Weather Forecast: 4 દિવસ સુધી વરસાદની આગાહી, જાણો કયા વિસ્તારો માટે અપાયું છે આંધી તોફાનનું એલર્ટ

Gujarat Weather Forecast: ભીષણ ગરમી વચ્ચે પણ દેશના કેટલાક ભાગોમાં વરસાદ, આંધી તોફાનની શક્યતા છે. ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી વરસાદ પડવાની વકી છે. ગુજરાત માટે શું કહ્યું તે પણ ખાસ જાણો. 

Weather Forecast: 4 દિવસ સુધી વરસાદની આગાહી, જાણો કયા વિસ્તારો માટે અપાયું છે આંધી તોફાનનું એલર્ટ

IMD Rainfall Aert: ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગરમીનો કહેર ચાલુ છે. પૂર્વ ઉત્તર પ્રદેશ સહિત અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ પાર પહોંચી ગયું છે. દિવસમાં બહાર નીકળવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. આવામાં લોકો તાપમાન ઓછું થવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ જલદી રાહત મળતી જોવા મળતી નથી. જો કે ભીષણ ગરમી વચ્ચે પણ દેશના કેટલાક ભાગોમાં વરસાદ, આંધી તોફાનની શક્યતા છે. ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી વરસાદ પડવાની વકી છે. ગુજરાત માટે શું કહ્યું તે પણ ખાસ જાણો. 

પાંચ દિવસ સુધી હિટવેવ
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ પૂર્વ અને દક્ષિણ ભારતમાં આગામી પાંચ દિવસ સુધી હિટવેવ ચાલશે. પશ્ચિમી હિમાલયી વિસ્તાર અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં 26-29 એપ્રિલ વચ્ચે વરસાદ પડશે. જ્યારે પૂર્વોત્તર ભારતના કેટલાક રાજ્યોમાં 26-28 એપ્રિલ અને મધ્ય ભારતમાં 26 અને 27 એપ્રિલ વચ્ચે વરસાદ, આંધી તોફાનનું એલર્ટ અપાયેલું છે. 

ગુજરાત સહિત આ વિસ્તારોમાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગંગીય પશ્ચિમ બંગાળ, સબ હિમાલયી પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, ઈન્ટિરિયર કર્ણાટક, તટીય આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં હિટવેવનો કહેર જોવા મળ્યો છે. જ્યારે અરુણાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, ગુજરાત, સબ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ, કેરળ, અસમ, ત્રિપુરામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે. જ્યારે પૂર્વ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોમાં કરા પડ્યા છે. 

વરસાદની આગાહી
ઉત્તર ભારત માટે હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે કે જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખડમાં 26-29 એપ્રિલ સુધી એટલે કે ચાર દિવસ સુધી વરસાદ, હિમવર્ષા, આંધી તોફાન જોવા મળશે. જ્યારે વીજળીના કડાકા ભડાકા પણ થઈ શકે છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હીમાં 26-28 એપ્રિલ વચ્ચે વરસાદની શક્યતા છે. રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં 26 એપ્રિલના રોજ વરસાદ, આંધી તોફાન તથા વીજળી ગરજવાનું એલર્ટ જાહેર કરાયું છે. પંજાબ, હરિયાણામાં 26 તથા 27 એપ્રિલના રોજ અને પૂર્વ રાજસ્થાનમાં 26 એપ્રિલના રોજ કરા પડશે. 

ગુજરાત માટે આગાહી
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાના કારણે ભેજનું પ્રમાણ વધ્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. જ્યારે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. 

અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 26 એપ્રિલથી થી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બંગાળના ઉપસાગરને ભેજ અને અરબ સાગરનો ભેજના કારણે પ્રિ-મો્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ છે. જોકે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, તારીખ 28-29 એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ ભાગોમાં મહત્તમ તાપમાન ૪૩ થી ૪૪ ડિગ્રી રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વધશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી ૪૧ ડિગ્રી કે તેથી વધુ ગરમી રહેશે. તો કચ્છમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી તાપમાન રહેશે. જૂનાગઢમાં ગરમી 41 ડિગ્રી, અમરેલી અને ભાવનગરમાં ૩૮ થી ૪૦ ડિગ્રીએ પહોંચી જશે. તેમણે વધુમાં કહ્યું કે, દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ગરમીનું પ્રમાણ વધશે. વિદર્ભના ભાગોમાં ગરમીના કારણે મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં ગરમી વધશે. આહવા, ડાંગ અને વલસાડમાં ગરમી રહેશે. મે માસની શરૂઆતમાં ફરી એકવાર કમોસમી વરસાદ દસ્તક આપશે. દેશના ઘણા ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી થશે. જેથી ગરમીનો પારો ફરી નીચે જશે. 

આંધી સાથે વરસાદ આવશે 
અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news