Photos : આને કહેવાય મહિલાઓનું યોગ્ય સન્માન, રસ્તાઓને આપ્યા ગામની દીકરીઓના નામ...
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છ જિલ્લાના ભૂજ તાલુકાની કુકમા ગ્રામ પંચાયતે 2018ની 25મી સપ્ટેમ્બરે સામાન્ય સભા બોલાવી હતી. જેમાં પ્રમુખ સ્થાનેથી ગામડાના માર્ગનું નામ સૌથી વધુ ભણેલી દીકરીઓના નામે રાખવાનો ઠરાવ પસાર થયો હતો. જેથી દોઢેક વર્ષમાં જ 16 જેટલા માર્ગો તેજસ્વીનીઓના નામે ઓળખાતા થઈ ગયા છે.
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે 2018ની 8મી ઓક્ટોબરે કેન્દ્ર સરકારની બેટી બચાવો, બેટી પઢાઓ યોજના હેઠળ શેરીઓના નામ તેજસ્વી દીકરીઓના નામે રાખવા ઠરાવ્યું હતું. જેથી કચ્છ જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ છેક 2020ની 19મી ફેબ્રુઆરીએ પરિપત્ર બહાર પાડીને શેરીઓના નામ તેજસ્વી દીકરીઓના નામે રાખવા સૂચવ્યું હતું. પરંતુ, કુકમા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કંકુબેન અમૃત વણકરે તો કેન્દ્ર અને રાજ્ય સરકારના નિર્ણય પહેલાં જ 2018ની 25મી સપ્ટેમ્બરે સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી ઠરાવ પસાર કરી દીધો હતો, જેથી અત્યારે 16 જેટલા માર્ગો એ વિસ્તારમાં સૌથી વધુ ભણેલી દીકરીના નામે ઓળખાતા થઈ ગયા છે. આ નવતર પહેલથી ગામની શિક્ષિત દીકરીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે.
મહિલા સરપંચ કંકુબેન જણાવ્યું હતું કે, ગામમાં એક વિશાળ જગ્યા હતી. જ્યાં ગામ લોકો કચરો ફેંકતા હતા, જેથી ઉકરડો થઈ ગયો હતો. જે સ્થળને સાફ કર્યા બાદ ચોતરફ દિવાલ ચણી દીધી અને એને દેશની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબા ફૂલે ચોક નામ આપી દીધું, જેથી ત્યાં હવે સત્સંગ, ગૌસેવા અને મહિલા ઉત્થાનની પ્રવૃતિઓ થાય છે.
ગામની તેજસ્વીની વિદ્યાર્થીઓ અને યુવતીઓએ ઝી મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અમને એ ગૌરવ છે કે અમે અમારા ગામમાં, અમારી શેરીઓમાં વધુમાં વધુ અભ્યાસ કરીને આગળ આવી રહ્યા છીએ. એટલું જ નહીં પરંતુ મોટા નેતાઓના કે દાતાઓના નામે શેરીનું નામકરણ કરાય છે. ત્યારે અહીં તો અમે ભણી-ગણીને આગળ વધીએ છીએ હોશિયાર છે, ત્યારે અમારા નામે જ્યારે શેરી અને મોહલ્લાને ઓળખવામાં આવે છે. અમે એક ગૌરવની લાગણી અનુભવીએ છીએ. હર્ષ અનુભવીએ છીએ. તેમજ બીજાને પ્રેરણા મળે એના માટે કરીને બેટી પઢાવો અભિયાન સાર્થક કરીને ધન્યતા પણ અનુભવી રહ્યાં છીએ.
આમ ગામની એક મહિલા સરપંચે મહિલા હોવાની પોતાની ફરજ નિષ્ઠા બજાવી અને પોતે ભણી ન શક્યા, પરંતુ ગામની દીકરીઓને ભણાવવા અને આગળ લાવવા માટે એક સ્તુત્ય પગલું લીધું છે. 16 તેજસ્વીનીઓના નામે રસ્તા અને ચોકનું નામકરણ કરવીને લોકોને પ્રેરિત કર્યા છે. જેની પ્રેરણા અન્ય લોકો પણ લઈ રહ્યા છે.
Trending Photos