આલોક વર્માએ કાઢ્યો બળાપો- કહ્યું- 'ખોટા આરોપોના આધારે મને CBI ડિરેક્ટરના પદેથી હટાવ્યો'
સીબીઆઈના ડિરેક્ટર પદેથી હટાવાયા બાદ પહેલીવાર આલોક વર્માએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મેં સીબીઆઈની શાખ જાળવી રાખવાની કોશિશ કરી. મને ખોટા આરોપોના આધારે હટાવાયો છે. તેમણે એમ પણ કહ્યું કે સીબીઆઈએ બહારના હસ્તક્ષેપ વગર કામ કરવું જોઈએ. સીબીઆઈની શાખ બરબાદ કરવાની કોશિશ કરવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હી: સીબીઆઈના ડિરેક્ટર પદેથી હટાવાયા બાદ પહેલીવાર આલોક વર્માએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મેં સીબીઆઈની શાખ જાળવી રાખવાની કોશિશ કરી. મને ખોટા આરોપોના આધારે હટાવાયો છે. તેમણે એમ પણ કહ્યું કે સીબીઆઈએ બહારના હસ્તક્ષેપ વગર કામ કરવું જોઈએ. સીબીઆઈની શાખ બરબાદ કરવાની કોશિશ કરવામાં આવી છે.
અત્રે જણાવવાનું કે સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્માને તેમના પદેથી હટાવી દેવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીના ઘરે થયેલી પસંદગી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગે અને જસ્ટિસ એ કે સીકરી પણ હતાં. જસ્ટિસ સીકરે દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ તરફથી હાજર રહ્યાં હતાં. આ અગાઉ પેનલની બુધવારે પણ બેઠક થઈ હતી જેનું કોઈ પરિણામ આવ્યું નહતું.
અધિકારીઓએ જણાવ્યું કે 1979ની બેન્ચના એજીએમયુટી કેડરના આઈપીએસ અધિકારી વર્માને ભ્રષ્ટાચાર અને કર્તવ્ય નિર્વહનમાં બેદરકારીના આરોપમાં પદ પરથી હટાવાયા છે. આ સાથે જ એજન્સીના ઈતિહાસમાં આ પ્રકારની કાર્યવાહીનો સામનો કરાનારા સીબીઆઈના તેઓ પહેલા ડિરેક્ટર બન્યાં છે.
રિપોર્ટમાં વર્મા વિરુદ્ધ 8 આરોપ
સીવીસીના રિપોર્ટમાં વર્મા વિરુદ્ધ 8 આરોપ લગાવવામાં આવ્યાં હતાં. આ રિપોર્ટ ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતિ સમક્ષ રજુ કરાયો હતો. સમિતિમાં લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગે અને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના પ્રતિનિધિ તરીકે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ જજ એ કે સિકરી પણ સામેલ હતાં. તેમણે જણાવ્યું કે વર્માને પદ પરથી હટાવવાનો નિર્ણય બહુમતથી લેવાયો. ખડગેએ આ પગલાનો વિરોધ કર્યો.
સુપ્રીમ કોર્ટે વર્માને બહાલ કર્યા હતાં
અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ આલોક વર્માને તેમના પદ પર બહાલ કર્યા હતાં. આલોક વર્માને સરકારે બે મહિના પહેલા જબરદસ્તીથી રજા પર મોકલી દીધા હતાં. આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ એક બીજા પર ભ્રષ્ટાચારના આરોપ લાગવ્યાં હતાં. ત્યારબાદ તેમને રજા પર ઉતારી દેવાયા હતાં. વર્માએ સીબીઆઈમાંથી હટાવવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટે વર્માને જબરદસ્તીથી રજા પર મોકલવાના કેન્દ્રના નિર્ણયને રદ કર્યો હતો. જો કે વર્મા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો પર સીવીસીની તપાસ પૂરી થાય ત્યાં સુધી વર્માને કોઈ પણ મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય લેતા રોક્યા હતાં. આલોક વર્માએ બુધવારે પદભાર ફરીથી સંભાળતા એમ નાગેશ્વર રાવે કરેલી મોટાભાગની બદલીઓ રદ કરી હતી. રાવ વર્માને ગેરહાજરીમાં વચગાળાના સીબીઆઈ પ્રમુખ તરીકે નિમાયા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે