World Cup 2019: બેટ્સમેનો માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે આ 5 ફાસ્ટ બોલર
વનડે ક્રિકેટમાં બે નવા બોલ આવવાથી મુકાબલો વધુ બેટ્સમેનોના પક્ષમાં જતો રહ્યો છે. ફાસ્ટ બોલર હવે રિવર્સ સ્વિંગથી વધુ વિકેટ ઝડપી શકતા નથી, જેમ કે 90 અને 2000ની શરૂઆતમાં થતું હતું. આ કારણે છેલ્લા કેટલાક વર્ષોથી 300થી વધુનો સ્કોર બનવા લાગ્યો છે. ઈંગ્લેન્ડમાં યોજાનારો આગામી વિશ્વ કપ (ICC World Cup 2019)માં જ્યાં સુકી પિચો અને ગરમ હમાવાન ફાસ્ટ બોલરો માટે વધુ પડકારજનક સાબિત થવાનું છે. પરંતુ કેટલાક બોલર એવા છે, જે આગામી વિશ્વ કપમાં બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી શકે છે.
જસપ્રીત બુમરાહ (ભારત)
હાલના સમયમાં ઘણા લોકોની નજરમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર બુમરાહ ભારતને ત્રીજી વખત વિશ્વ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. વનડે રેન્કિંગમાં વિશ્વના નંબર એક બોલર બુમરાહને ડેથ ઓવરોનો નિષ્ણાંત માનવામાં આવે છે. તેની અનઓર્થોડોક્સ એક્શન અને ગતિ તથા ઉછાળ, બેટ્સમેનોને દબાવમાં લાવી શકે છે. બુમરાહ હાલમાં આઈપીએલમાં શાનદાર ફોર્મમાં હતો અને તેણે 16 મેચોમાં 19 વિકેટ પોતાના નામે કરી હતી.
કગિસો રબાડા (દક્ષિણ આફ્રિકા)
નવેમ્બર 2015માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યા બાદ રબાડાએ પોતાની ગતિ, ઉછાળ અને સ્વિંગથી ટીમને ઘણી તકે સફળતા અપાવી છે. તેણે આઈપીએલની આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા 12 મેચોમાં 25 વિકેટ ઝડપી હતી. રબાડા ઈજામાંથી વાપસી કરી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાએ પોતાના પર લાગેલા ચોકરના ડાઘને દૂર કરવો હોય તો રબાડાની સાથે-સાથે ડેલ સ્ટેન અને મોરિસની પણ ભૂમિકા મહત્વપૂર્ણ હશે.
મિશેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા)
ડાબા હાથનો ફાસ્ટ બોલર સ્ટાર્ક ઓસ્ટ્રેલિયાને ટાઇટલ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તે 2015માં રમાયેલા વિશ્વ કપમાં 22 વિકેટ ઝડપીને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો. પરંતુ વિશ્વ કપ બાદ તે પોતાનું પ્રદર્શન જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યો છે. છેલ્લા ચાર વર્ષ દરમિયાન તે ઘણી વખત ઈજાગ્રસ્ત થયો છે.
ટ્રેન્ટ બોલ્ટ (ન્યૂઝીલેન્ડ)
કીવી ટીમનો પ્રમુખ ફાસ્ટ બોલર બોલ્ટે ગત વિશ્વ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું અને તે સ્ટાર્કની સાથે સર્વાધિક વિકેટ ઝડપનાર બોલર હતો. બોલ્ટ વિશ્વની કોઈપણ પિચ પર પોતાના બોલને બંન્ને તરફ ઘુમાવવાની ક્ષમતા રાખે છે. પરંતુ હાલના સમયમાં તે પોતાના શ્રેષ્ઠ ફોર્મમાં નથી.
હસન અલી (પાકિસ્તાન)
2017ની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં 13 વિકેટ ઝડપીને પાકિસ્તાનને ચેમ્પિયન બનાવનાર અલી કોઈપણ સમયે કેપ્ટન સરફરાઝ અહમદને વિકેટ અપાવી શકે છે. તેણે 44 મેચોમાં અત્યાર સુધી 77 વિકેટ ઝડપી છે અને કોચ મિકી આર્થર તથા સરફરાઝને આશા છે કે અલી ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રદર્શનનું વિશ્વ કપમાં પુનરાવર્તન કરવામાં સફળ રહેશે.
Trending Photos