધ આ બંધનું એલાન સેનામાં નોકરીની કોશિશ કરી રહેલા અભ્યર્થીઓએ બોલાવ્યું છે. વિપક્ષે પણ ભારત બંધનું મૂક સમર્થન કર્યું છે. આજે ભારત બંધને પહોંચી વળવા માટે રેલવેએ પણ કમર કસી છે. RPF અને GRP ને ઉપદ્રવીઓને કડકાઈથી પહોંચી વળવાના નિર્દેશ અપાયા છે. એમ પણ કહેવાયું છે કે હિંસા કરનારાઓ પર આકરી કલમો હેઠળ કેસ દાખલ થશે.
કોચિંગ સેન્ટરનું નામ સામે આવ્યું
અત્રે જણાવવાનું કે 14 જૂનના રોજ અગ્નિપથ યોજનાની જાહેરાત થઈ. ત્યારથી લઈને હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. શરૂઆતમાં એવું લાગતું હતું કે યુવાઓનો ગુસ્સો ફૂટ્યો છે. પરંતુ હવે તપાસ એજન્સીઓને મોટા ષડયંત્રની ગંધ આવી રહી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે યુવાઓના ગુસ્સાને હિંસક પ્રદર્શનમાં બદલવા પાછળ કેટલાક કોચિંગ સેન્ટર્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો હાથ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે