IRE vs IND: 'કરો યા મરો', આયર્લેન્ડના પ્રવાસ પર ન ચાલ્યા તો ખતમ થઈ જશે આ 3 ખેલાડીઓનું કરિયર!
જસપ્રીત બુમરાહની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા આવતીકાલથી આયર્લેન્ડ સામે ત્રણ ટી20 મેચની સિરીઝ રમવાની છે. આ સિરીઝ માટે સ્ટાર ખેલાડીઓને આરામ આપી નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. આ ટીમમાં કેટલાક ખેલાડીઓ એવા છે, જેણે આયર્લેન્ડ સામે સારૂ પ્રદર્શન કરી ખુદને સાબિત કરવા પડશે.
Trending Photos
નવી દિલ્હીઃ લગભગ 11 મહિના બાદ મેદાન પર વાપસી માટે તૈયાર જસપ્રીત બુમરાહ આયર્લેન્ડ વિરુદ્ધ જ્યારે ત્રણ મેચની ટી20 સિરીઝમાં આગેવાની કરશે તો તેની પાસે એકદમ નવી ટીમ હશે. યુવાઓની ફોજમાં યશસ્વી જાયસવાલ હશે. આઈપીએલ સ્ટાર રિંકૂ સિંહ, જિતેશ શર્મા હશે તો પ્રસિદ્ધ કૃષ્ણા અને આવેશ ખાન જેવા યુવા ફાસ્ટ બોલર આ સ્ક્વોડમાં સામેલ છે. આ સાથે આ પ્રવાસમાં ટીમના ઘણા ખેલાડીઓ માટે છેલ્લી તક હશે. જો આ પ્રવાસ પર તે ખુદને સાબિત નહીં કરે તો ગેમ બગડી જશે. આવો તે ત્રણ ખેલાડીઓ પર નજર કરીએ, જેના માટે આ સિરીઝ કરો યા મરો સમાન હશે.
સંજૂ સેમસન
પહેલા પણ એવો દાવો કરવામાં આવ્યો છે કે સંજૂ સેમસનને આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની પ્રતિભા દેખાડવાનો વધુ સમય મળ્યો નથી. પરંતુ આ સત્ય નથી. વિકેટકીપર બેટરે હાલમાં વિન્ડીઝ વિરુદ્ધ સમાપ્ત થયેલી સિરીઝમાં બે વનડે અને પાંચ ટી20 મેચ રમી. પરંતુ ત્રીજી વનડેમાં અડધી સદી ફટકારવા સિવાય તે ખાસ કરી શક્યો નહીં. સેમસન બે વનડેમાં 60 રન બનાવવામાં સફળ રહ્યો. તો ત્રણ ટી20 ઈનિંગમાં માત્ર 32 રન બનાવી શક્યો હતો. કેરલના આ ક્રિકેટરે 2023 એશિયા કપ અને વનડે વિશ્વકપમાં પોતાની જગ્યા બનાવવા માટે આયર્લેન્ડ સામે સારૂ પ્રદર્શન કરવું પડશે.
આવેશ ખાન
2016ના અન્ડર-19 વિશ્વકપમાં છાપ છોડ્યા બાદ આવેશ ખાનને ભારતનો સૌથી પ્રતિભાશાળી બોલર માનવામાં આવતો હતો. ઘરેલૂ ક્રિકેટમાં છાપ છોડ્યા બાદ આઈપીએલમાં તેણે ખુદને સાબિત કર્યો. તેને જલદી ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી ગઈ, પરંતુ બ્લૂ જર્સી પહેરતા તે ધાર ચાલી ગઈ, જેના માટે ઈન્દોરનો આ ખેલાડી જાણીતો હતો. આવેશ ખાનને વિન્ડીઝ સામે ટી20 સિરીઝમાં પણ તક મળી હતી, પરંતુ અંતિમ 11માં જગ્યા મળી નહીં. પાંચ વનડેમાં માત્ર 3 વિકેટ લેનાર આવેશે 15 આંતરરાષ્ટ્રીય ટી20માં માત્ર 13 વિકેટ લીધી છે. ઘણા ઉભરતા ફાસ્ટ બોલરોની સાથે 26 વર્ષીય આવેશ માટે આ મેક યા બ્રેક સિરીઝ હોઈ શકે છે.
શિવમ દુબે
મુંબઈના ઓલરાઉન્ડર ખેલાડી શિવમ દુબેને હાર્દિક પંડ્યાનો સંભવિત વિકલ્પ માનવામાં આવી રહ્યો હતો. પરંતુ આ વિસ્ફોટક બેટર પોતાના ઘરેલૂ ફોર્મને ભારતીય ટીમની સાથે રિપીટ કરવામાં નિષ્ફળ રહ્યો. 2019માં પોતાના ડેબ્યૂ બાદ દુબેએ માત્ર એક વનડે અને 13 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે એકમાત્ર વનડેમાં 9 રન બનાવ્યા હતા. બીજીતરફ દુબેએ ટી20માં 105 રન બનાવ્યા અને પાંચ વિકેટ ઝડપી છે. શિવમ દુબેએ આઈપીએલમાં ચેન્નઈ માટે રમતા છેલ્લી બે સીઝનમાં શાનદાર પ્રદર્શન કરી 707 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયામાં વાપસી કરી છે. 30 વર્ષીય આ ક્રિકેટરને પણ ખ્યાલ છે કે તેની પાસે પોતાને સાબિત કરવાની સીમિત તક હશે અને તે બેટ તથા બોલથી પ્રભાવ છોડવા ઈચ્છશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે