Photos : રાજકોટની આ 70 વર્ષ જૂની પ્રસિદ્ધ લાઈબ્રેરીને નવા વાઘા પહેરાવાશે
રક્ષિત પંડ્યા/રાજકોટ :લોકમાન્ય તિલકનું એક વાક્ય છે કે, ‘હું નરકમાં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ કારણકે, તેમનામાં એટલી શક્તિ એટલી છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે.’ આ વાક્ય હવે રંગીલા રાજકોટિયન્સ માટે સાર્થક બનવા જઇ રહ્યું છે. રાજકોટમાં રાજવી પરિવારના વખતની લાખાજીરાજ લાઈબ્રેરીનું આધુનિકીકરણ થવા જઈ રહ્યું છે. નવીનકોર લાઈબ્રેરી એક વર્ષમાં ધમધમતી થઈ જશે અને તેને અમદાવાદની બ્રિટિશ મોર્ડન લાઈબ્રેરી જેવી બનાવવામાં આવશે.
રાજકોટ વાંચનમાં પાછળ છે એ વરવી વાસ્તવિકતા છે જ. શહેરમાં આંગળીના વેઢે ગણાય તેટલી જ લાઈબ્રેરી છે. જેમાં મનપાની ત્રણ લાઈબ્રેરી સરગમ ક્લબ સંચાલિત ત્રણ લાઈબ્રેરીઓ રોટરી ક્લબ, લેંગ લાઈબ્રેરી અને જિલ્લા લાઈબ્રેરીનો સમાવેશ થાય છે. જેમાં પણ માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાનો જ વાંચતાં હોય છે. લાખાજીરાજ ટ્રસ્ટના કર્તાહર્તા માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજવી પરિવાર સંચાલિત વર્ષો જૂની હેરિટેજ બિલ્ડીંગ સમી લાખાજીરાજ લાઈબ્રેરીના આધુનિકીકરણ માટેનું કામ ચાલી રહ્યું છે. લાઈબ્રેરીમાં નવા પુસ્તકો, ઈન્ટરનેટની સુવિધા અને 800 વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા ધરાવતા ઓડિટોરિયમનું પણ નિર્માણ કરવામાં આવશે. અમદાવાદની મોર્ડન લાઈબ્રેરીની જેમ રાજકોટમાં લાખાજીરાજ લાઈબ્રેરીનું નિર્માણ કરવા લાખાજીરાજ ટ્રસ્ટ દ્વારા આયોજન હાથ ધરાયું છે. સાથે જ લાખાજીરાજનું સ્ટેચ્યુ કે, જેમાં તેમના હાથમાં રહેલી તલવાર અને સાફાની આંટીઓ માર્બલ પર શોભાયમાન થશે.
રાજકોટ શહેરમાં હાલ 7 જેટલી લાયબ્રેરી કાર્યરત છે અને રજવાળા સમયની આશરે 7૦ વર્ષ જૂની લાખાજીરાજ લાઈબ્રેરી છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં છે. ત્યારે લાખાજીરાજ લાયબ્રેરી મોર્ડન લાઈબ્રેરી ધમધમતી થઈ જાય તો વાંચનપ્રેમીઓને પ્રેરકબળ મળી રહે તેમ છે. ઉલ્લેખનીય છે કે, ટ્રસ્ટના સંચાલક દ્વારા લાઈબ્રેરીને અતિ આધુનિક બનાવવા માટે અમદાવાદ મુંબઈ સહિતના શહેરોમાં પુસ્તકાલયની મુલાકાત લેવામાં આવશે અને અહીં જૂના ઐતિહાસિક પુસ્તકોથી લઇ નવા પુસ્તકો મૂકવામાં આવશે. વધુ ને વધુ લોકો આ પુસ્તકાલયનો ઉપયોગ કરે એ માટે નજીવા દરથી મેમ્બરશીપ આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ઉલેખ્ખનીય છે કે, રાજકોટમાં સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી વાંચનની સાથે સાહિત્યનું વાંચન પણ શરૂ થાય તો ‘વાંચે રાજકોટ’નું સૂત્ર સાર્થક થશે.
વર્ષ 1934માં બનાવવામાં આવેલ લાખાજીરાજ લાઈબ્રેરી હાલ છેલ્લા એકાદ વર્ષથી બંધ છે. ત્યારે ટ્રસ્ટ દ્વારા અંદાજે ૨ કરોડથી વધુ કિમતના ખર્ચે લાઈબ્રેરીનું નવીનીકરણ કરી ખુલ્લુ મૂકવામાં આવશે. ઉલેખ્ખનીય છે કે, હાલના સમયે રાજ્યની 629 શાળાઓ અને 300 જેટલી કોલેજોમાં ગ્રંથપાલની જગ્યા ખાલી છે. ઉપરાંત રાજ્યની 11 યુનિવર્સિટીમાં 40 વર્ષથી લાઈબ્રેરી સાયન્સનો અભ્યાસક્રમ ચાલે છે. પરંતુ છેલ્લા 20 વર્ષથી ભરતી બંધ હોવાથી અનેક યુવાનો રોજગારીથી વંચિત છે અને જેના માટે ગ્રંથપાલની ખાલી જગ્યાઓ મહામુશ્કેલીરૂપ બની છે. ત્યારે રાજ્યભરમાં પુસ્તકાલયના નવીનીકરણ અને નવા પુસ્તકાલય ખૂલવાથી લોકોના વાંચનની સાથે સાથે બેરોજગાર યુવાનોને રોજગાર પણ જરૂરથી મળી શકે તેમ છે.
Trending Photos