સીબીઆઈના એડિશનલ ડિરેક્ટર તરીકે ગુજરાત કેડરના પ્રવીણ સિન્હાની નિમણૂક
કેન્દ્ર સરકારની સમિતીએ આ નિર્ણય લીધો છે, પ્રવીણ સિન્હા વર્તમાનમાં સીબીઆઈમાં જોઈન્ટ ડિરેક્ટરના પદ પર હતા
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત કેડરના પ્રવીણ સિન્હાની સીબીઆઈના એડિશનલ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ સીબીઆઈમાં જોઈન્ટ ડિરેક્ટરના પદ પર હતા. આ ઉપરાંત સીબીઆઈમાં ડીઆઈજીના પદ પર કાર્યરત અમીત કુમારની સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
પ્રવીણ સિન્હા 1988 બેચના આઈપીએસ અધિકારી છે. 1962માં જન્મેલા પ્રવીણ સિન્હા B.A.(Hons), (P.G.D.B.M.), LLBની ડિગ્રી ધરાવે છે. વર્ષ 2015માં તેમને કેન્દ્રીય વિજિલન્સ કમિશનમાં ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા હતા. ત્યાર બાદ જાન્યુઆરી, 2018માં તેમની સીબીઆઈમાં જોઈન્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
અત્યારે કેન્દ્ર સરકારમાં રાકેશ અસ્થાના, એ.કે. શર્મા, ગગનદીપ ગંભીર અને રાઘવેન્દ્ર વત્સ ગુજરાત કેડરના આઈપીએસ અધિકારીઓ છે અને કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર કામ કરી રહ્યા છે.
આ ઉપરાંત, સીબીઆઈમાં ડીઆઈજી પદે રહેલા અનિશ પ્રસાદ (ત્રિપુરા-2003) અને અભય સિન્હા (મધ્યપ્રદેશ-2002)ની સત્તાઓમાં કાપ મુકવામાં આવ્યો છે અને તેમને તેમની જૂની કેડરમાં તેમના રાજ્યમાં પરત મોકલવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સીબીઆઈમાં ગુજરાત કેડરના રાકેશ અસ્થાનાની સ્પેશિયલ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સીબીઆઈના તત્કાલિન વડા આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે ભ્રષ્ટાચારના મુદ્દે સંઘર્ષ પેદા થતાં બંનેને રજા પર ઉતારી દેવાયા હતા અને ત્યાર બાદ બંનેની સીબીઆઈમાંથી બદલી કરી દેવાઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે