મધ્ય પ્રદેશમાં રસપ્રદ છે પેટાચૂંટણીનો જંગ, BJP ને સત્તા જાળવી રાખવા માટે જોઈએ આટલી બેઠકો
મધ્ય પ્રદેશની પેટાચૂંટણીનો મુકાબલો એકદમ રસપ્રદ છે. 28 બેઠકોની પેટાચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટ કહી શકાય. જે સાબિત કરશે કે પ્રદેશના નેતૃત્વની ડોર કોના હાથમાં છે.
Trending Photos
નવી દિલ્હી: આજે બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલુ છે. આ સાથે જ 10 રાજ્યોની 54 બેઠકો પર પેટાચૂંટણી અંતર્ગત આજે મતદાન ચાલુ છે. આ 54 બેઠકોમાં 28 બેઠકો મધ્ય પ્રદેશની, 8 ગુજરાતની, યુપીની 7, ઓડિશા, નાગાલેન્ડ, કર્ણાટક, ઝારખંડની 2-2, જ્યારે છત્તીસગઢ, તેલંગણા અને હરિયાણાની 1-1 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. મધ્ય પ્રદેશની પેટાચૂંટણીનો મુકાબલો એકદમ રસપ્રદ છે. 28 બેઠકોની પેટાચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટ કહી શકાય. જે સાબિત કરશે કે પ્રદેશના નેતૃત્વની ડોર કોના હાથમાં છે.
રસપ્રદ ચૂંટણી
મધ્ય પ્રદેશની પેટાચૂંટણી આંકડાની રીતે રસપ્રદ છે. હકીકતમાં ભાજપે તો આ 28 બેઠકમાંથી સત્તા હાંસલ કરવા માટે માત્ર 8 બેઠકો મેળવવી જ જરૂરી છે. પરંતુ કોંગ્રેસે તો તમામ 28 બેઠકો જીતવી જરૂરી છે. કારણ કે 115ના જાદુઈ આંકડા સુધી તેને આ 28 બેઠકો જ પહોંચાડી શકે છે. ત્યારબાદ એ પણ ફરીથી નક્કી થશે કે શિવરાજ સિંહ ચૌહાણ કમળ ખીલેલું બચાવી શકશે કે પછી કમલનાથ પંજાનો કમાલ બતાવશે. હાલની સ્થિતિની વાત કરીએ તો ભાજપ પાસે 107 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 87 બેઠકો છે. એટલે કે બહુમત કોઈની પાસે નથી. એટલે જ આ વાત પેટાચૂંટણીને રસપ્રદ બનાવે છે.
આ કારણે યોજવી પડી પેટાચૂંટણી
કોંગ્રેસ 2018માં વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી હતી. ત્યારે કોંગ્રેસે કમલનાથના નેતૃત્વમાં સરકાર પણ બનાવી પરંતુ માર્ચ મહિનામાં સરકાર પડી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના 22 સમર્થક વિધાયકો સાથે કોંગ્રેસમાં બળવો પોકાર્યો અને ત્યારબાદ ભાજપમાં સામેલ થઈ ગયા. ત્યારબાદથી રાજ્યમાં શિવરાજ સિંહ ચૌહાણની સરકાર છે. ડિસેમ્બર 2018માં 107 બેઠકો સાથે ભાજપ રાજ્યમાં બીજા નંબરે હતું. 230 સભ્યોની વિધાનસભામાં ચાર અપક્ષ, બહુજન સમાજ પાર્ટીના બે અને સમાજવાદી પાર્ટીના એક વિધાયક ચૂંટાયા હતા.
કોને મળશે જાદુઈ આંકડો?
સિંધિયા ભાજપમાં જતા રહેવાથી કોંગ્રેસને 22 ધારાસભ્યોનું નુકસાન થયું અને સાથે સાથે 22 સીટો પણ ઘટી ગઈ. ત્યારબાદ સદનના ત્રણ ધારાસભ્યોના મોત થયા. કોંગ્રેસમાંથી બીજા 3 રાજીનામા પડ્યા. આ કારણે 3 નવેમ્બરે પેટાચૂંટણી જાહેર કરવી પડી છે.
આ પેટાચૂંટણી શિવરાજ સિંહ ચૌહાણ અને કમલનાથની સાથે સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા, દિગ્વિજય સિંહ અને નરેન્દ્ર સિંહ તોમર સહિત રાજ્યના અનેક દિગ્ગજ નેતાઓ માટે મહત્વપૂર્ણ છે. જોવાનું એ રહેશે કે 115 સીટોના જાદુઈ આંકડાવાળી પોટલી કોને મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે