બુરાડી કેસ: 11 લોકોના મોત મામલે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, લલિતનો છેલ્લી ક્ષણોનો VIDEO

: બુરાડીના સંત નગરમાં સામૂહિક આત્મહત્યા મામલે ઘરમાંથી મળેલા બે રજિસ્ટરની તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને અનેક ચોંકાવનારી જાણકારીઓ હાંસલ થઈ છે.

બુરાડી કેસ: 11 લોકોના મોત મામલે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, લલિતનો છેલ્લી ક્ષણોનો VIDEO

નવી દિલ્હી: બુરાડીના સંત નગરમાં સામૂહિક આત્મહત્યા મામલે ઘરમાંથી મળેલા બે રજિસ્ટરની તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને અનેક ચોંકાવનારી જાણકારીઓ હાંસલ થઈ છે. રજિસ્ટરમાં લખાણ નાના પુત્ર લલિત ભાટિયાનું છે. આ રજિસ્ટરમાં તે 2015થી લખતો આવ્યો છે. પોલીસે જણાવ્યું કે રજિસ્ટરમાં લલિત એ તમામ વાતો લખતો હતો જે તે સપનામાં સ્વર્ગસ્થ પિતા ભોપાલ સિંહ સાથે કરતો હતો. ભોપાલ સિંહનું મોત 10 વર્ષ પહેલા થયું હતું. આ વાતો ઉપરાંત તે અનેક સાધનાઓ વિશે પણ લખતો હતો. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચને પહેલા તો લાગતુ હતું કે સમગ્ર પરિવારે તંત્ર મંત્ર અને અંધવિશ્વાસના ચક્કરમાં ફસાઈને મોક્ષ મેળવવા માટે સામૂહિક આત્મહત્યા કરી નાખી. પરંતુ હવે એવી વાતો સામે આવી રહી છે કે આ પરિવારનો કોઈ પણ સભ્ય મરવા માંગતો નહતો. પરંતુ માત્ર મોક્ષ પ્રાપ્તિ ઈચ્છતો હતો. આ બધા વચ્ચે લલિતનો એક છેલ્લો વીડિયો પણ સામે આવ્યો છે. જેમા તે એક મોબાઈલની દુકાનમાં જોવા મળ્યો છે.

કોઈને મરવું ન હતું

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રજિસ્ટરમાં લખેલી વાતો અને ઘટના સ્થળેથી માલુમ પડે છે કે હકીકતમાં આખો પરિવાર એક અનુસ્ઠાન કરી રહ્યો હતો. હાથ અને મોઢા પર પટ્ટી બાંધીને લટકી જવું એ આ જ અનુસ્ઠાનનું અંતિમ ચરણ હતું અને પરિવારને વિશ્વાસ હતો કે તેઓ કદાચ બચી જશે. બધાને કહેવાયું હતું કે વટ પૂજાથી ભગવાનના દર્શન થાય છે. વટની જેમ લટકીને પૂજા કરવાથી કોઈનો પણ જીવ જશે નહીં. ભગવાન કોઈને મરવા દેશે નહીં. લલિતનું કહેવું હતું કે તેને પિતા સપનામાં આવીને બતાવતા હતાં કે ઘર અને કારોબાર સંબંધે શું કરવાનું છે અને ક્યાં રૂપિયા લગાવવાના છે.

પોલીસે જણાવ્યું કે રજિસ્ટરમાં લખ્યું હતું કે પિતાજીએ કહ્યું છે કે છેલ્લા સમયે ઝટકો લાગશે. આસમાન હલશે. ધરતી હલશે. પરંતુ તમે ગભરાશો નહીં, મંત્ર જાપ વધુ કરજો. હું તમને બચાવી લઈશ. જ્યારે પાણીનો રંગ બદલાય ત્યારે નીચે ઉતરી જજો. એક બીજાને નીચે ઉતરવામાં મદદ કરજો. તમે મરશો નહીં. પરંતુ કઈંક મોટું હાંસલ કરશો.

વટપૂજા કરીને બચી જવાનો વિશ્વાસ હતો

વાત જાણે એમ છે કે પોલીસે રજિસ્ટરની તપાસ કરી અને પરિવારજનો સાથે વાત કરી તો માલૂમ પડ્યું કે લલિત પર પોતાના સ્વર્ગવાસી પિતા ભોપાલ સિંહનો ખુબ પ્રભાવ હતો. તે બધાને ઘરમાં પિતાના આદેશનું પાલન કરવાનું કહેતો હતો. પોલીસના જણાવ્યાં મુજબ 37 પાનામાં ફક્ત વટ પૂજાનો જ ઉલ્લેખ કરાયો છે. જેનો દિવસ 30 જૂન પહેલેથી નક્કી હતો. આ પૂજા રાતે 12 થી 1ની વચ્ચે કરવાની હતી. કોણે શું કરવું અને ક્યાં લટકવું, કોની મદદથી પટ્ટી બાંધવી અને હાથ બાંધવામાં મદદ ન કરવી વગેરે બધુ જ લલિતે રજિસ્ટરમાં લખ્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચે પોતાની તપાસમાં જાણ્યું કે ઘરના તમામ 11 સભ્યોએ આત્મહત્યા કરી છે. આ પગલું તેમણે લલિતના કહેવા ઉપર જ ઉઠાવ્યું છે. લલિતે આખા પરિવારને ભરોસો અપાવ્યો હતો કે પૂજા એટલે કે વટપૂજા કરીને તેઓ બધા પરમાત્માને મળીને પાછા ફરશે અને સામાન્ય જીવન જીવી શકશે. આખો આધ્યાત્મિક પરિવાર લલિતના આ અંધવિશ્વાસની વાતોમાં આવી ગયો અને ખુશી ખુશી બાળકો સહિત વટપૂજા માટે તૈયાર થઈ ગયો.

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ કમિશ્નરે ઝી ન્યૂઝને જણાવ્યું કે મર્ડરના કોઈ પુરાવા મળ્યા નથી. તપાસમાં એવું લાગે છે કે લલિતને શેયર્ડ સાયકોટિક ડિસઓર્ડરની બીમારી હતી. પોલીસને લાગે છે કે આખા પરિવારે લલિતના કહેવા ઉપર જ વડના ઝાડની શાખાઓની જેમ લટકીને અભિનય કરીને વિચાર્યું કે તેમના મોત થશે નહીં.

જે રીતે રજિસ્ટરની નોટમાં લખ્યું છે કે બધા લોકો પોત પોતાના હાથ પોતે બાંધશે અને જ્યારે ક્રિયા થઈ જાય પછી બધા એકબીજાને હાથ ખોલવામાં મદદ કરશે. જેના ઉપરથી એમ લાગે છે કે પરિવારના લોકોને મોતનો કોઈ અંદાજો હતો જ નહીં. તેઓ એક પળનો ખેલ કે અંધવિશ્વાસના ડેમોની જેમ કરી રહ્યાં હતાં તેમને લાગતું હતું કે આ ક્રિયા કરીને તેઓ બચી જશે. વૃદ્ધ મહિલાએ પણ બેડ જોડેની તિજોરીમાં બેલ્ટ અને ચુન્નીના સહારે ફાંસી લગાવી પરંતુ મોત બાદ તેઓ ત્યાં ઉલ્ટા થઈને પડ્યાં.

હાલની તપાસમાં તો લલિત જ આ મામલાનો માસ્ટરમાઈન્ડ લાગે છે. લલિત અંગે જ્યારે જાણકારી મળી તો માલુમ પડ્યું કે તે ધાર્મિક ક્રિયાઓમાં લાગ્યો રહેતો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news