Valentine's Day: જ્યારે પ્રેમમાં આડે ન આવ્યું હિંદુ-મુસ્લિમ, જાણો સેલિબ્રિટી વેલેન્ટાઈનને
આ આર્ટીકલમાં વાત કરવામાં આવી છે એવા નેતાઓની જેમણે પોતાના પ્રેમને પામવા માટે ધર્મ-જાતિને કોરાણે મૂકી દીધા. બીજા શબ્દોમાં કહીએ તો તેમના પ્રેમમાં એવી તાકાત હતી, જેણે દરેક ધર્મની દિવાલને તોડી નાંખી.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ આખરે તે દિવસ નજીક આવી ગયો છે. જેનો ઈંતઝાર દરેક પ્રેમ કરનારા લોકો કરે છે. જી, હા અમે વાત કરી રહ્યા છીએ વેલેન્ટાઈન ડેની. આ દિવસે બધા પ્રેમ કરનારા એકબીજાના પ્રેમમાં રંગાઈ જાય છે. પ્રેમ દિવસ તરીકે ઉજવાતા આ તહેવારની ઉજવણી તો વિવિધ દિવસથી શરૂ થઈ ગઈ છે. ત્યારે વાત કરીશું તે દેશના નેતાઓની, જેમણે પોતાના પ્રેમને પામવા માટે ધર્મ-જાતિને કોરાણે મૂકી દીધા. બીજા શબ્દોમાં કહીએ તો તેમના પ્રેમમાં એવી તાકાત હતી, જેણે દરેક ધર્મની દિવાલને તોડી નાંખી.
1) શાહનવાઝ હુસૈન અને રેણુ હુસૈન:
ભાજપના દિગ્ગજ નેતાઓમાં સામેલ અને હાલમાં બિહારમાં ઉદ્યોગ મંત્રી શાહનવાઝ હુસૈનના લગ્ન રેણુ સાથે થયા છે. રેણુ ધર્મે હિંદુ છે. બંનેની પ્રેમ કહાની 1986માં શરૂ થઈ હતી. જ્યારે શાહનવાઝ ગ્રેજ્યુએશનના થર્ડ યરમાં હતા. અને રેણુ તેમની કોલેજમાં હાયર સેકંડરીમાં અભ્યાસ કરતી હતી. બસમાં સાથે આવતા-જતા તે બંને ક્યારે એકબીજાની નજીક આવી ગયા તેની ખબર જ ન રહી. જોકે પ્રેમનો અહેસાસ શાહનવાઝને પહેલા થયો અને તે રેણુ સાથે પોતાના દિલની વાત જણાવવા માટે તકની રાહ જોવા લાગ્યા. આખરે રેણુના જન્મદિવસે શાહનવાઝ હુસૈને પોતાના દિલની વાત કરી. પરંતુ રેણુએ હા પાડી નહીં. જોકે શાહનવાઝ હુસૈને હાર માની નહીં.
9 વર્ષ પછી મળ્યો પ્રેમનો રસ્તો:
બસમાં સાથે બેસીને અવર-જવર કરવાનો સિલસિલો હવે રેણુના ઘરે ખતમ થવા લાગ્યો. રેણુના ઘરમાં શાહનવાઝ હુસૈન આવવા-જવા લાગ્યા અને ધીમે-ધીમે રેણુને ખબર પડી ગઈ કે તે પણ શાહનવાઝ હુસૈનને પસંદ કરવા લાગી છે. આખરે બંનેએ એકબીજાને આઈ લવ યુ કહી જ દીધું. પરંતુ આ સફર એટલી સરળ ન હતી. કેમ કે બંને વચ્ચે ધર્મની દિવાલ હતી. જોકે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને નક્કી કર્યું કે પરિવારની મંજૂરી પછી જ લગ્ન કરશે. બંનેએ પોતાના પરિવારને મનાવવામાં 9 વર્ષ લગાડી દીધા. આખરે બંનેના પ્રેમ સામે પરિવારે નમતું ઝોખ્યું અને વર્ષ 1994માં શાહનવાઝ-રેણુ એક થઈ ગયા. આજે બંનેના અરબાઝ અને આદિલ નામના બે બાળકો છે.
2) મુખ્તાર અબ્બાસ નકવી અને સીમા નકવી:
બીજેપી લીડર અને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને તેમની પત્ની સીમાની લવ સ્ટોરી કોલેજના દિવસોમાં શરુ થઈ હતી. બંનેની રિયલ લવ સ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નથી. મુખ્તાર અબ્બાસ નકવી મુસ્લિમ પરિવારમાંથી આવે છે. તો સીમા હિંદુ. જેના કારણે બંનેનું મિલન સરળ ન હતું. પરંતુ પ્રેમ તો દરેક રિવાજ અને ધર્મથી મોટો હોય છે. અને બંનેના પ્રેમની સામે ધર્મની દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ. નકવી અને સીમાની પહેલી મુલાકાત અલાહાબાદ યુનિવર્સિટીમાં વર્ષ 1982માં થઈ હતી.
