ખમ્મા પાટીદારોને! અમદાવાદમાં મા ઉમિયાની મૂર્તિ માટે 50 તોલા સોનાનું દાન, મહિલાઓએ કર્યું કરોડોનું દાન
વિશ્વ ઉમિયાધામ - જાસપુર અમદાવાદ ખાતે દિવાળી-નુતનવર્ષ નિમિત્તે સંસ્થાના હોદ્દેદારો, ગૌરવંતા દાતાઓ, તમામ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા તેમજ એકબીજાના અરસપરસના વિચોરોનું આદાન-પ્રદાન થાય તે હેતુસર સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 1500 થી વધુ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન છેવાડાના તેમજ જરૂરિયાતમંદ પરિવારો સુધી સરળતાથી પહોંચી શકે તેવા ઉદ્દેશ સાથે એક નવી જ Mobile એપ્લિકેશન રજૂ કરવામાં આવેલ જેનાથી સંસ્થાની અનેક યોજનાઓનો લાભ લઈ શકે. આ એપ્લિકેશનમાં વિશ્વ ઉમિયા ધામની વિવિધ પ્રવૃત્તિઓની સાથે અમેરિકા, કેનેડા અને આફ્રિકા જેવા દેશોમાં સ્થાપિત હેલ્પલાઇનની માહિતી અને ધામ દ્વારા શરૂ કરાયેલી તમામ યોજનાઓની વિગત સરળતાથી ઉપલબ્ધ છે.
આ ઉપરાતં સંસ્થાએ અંત્યોદયથી સર્વોદય સુધીની ભાવના ઉજાગર કરવા અને અંતિમ સ્તરના લોકો સુધી વિવિધ સેવાઓ અને માહિતી પહોંચાડવા માટે ડિજીટલ WhatsApp બોટ ચેટ (WATI) સેવા પણ શરૂ કરી છે, સાથે સાથે VUF બ્રાન્ડ મેન્યુઅલનું પણ લોન્ચિંગ કરવામાં આવી છે.
વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે મા ઉમિયાના મંદિર નિર્માણમાં મહિલા શક્તિનું આર્થિક યોગદાન સુનિશ્ચિત કરવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ અંતર્ગત શાંતાબેન પ્રહલાદભાઈ પટેલ (કામેશ્વર) દ્વારા માતાજીના મંદિર નિર્માણ માટે રૂ. 1.25 કરોડનું યોગદાન જાહેર કરાયું છે, તેમજ એક અન્ય મહિલા દાતાએ પાતાનું નામ ગુપ્ત રાખવાની શરતે રૂ. 1 કરોડનું દાન મા ઉમિયાના ચરણોમાં અર્પિત કરેલ છે.
આ ઉપરાંત અન્ય પાંચ મહિલા દાતાઓએ રૂ. 25 લાખ, 11 લાખ યોગદાન જાહેર કરેલ. આમ કુલ એક જ દિવસમાં મહિલા દાતાઓ તરફથી રુ. 5 કરોડ જેટલુ યોગદાન એકત્ર થયું છે. આ મહિલા શક્તિ દાતા અભિયાનમાં સર્વે સમાજની મહિલા વધુમાં વધુ મા ઉમિયાના ભગીરથ કાર્યમાં જોડાય તેવી નમ્ર અપીલ છે.
વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરમાં બિરાજમાન જગતજનની મા ઉમિયાની સુવર્ણ મૂર્તિ માટે 50 તોલાથી વધુ સોનું અને 40 કિલો જેટલી ચાંદીનું દાન દાતાઓએ જાહેર કરી મા ઉમિયાના કૃપા પાત્ર બન્યા હતા. આ સુવર્ણ યોજનામાં તમામ સનાતન ધર્મપ્રેમીનું પણ સુવર્ણ દાન આવકાર્ય છે.
Trending Photos