ગુજરાતના આ શહેરને કોની નજર લાગી! એક જ મહિનામાં ત્રીજીવાર પૂર આવ્યું! શાળાઓમાં રજા જાહેર
Navsari Flood : ગઈકાલથી દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદ ખાબક્યો છે. નવસારી જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. વાંસદા તાલુકામાં 4 કલાકમાં પોણા 2 ઈંચ વરસાદ પડ્યો. નવસારીમાં ભારે વરસાદ પડતા કેટલાક સ્થળો પર ભરાયા પાણી. નવસારી જિલ્લામાં પૂરની પરિસ્થિતિને જોતા નવસારી અને ગણદેવી તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરાઈ. બંને તાલુકાના અનેક રસ્તાઓ હાલ બંધ હાલતમાં છે. આંગણવાડી, પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. નવસારીમાં ધીરે ધીરે પૂરના પાણી ઓસરી રહ્યા છે.
ફરી લોકોના સ્થળાંતર શરૂ કરાયા
નવસારીના ઉપરવાસના ડાંગ સુરત અને તાપી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીની નદીઓના જળસ્તર ઊંચા જતા પૂરની સ્થિતિ બની હતી. નવસારીની પૂર્ણ નદીમાં મોડી સાંજની સ્થિતિનું નિર્માણ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તેથી અનેક લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
પૂરના પાણી ઓસરવા માંડ્યા
ગત મોડી સાંજથી નવસારી સહિત ઉપરવાસના જિલ્લાઓમાં વરસાદ ધીમો પડતા રાહત મળી છે. સાથે જ પૂર્ણા નદીમાં પણ પૂરના પાણી ઉતરવાની શરૂઆત થઈ છે. જેથી શહેરના નીચાણ વાળા વિસ્તારોને રાહત મળી હતી. મોડી રાતે અમાસની ભરતીના કારણે નદીની સપાટી ઘણી ધીમી ગતિએ ઉતરી રહી છે, જેથી હજી પણ નવસારીના ભેંસત ખાડા, રામલા મોરા, કાશીવાડી રિંગ રોડ, કમેલા દરવાજા, નવીન નગર, શાંતાદેવી રોડ, મીઠીલા નગરી, રૂસ્તમ વાડી જેવા વિસ્તારોમાં પૂરના પાણી ઉતર્યા નથી. પરંતુ પૂરના પાણી ઓસરવાની શરૂઆત થતાં પાલિકા તંત્ર સહિત જિલ્લા વહીવટી તંત્રને રાહત દેખાઈ રહી છે. જો કે પૂર ઓસરતા જ શહેરના ચાલીસ ટકા વિસ્તારમાં ફેલાયેલી ગંદકીની સાફ સફાઈ માટે પાલિકાએ કમર કસવી પડશે.
પૂરની સ્થિતિ વચ્ચે શું જરૂર હતી ટ્રક કાઢવાની?
પૂરની સ્થિતિ વચ્ચે વચ્ચે નવસારી જિલ્લા વહીવટી તંત્ર નિંદ્રાધીન જોવા મળ્યું. અંબિકા નદીમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે ૨૦ થી વધુ લોકો જીવના જોખમે અંબિકા નદીના પટમાં ઉતર્યા હતા. ગઈ કાલે પૂરના પાણીમાં તણાઇ ગયેલ ટ્રકને કાઢવા ૨૦ થી વધુ લોકો અંબિકા નદીના પૂરના પાણી ઉતર્યા. હજુ આજે પણ અંબિકા નદી પોતાની ભયજનક સપાટી ૨૮ ફૂટ છે. નવસારીમાં હજુ પણ અવિરત વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે શું જરૂર હતી ટ્રક કાઢવાની? લોકો ક્યાં સુધી પોતાના જીવ જોખમે મૂકશે?
પાણી ભરાતા ભગવાનની પ્રતિમા ફાયર સ્ટેશનમાં મૂકાઈ
નવસારીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ બની હતી. ગણેશ મહોત્સવ નજીક છે ત્યારે નવસારીના નીચણવાળા વિસ્તારોમાં પણ શ્રીજી ભક્તો વાજતેગાજતે વિઘ્નહર્તાની પ્રતિમાઓ લાવ્યા હતા. પરંતુ શાંતાદેવી રોડ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને સ્થળાંતર કરાવવાની ફરજ પડી. ભગવાન શ્રી ગણેશને શહેરના સાંઢ કુવા સ્થિત ફાયર સ્ટેશનમાં આશરો લેવા પડ્યો હોય એવી સ્થિતિ સામે આવી છે. ભગવાનની પ્રતિમા સ્ટેશનમાં સુરક્ષિત મૂકવામાં આવી હતી.
નવસારી શાંતાદેવી રોડ પર પાણી ભરાયા
નવસારીમાં આજે ફરી નોકરિયાત અને સ્થાનિક લોકોના હાલ બેહાલ થયા. એક જ મહિનામાં ત્રણ ત્રણ વાર પૂર જેવી પરિસ્થિતિ લોકોને જોવી પડી છે. લોકો જીવના જોખમે પાણીમાંથી જઈ રહ્યા છે. ભેંસત ખાડી વિસ્તારમાં પાણી ભરાયા છે. પૂર્ણા નદીના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા છે. લોકોના હાલ બેહાલ થયા છે. ઉપરવાસમાં વરસાદ શરૂ રહેશે તો હજી પાણીની સપાટી વધશે.
નવસારી પાણીમાં ડૂબ્યું
નવસારીનો રંગુન નગર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. પુણા નદીના પાણી આ વિસ્તારમાં ઘુસ્યા છે. સ્થાનિક જન જીવન ખોરવાયું છે. દુકાનો અને ઘરોમાં પાણી ભરાયું છે. લોકો જીવના જોખમે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે.
નવસારીની પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ
જલાલપોર તાલુકાના માણેકપોર ટંકોલી ગામે મુખ્ય માર્ગ પર પાણીમાંથી પસાર થતા કાર ફસાઈ હતી. માણેકપોર ટંકોલી ગામ પાસે કારમાં યુવાન ફસાતા નવસારી ફાયરને કોલ મળ્યો હતો. ફાયર વિભાગને કોલ મળતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી યુવાનનું રેસક્યું કરાયું હતું. ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરી યુવાનને પાણીના પ્રવાહમાંથી સુરક્ષિત બહાર કાઢ્યો હતો.
શાળામાં રજા આપી દેવાઈ
નવસારી જિલ્લામાં પુરની પરિસ્થિતિને જોતા નવસારી અને ગણદેવી તાલુકાની શાળાઓમાં રજા આપી દેવાઈ. પૂર્ણા અને અંબિકા નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે બંને તાલુકાના અનેક રસ્તાઓ બંધ થયા છે. બંને નદીઓમાં જળસ્તર ધીમી ગતિએ ઘટતા જિલ્લા કલેકટર દ્વારા ટ્વિટ કરીને શાળાઓમાં રજા જાહેર કરાઈ. નવસારી શહેર, નવસારી ગ્રામ્ય અને ગણદેવી તાલુકાની આંગણવાડી, પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી.
Trending Photos