13 વર્ષ પહેલા ધોનીએ રચ્યો હતો ઈતિહાસ, ભારતને બનાવ્યું હતું T20નું વર્લ્ડ ચેમ્પિયન
અંતિમ ઓવરના રોમાંચમાં સફળ રહ્યો જોગિંદર શર્મા પાસે ઓવર કરાવવાનો ધોનીનો નિર્ણય.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં આજના દિવસે એટલે કે 24 સપ્ટેમ્બર 2007ના ટી20 વિશ્વકપ પર કબજો કર્યો હતો. ધોનીની આગેવાનીમાં ભારતે પોતાના કટ્ટર વિરોધી પાકિસ્તાનને હરાવીને પ્રથમ ટી20 વિશ્વકપનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. પાકિસ્તાને જોહનિસબર્ગના વાન્ડર્સ સ્ટેડિયમમાં મેચ જીતવા માટે અંતિમ ઓવરમાં 13 રન બનાવવાના હતા, આ સમયે ધોનીએ એવા બોલરને બોલ આપ્યો, જેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ ખુબ ઓછો હતો.
ભારત માટે અને પોતાની જિંદગીની સૌથી કિંમતી ઓવર જોગિંદર શર્માએ ફેંકી હતી. આ ઓવરના પ્રથમ બે બોલ પર સાત રન બની ગયા હતા. લાગી રહ્યું હતું કે ભારત આ મેચ ગુમાવી દેશે, કારણ કે પાકને ચાર બોલમાં સાત રનની જરૂર હતી. પાકિસ્તાન માટે તે સમયે મિસ્બાહ ઉલ હક અને મોહમ્મદ આસિફ બેટિંગ કરી રહ્યાં હતા. પાકિસ્તાન ટીમના અન્ય ખેલાડી મિસ્બાહના વિનિંગ શોટની રાહ જોઈ રહ્યાં હતા.
એમએસ ધોનીએ જોગિંદર શર્માની સાથે લાંબી વાતચીત કરી. ધોની જાણતો હતો કે મિસ્બાહ સ્વીપ શોટ રમી શકે છે. તેવામાં ધોનીએ બાઉન્ટ્રી અને 30 યાર્ડ સર્કલની વચ્ચે ફાઇન લેગ તરફ શ્રીસંતને ઉભો રાખી દીધો હતો. ત્યારબાદ જોગિંદર શર્માએ પ્લાન પ્રમાણે ઓફ સ્ટમ્પની બહાર તરફ એક ધીમો બોલ ફેંક્યો અને મિસ્બાહે આ બોલને શોર્ટ ફાઇન લેગની ઉપર રમ્યો, પરંતુ બોલ સીધો હવામાં ગયો અને તેની નીચે ઉભેલા શ્રીસંતે કેચ ઝડપી લીધો. આ સાથે પાકિસ્તાનની ટીમ ઓલઆઉટ થઈ ગઈ અને ભારત વિશ્વ વિજેતા બની ગયું હતું.
IPL 2020, KXIPvsRCB: આ પ્લેઈંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરશે પંજાબ અને બેંગલોર
13 વર્ષ બાદ આજે પણ જ્યારે તે ટ્રોફી સાથે એમએસ ધોનીની તસવીર સામે આવે તો દેશના ક્રિકેટ પ્રશંસકોને વિશ્વકપની યાદ તાજી થઈ જાય છે. ભારત માટે આ ટ્રોફી ખુબ મહત્વપૂર્ણ હતી કારણ કે તેના થોડા મહિના પહેલા ભારત વનડે વિશ્વકપના પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગયું હતું.
ફાઇનલની વાત કરીએ તો તેમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા ગૌતમ ગંભીરના 75 રનની મદદથી પાંચ વિકેટ પર 157 રનનો સ્કોર બનાવ્યો હતો. ભારતને મળેલા 158 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે પ્રથમ ઓવરમાં મોહમ્મદ હાફીઝની વિકેટ ગુમાવી દીધી હતી. એક બાદ એક વિકેટ પડતી રહી અને અંતિમ ઓવરમાં પાકિસ્તાની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે પાંચ રને મેચ જીતીને પ્રથમ ટી20 વિશ્વકપ પોતાના નામે કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે