ગુજરાતના 118 વર્ષના શતાયુ મતદાર! ચંપાબેને 1951 ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં પણ કર્યુ હતું મતદાન

Loksabha Election 2024 જયેશ દોશી/નર્મદા : ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યાં છે, ત્યારે નર્મદા જિલ્લાથી એક શતાયુ મતદાર સામે આવ્યા છે, જેમની ઉંમર 118 વર્ષ છે. નર્મદાના ચંપાબેન વસાવા આઝાદી બાદ ૧૯૫૧ માં યોજાયેલી લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં મતદાન કર્યું હોય અને હાલમાં હયાત હોય એવા તેઓ રાજ્યના ગણ્યાગાંઠ્યા મતદારો પૈકીના એક છે.

1/7
image

દેડિયાપાડાના જંગલો વચ્ચે આવેલા સોલિયા ગામના ચંપાબેન પારસિંગભાઇ વસાવાને જૂઓ તો તમને એવું લાગે જ નહીં કે આ મહિલા પોતાના જીવનના ૧૧૮ વર્ષના પડાવે પહોંચી ગયા છે ! સમગ્ર નર્મદા જિલ્લામાં સૌથી વધું ઉંમર ધરાવતા સિનિયર સિટીઝન છે, પણ તેમની તંદુરસ્તી તો યુવાનોને પણ શરમાવે એવી છે. ૫૦ થી વધુ પારિવારિક સભ્યોનો વસ્તાર ધરાવતા ચંપાબેન પોતાની ચોથી પેઢીની પ્રપૌત્રી સાથે લોકસભાની આ ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદાન મથકે જવાના છે. 

2/7
image

ચંપાબેન વસાવાએ જીવનના અનેક તડકા છાંયા જોયા છે. આઝાદી બાદની અનેક મહત્વપૂર્ણ ઘટનાઓના તેઓ સાક્ષી છે. એક જમાનો હતો કે જ્યારે તેઓ સોલિયાથી સાઇઠ કિલોમિટર દૂર આવેલા પોતાના પિયર ભરૂચ જિલ્લાના ઉમલ્લા ગામે ચાલીને જતા હતા. સવારે નીકળે એટલે સંધ્યા ટાણે પહોંચી જાય. ક્વચિત એટલે જ આજે પણ તેઓ સારી રીતે ચાલી શકે છે. તેમનો અભ્યાસ નહીં પણ, અક્ષરજ્ઞાન ખરું ! એટલે પુત્રપૌત્રાદિના અભ્યાસમાં ઘણી રુચિ દાખવી અને ભણાવ્યા છે.

3/7
image

તેમની દૈનિક પ્રવૃત્તિ અને આહારશૈલી પણ રસપ્રદ છે. તેઓ બપોરે મકાઇ, બાજરાના રોટલા અને શાક અને સાંજે ખીચડી, દૂધ જેવો હળવો ખોરાક જમે છે. તેમણે ખાંડેલું અને પથ્થરની ઘંટીમાં દળેલું અન્ન બહુ ખાધુ છે. ફાસ્ટફૂડથી તો તેઓ જોજનો દૂર રહે છે. સાંજે નવેક વાગ્યે તો તેઓ સૂઇ જાય છે અને વહેલી સવારે પાંચ વાગ્યે નિયમિત ઉઠી જાય છે.  

4/7
image

ઉઠીને ન્હાવા ધોવાની દૈનિક ક્રિયાઓ પણ કોઇની મદદ વિના પોતાની જાતે આટોપી લે છે. એટલું જ નહીં, સવારમાં હાથમાં સાવરણો પકડીને ફળિયાની સફાઇ પણ કરે છે. સાંભળવામાં થોડી તકલીફ છે બાકી હજુ સુધી તેમણે દવાખાનું પણ જોયું નથી. બોલો ! છે ને આશ્ચર્યની વાત ? સુદીર્ઘ આયુષ્ય પાછળ તેમની આહાર અને જીવનશૈલી જ મહત્વની છે.

5/7
image

અહીં સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે, દુર્ગમ વિસ્તારમાં રહેતા હોય તો પણ એમણે પ્રથમ લોકસભાની ચૂંટણીમાં કેવી જાગૃતિ સાથે મતદાન કર્યું હશે ? આ બાબતમાં તેમના પુત્ર ઠાકોરભાઇ વસાવાને પૂછતા કહ્યું કે, અમારા પિતા પારસિંગભાઇ વસાવા સોલિયા ગામના અગ્રણી અને સેવાભાવી વ્યક્તિ હતા. વિક્રમ સંવંત ૧૯૫૬ ના ભીષણ દુષ્કાળ દરમિયાન રાજપીપળાથી અનાજ લાવીને ગામમાં વિતરણ કર્યું હતું. પારસિંગભાઇએ અનેક ઉત્સવોની સામુહિક ઉજવણીની પરંપરા ગામમાં શરૂ કરી હતી. એટલે લોકશાહી પ્રત્યે નાગરિક તરીકેની જવાબદારી ગળથુંથીમાં મળી છે. અમે તમામ ચૂંટણીમાં મતદાન કરવા માટે જઇએ છીએ અને ચંપાબાને પણ લેતા જઇએ છીએ.

6/7
image

આ વખતની લોકસભાની ચૂંટણીમાં વિશેષ વાત એ છે કે, પરિવારજનોએ ચંપાબાને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવાને બદલે બૂથ ઉપર મતદાન કરાવવા માટે લઇ જવાના છે. બીજી વાત એ કે, આ પરિવારની પુત્રી અનિતા પ્રથમ વખત મતદાન કરવાની છે. એટલે ૧૧૮ વર્ષના ચંપાબા અને ૧૮ વર્ષની અનિતા એક સાથે મતદાન કરશે.  

7/7
image

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં દેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારના ૩૨ અને નાંદોદ વિધાનસભા મત વિસ્તારના ૪૦ મળી કુલ ૭૨ શતાયુ મતદારો છે. જો આટલા વયોવૃદ્ધ મતદાર મતદાન કરવા જવાના છે, તો બાકીના મતદારોએ પણ કોઇ બહાના કાઢ્યા સિવાય પોતાના બંધારણીય અધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઇએ.