કલાકોના કલાકો પંખા વગર વિતાવીને માતાપિતાએ દીકરીનું રેકોર્ડ બ્રેક કરવાનું સપનુ પૂરુ કર્યું....
તેજશ મોદી/સુરત :અનેક લોકો પોતાના ટેલેન્ટને કારણે અન્ય લોકોથી અલગ પોતાની ઓળખ બનાવે છે, ત્યારે ડાયમંડ અને સિલ્ક સિટી સુરતમાં રહેતી એક વિદ્યાર્થીનીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ (india book of records) માં પોતાનું નામ નોંધાવ્યું છે. માંડ સાડા ત્રણ ફૂટ જેટલી હાઈટ ધરાવતી સિદ્ધિ પટેલે 210 પ્લાસ્ટિક ગ્લાસનો ઉપયોગ કરીને 72 ઇંચ એટલે કે 6 ફૂટનો ઊંચો પિરામિડ બનાવ્યો છે.
હવાથી વારંવાર પડી જતું પિરામિડ
સુરતની સિદ્ધિ પટેલે જે હાલ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે, તેને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. સિદ્ધિએ પ્લાસ્ટીક ગ્લાસનો અનોખો પિરામિડ બનાવ્યો છે. આ સિદ્ધિને હાંસલ કરતાં સિદ્ધિને છ મહિનાથી વધુનો સમય લાગ્યો છે. સિદ્ધિએ જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકનો પિરામિડ બનાવવું ખૂબ અઘરું હતું, પરંતુ ફોકસ, એકાગ્રતા અને બ્રિધિંગ ટેકનિકનો ઉપયોગ કરી આખરે આ સફળતા મળી છે. પ્લાસ્ટિકના ગ્લાસના કુલ 23 ફ્લોર બનાવી એક નવો રેકોર્ડ રચ્યો છે. અનેક વખત કેટલાક ફ્લોર પછી તો એવું થતું કે થોડી હવાને કારણે, શ્વાસોચ્છવાસની ગતિને કારણે, બાજુમાંથી કોઈ પસાર થાય તેના કારણે, પ્લાસ્ટિકના ગ્લાસનું બેલેન્સ ખોરવાતા પિરામિડ બનતા બનતા રહી જતું હતું.
કલાકોના કલાકો પંખા વગર કાઢ્યા...
તે કહે છે કે, જોકે માઈક્રો ઓબ્ઝર્વેશન સ્કીલના કારણે તેની ક્લેરિટી પણ વધતી ગઈ કે, કયા કારણને લીધે પિરામિડ પડે છે અને ધીરે ધીરે મેં જોયું કે બ્રીધિંગ કંટ્રોલ ખૂબ જ જરૂરી છે. તેથી મેં બ્રિધિંગ ટેકનિક પર અભ્યાસ કરીને આ સપનાને સાકાર કર્યું છે. સિદ્ધિના પિતા તરુણભાઈનું કહેવું છે કે સિદ્ધિએ આ સફળતાં હાંસલ કરીને એક નવો કિર્તીમાન બનાવ્યો છે, પિરામિડ બનાવતી વખતે સિદ્ધિની સાથે સતત અમે રહ્યા છીએ. પંખા અને લાઈટ વગર કલાકો કાઢ્યા છે, ઉદ્દેશ માત્ર એટલો જ કે પિરામિડ બની જાય. આખરે અનેક મહિનાઓની અમારી મહેનત ફળી છે.
કોઈ જલ્દી રેકોર્ડ ન તોડે, તેથી દીકરીને મોટી ચેલેન્જ આપી
સિદ્ધિની માતા અંજલીબેનનું કહેવું છે કે, અમે સિદ્ધિમાં એકાગ્રતા જોઈ હતી. જેથી તેને અલગ અલગ ટાસ્ક આપ્યા હતા. જેમાં એક વખત તેને પત્તાનો પિરામિડ બનાવ્યો હતો, જેથી એક વાત સ્પષ્ટ હતી કે તે એક ચિત્તે બેસી કામ કરી શકે છે. પ્લાસ્ટિકના ગ્લાસના પિરામીડ બનાવવાનો વિચાર તેને આપ્યો હતો. શરૂઆતમાં 100 અને 150 ગ્લાસના પિરામિડ બનાવ્યા હતાં, પરંતુ અમે તેને 200થી વધારે ગ્લાસની ચેલેન્જ આપી, જેથી અન્ય કોઈ જલ્દીથી આ રેકોર્ડ તોડી ન શકે.
Trending Photos