‘કમજોર છે, તારાથી નહિ થાય....’ સાંભળીને મોટી થયેલી ગુજરાતની રોમાએ એ સ્પર્ધા જીતી, જે દેશમાં કોઈ મહિલાએ નથી જીતી
ચેતન પટેલ/સુરત :"મારી છોરી કોઈ છોરો સે કમ હે કે..." સુરતના શાહ પરિવાર માટે આ કહેવત એકદમ સાચી પડી છે. કારણ કે તેમની દીકરી રોમા શાહ (Roma Shah) ભારતની પ્રથમ એવી મહિલા ખેલાડી બની છે કે જેણે દેશ માટે રશિયાના મોસ્કોમાં યોજાયેલી વર્લ્ડ રો પાવર લિફ્ટીંગ ચેમ્પિયનશિપ (world raw powerlifting) માં બે ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા છે. રોમાએ માઈનસ 10 ડિગ્રીમાં ત્રણ કેટેગરીમાં 330 કિલો વજન ઉંચકી વિશ્વના 2000 ખેલાડીઓને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
‘કમજોર છે, તારાથી નહિ થાય, તારી કાયા કોમળ અને નાજુક છે....’ આવી વાતો કરનાર લોકો સુરતની રોમા શાહની ઉપલબ્ધિને ચોક્કસથી જાણે અને ઓળખે. સુરતની 21 વર્ષીય રોમા બિરેન શાહે પોતાના દેશ માટે જે કરીને બતાવ્યું છે તે અત્યાર સુધીમાં દેશની કોઇપણ મહિલા ખેલાડીએ કર્યું નથી. રશિયાના મોસ્કો ખાતે યોજાયેલી વર્લ્ડ રો પાવર લિફ્ટીંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સતત ત્રીજા વર્ષે બે ગોલ્ડ સિલ્વર મેડલ મેળવી હેટ્રિક કરી છે. ત્રણ વર્ષમાં રોમાએ રો પાવર લિફ્ટીંગમાં કુલ આઠ ગોલ્ડ અને બે સિલ્વર મેડલ મેળવ્યા છે. ચાલુ વર્ષે દુનિયાના વિવિધ 20 દેશોમાંથી 2000થી વધુ સ્પર્ધકોએ આ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. તેમની વચ્ચે રોમાનું પ્રદર્શન કાબિલે તારીફ હતું. ત્રણ કેટેગરીમાં કુલ 330 કિલો વજન ઉંચકીને તેણે પોતાના પ્રતિસ્પર્ધીઓને મ્હાત આપી છે.
આ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર રોમા દેશની એક માત્ર ખેલાડી હતી. આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ખાસ મહેનતની જરૂર હોય છે. રોમાના કોચ યઝદ ભેંસાણીયાએ રોમાને તનતોડ મહેનત કરાવી હતી. કોચ યઝદના જણાવ્યા મુજબ, આ ચેમ્પિયનશિપ વિશ્વની સૌથી મોટી ચેમ્પિયનશિપ છે અને તેમાં ભાગ લેવા માટે મહિલાઓને ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. અનેક પાસાંઓમાં મહિલાઓ પુરુષો કરતાં જુદી છે. મોસ્કોમાં માઈનસ 10 ડિગ્રી તાપમાન અને તે સમયે તેનુ વજન 1 કિલો વધી ગયું, ત્યારે માત્ર ગણતરીના કલાકોમાં વજન ઓછું કરવામાં આવ્યું હતું. સાથે કાર્ડિયાક થેરાપી પણ આપવામાં આવી હતી.
રોમા વૈષ્ણવ પરિવારમાંથી આવે છે, જે ચુસ્ત શાકાહારી છે. પરંતુ દેશ માટે ગોલ્ડમેડલ જીતવાનો તેની પ્રબળ ઈચ્છા જોઈ તેની માતા દીપા શાહે તેને દરેક મામલે સમર્થન આપવાનું નક્કી કર્યું અને માંસાહારી વાનગીઓ ખાવાની પરમિશન પણ આપી. માતાપિતા તેની ખૂબ કાળજી લે છે. દીપા શાહે જણાવ્યુ હતું કે, ત્રણ વર્ષ પહેલા તે માત્ર જિમમાં તેનુ વજન ઓછું કરવા લઈ આવી હતી, પરંતુ તેની રમત પ્રત્યેની જિજ્ઞાસા જોઈને અમે રોમાને સપોર્ટ કર્યો અને આજે ખુશી છે કે તેણે દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યા છે.
ભારતમાં 30 થી40 ડિગ્રી તાપમાનમાં રહેનાર રોમાએ મોસ્કોમાં માઈનસ 10 ડિગ્રીમાં આ સિદ્ધિ મેળવી છે, જે અત્યાર સુધી કોઈએ મેળવી નથી. સુરતની રોમાએ દેશનું નામ રોશન કર્યું છે અને દરેક દીકરી માટે પ્રેરણા બની છે.
Trending Photos