3 પ્રકારના છે નકવી અને સીમાના લગ્ન:
નકવીની સ્પષ્ટતા અને તેમની બોલવાની સ્ટાઈલ જોઈને સીમા પ્રભાવિત થઈ ગયા હતા. તો નકવીને સીમાની ખૂબસૂરતી અને સાદગીએ ઘાયલ કરી નાંખ્યા. બંને એકસ્ટ્રા ક્લાસના બહાને રોજ વિવિમાં મળવા લાગ્યા. જોત જોતામાં બંનેએ એકબીજાને પોતાના દિલની વાત કહી દીધી. પરંતુ બંનેના લગ્ન એટલા સરળ ન હતા. પહેલાં તો ઘરના લોકો માનતા જ ન હતા. પરંતુ નકવી અને સીમાએ નકકી કર્યુ હતું કે લગ્ન કરશે તો પરિવારની મરજીથી. લાંબા સમય પછી આખરે બંનેના પરિવારે મંજૂરી આપી અને 3 જૂન 1983માં નકવી-સીમા એક થઈ ગયા. આ કપલે ત્રણ પ્રકારના લગ્ન કર્યા છે. સૌથી પહેલાં કોર્ટમાં લગ્ન રજિસ્ટર કરાવ્યા. પછી નિકાહ પઢ્યા અને તેના પછી હિંદુ રિવાજ પ્રમાણે સાત ફેરા લીધા. આ લવ કપલનો અરશદ નામનો પુત્ર છે.
3) મનીષ તિવારી અને નાઝનીન સફા:
કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીએ પણ ધર્મની સરહદો તોડીને લગ્ન કર્યા છે. મનીષ તિવારીએ નાઝનીન સફા સાથે વર્ષ 1996માં લગ્ન કર્યા. નાઝનીન સફા પારસી ધર્મમાંથી આવે છે. વર્ષ 1989માં જ્યારે મનીષ NSUIના પ્રેસિડેન્ટ હતા. ત્યારે નાઝનીન મુંબઈમાં વિમેન વિંગના પ્રેસિડેન્ટ હતા. તેના પછી નાઝનીને મુંબઈ યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં માસ્ટર કર્યુ અને પછીથી એર ઈન્ડિયાની સાથે કામ કરવા લાગ્યા. આ દિવસોમાં મનીષ લોનો અભ્યાસ કરી રહ્યા હતા. આ દરમિયાન બંનેની મુલાકાત મુંબઈ અને દિલ્લીમાં થઈ. મનીષને પહેલી નજરમાં નાઝનીન પસંદ આવી ગઈ હતી. ધીમે-ધીમે તેમની મુલાકાત દોસ્તીમાં પરિણમી. પછી પ્રેમમાં અને પછી લગ્નમાં બદલાઈ ગઈ. આ લવ કપલને ઈનેકા તિવારી નામની એક પુત્રી છે.
4) નુસરત જહાં અને નિખિલ જૈન:
અભિનેત્રીમાંથી સાંસદ બનેલી નુસરત જહાંએ કોલકાતાના બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા છે. બંને અલગ-અલગ ધર્મમાંથી આવે છે. નુસરત એક મુસ્લિમ પરિવારમાંથી આવે છે. જ્યારે નિખિલ જૈન પરિવારમાંથી આવે છે. બંને કામની બાબતે પહેલીવાર મળ્યા હતા. તેના પછી બંને મિત્ર બન્યા અને બંને પ્રેમ સંબંધમાં બંધાઈ ગયા. આજે બંને પતિ-પત્ની છે. અવારનવાર ટીએમસી સાંસદને ધર્મના નામે ટ્રોલ કરવામાં આવે છે. પરંતુ નુસરતને આ વાતથી કોઈ ફરક પડતો નથી. બંને આજે પોતાની દુનિયામાં પ્રેમની સાથે જીવન પસાર કરી રહ્યા છે.
5) સુશીલ મોદી- જેસિસ જોર્જ:
બિહારના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ સુશીલ મોદી વિશે તો બધા જાણે છે. તે બિહાર બીજેપીનો એક જાણીતો ચહેરો છે. તેમણે ઈસાઈ ધર્મના જેસિસ જોર્જ સાથે લગ્ન કર્યા છે. બંનેની મુલાકાત ટ્રેનમાં થઈ હતી. આ દરમિયાન મોદી પટના યુનિવર્સિટીમાં એબીવીપીના મહાસચિવ હતા. તે કોઈ કામથી ટ્રેનની યાત્રા કરી રહ્યા હતા. અહીંથી બંને વચ્ચે વાત થઈ. બંનેના લગ્નને લઈને અનેક અડચણ હતા. પરંતુ પછી ઘરના બધા માની ગયા. સુશીલ મોદીના પત્ની જેસિસ એક કોલેજમાં પ્રોફેસર છે. બંનેના બે પુત્ર ઉત્કર્ષ અને અક્ષય છે. જે મીડિયાથી દૂર રહે છે. ઉત્કર્ષ એન્જિનિયરીંગ અને અક્ષય લોનો કોર્સ કરી રહ્યો છે.
6) ઉમર અબ્દુલ્લા-પાયલ:
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની લવ સ્ટોરી પણ ઘણી ચર્ચામાં રહી. તેમની લવ સ્ટોરી દિલ્લીની ઓબરોય હોટલથી શરૂ થઈ હતી. કેમ કે જે સમયે તે પાયલને મળ્યા હતા. ત્યારે પાયલ કામ કરતી હતી. તેની વચ્ચે બંને એકબીજાની નજીક આવ્યા. 1994માં બંનેએ ધાર્મિક બંધનને તોડીને લગ્ન કરી લીધા. આ કપલના બે પુત્ર ઝાહિર અને ઝમીર છે. જે દિલ્લીમાં રહે છે. પાયલ દિલ્લીમાં પોતાનો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ ચલાવે છે. જોકે 17 વર્ષ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. કહેવામાં આવે છે કે બંનેના લગ્નથી કાશ્મીરી પંડિત નારાજ હતા. જેના કારણે પાયલ ત્યાં બહુ ઓછી રહેતી હતી. શીખ પરિવાર સાથે સંબંધ રાખનારી પાયલના પિતા મેજર જનરલ રામનાથ સેનામાંથી રિટાયર્ડ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે