રોહિત શેખર હત્યાઃ માત્ર 90 મિનિટમાં પત્ની અપૂર્વાએ કર્યો હતો પૂરાવાનો નાશ
તપાસ અધિકારીએ જણાવ્યું કે, પ્રારંભમાં અપૂર્વાએ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ગેરમાર્ગે દોરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. જાણો શું હતું રોહિતનું હત્યાનું કારણ?
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હીની એક અદાલતે રોહિત શેખર તિવારીની હત્યાના કેસમાં તેની પત્ની અને વકીલ અપૂર્વા શુક્લાને બુધવારે બે દિવસની પોલિસ કસ્ટડીમાં મોકલી આપી છે. મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દીપક શેરાવતે અપૂર્વાની પોલીસ કસ્ટડીમાં પુછપરછ કરવાની મંજૂરી આપી છે. આ અગાઉ પોલીસે 3 દિવસની કસ્ટડી માગી હતી.
અધિક પોલીસ કમિશનર રાજીવ રંજને જણાવ્યું કે, "વૈજ્ઞાનિક પૂરાવા અને એફએસએલ રિપોર્ટની મદદથી અપૂર્વાની ધરપકડ કરવામાં આવી છે. તેણે પોતે પતિની હત્યા કરવાની વાત સ્વીકારી છે. દાંપત્ય જીવનમાં રોહિત સાથે ખુશ ન હોવાથી હત્યા કરી હોવાનું અપૂર્વાએ કારણ જણાવ્યું છે."
અધિકારીએ જણાવ્યું કે, અપૂર્વાએ તપાસની શરૂઆતમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને ગેરમાર્ગે દોરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, "16 એપ્રિલના રોજ રોહિતના રૂમમાં ઘુસીને તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યાર બાદ માત્ર 90 મિનિટની અંદર અપૂર્વાએ તમામ પૂરાવાનો નાશ કરી દીધો હતો."
લગ્નજીવનમાં દરરોજ થતા હતા ઝઘડા
રોહિત શેખરની 16 એપ્રિલના રોજ કથિત રીતે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની પુછપરછમાં તેની પત્ની અપૂર્વા શુક્લાએ જણાવ્યું કે, લગ્નના પ્રથમ દિવસથી જ બંને વચ્ચે ઝઘડા થતા હતા અને તેમનું દાંપત્યજીવન સુખી ન હતું. રોજ-રોજના ઝઘડાથી કંટાળીને તેણે રોહિતની હત્યા કરી નાખી હતી. જોકે, અપૂર્વા પોલીસ સમક્ષ વારંવાર નિવેદનો બદલી રહી છે.
15 કલાક સુધી રોહિત મૃત હાલતમાં ઘરે પડ્યો રહ્યો
રોહિતના મૃત્યુનો સમય 15-16 એપ્રિલના સવારે 1.30 કલાકનો છે, જ્યારે રોહિતને 16 એપ્રિલના રોજ સાંજે લગભગ 5 કલાકે હોસ્પિટલ લઈ જવાયો હતો. એટલે કે, આ દરમિયાન રોહિત મૃત હાલતમાં 15 કલાક સુધી ઘરમાં પડ્યો રહ્યો હતો. 16 એપ્રિલના રોજ રોહિતના માતા ઉજ્જવલા બપોરે સાકેત વિસ્તારમાં મેક્સ હોસ્પિટલમાં તપાસ માટે ગયા હતા. એ સમયે તેમના ઘરના નોકરો અને બીજા પુત્ર સિદ્ધાર્થે ફોન કરીને તેમને જાણ કરી કે રોહિતની નાકમાંથી લોહી વહી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે