ગુજરાતમાં ઉત્સાહપૂર્વક ઉત્તરાયણની ઉજવણી, નેતાઓએ પણ કરી જોરદાર પતંગબાજી, સાથે થઈ નિવેદનબાજી!
ગુજરાતમાં આજે ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. સવારથી લોકો આગાસી પર પહોંચી ગયા હતા અને પતંગો ચગાવી હતી. તો ઉત્તરાયણનો રંગ નેતાઓમાં પણ જોવા મળ્યો હતો. રાજ્યમાં વિવિધ જગ્યાએ નેતાઓએ પણ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી.
Trending Photos
અમદાવાદઃ ગુજરાતીઓના પ્રિય તહેવાર એવા ઉત્તરાયણની સૌ ગુજરાતીઓએ ઉત્સાહથી ઉજવણી કરી. નાના બાળકોથી લઈ વૃદ્ધ સુધી તમામે પતંગોનો આ ઉત્સવ ઉજવ્યો...તો રાજનેતાઓએ પણ પતંગના આ ઉત્સવમાં પતંગબાજીની સાથે નિવેદનબાજી પણ કરી....ત્યારે જુઓ કોને ચગ્યો અને કોનો કપાયો?... આ અહેવાલમાં....
એ લપેટ...લપેટ...નો ચારે બાજુ અવાજ....કાઈપો છેનો ઘોઘાંટ...ડી.જેના તાલે સોન્ગની સરવાણી....પીપડાઓનો સંભળાતો પુ..પુ કરતો અવાજ....ઉત્તરાયણના દિવસે અનેક ગીતો અને જાતના અવાજ ગુજરાતના આકાશમાંથી સંભળાયા....બાળકો જ નહીં, મોટા વૃદ્ધો પણ ઉત્તરાયણની મોજ લૂંટતા જોવા મળ્યા....રંગબેરંગી પતંગથી આકાશે જાણે બાંધણી પહેરી હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું...અને ટેરેસ પરનો તો નજારો જ કંઈક અલગ હતો...આખુ ગુજરાતે ઘર અને ધંધા રોજગાર છોડી ધાબા પર જોવા મળ્યું..
ઉત્તરાયણની આ ઉજવણીમાં અને મોજ મસ્તીથી નેતાઓ પણ પોતાને દૂર ન રાખી શક્યા....નેતાઓની પતંગબાજી હોય અને તેમાં નિવેદનબાજી ન થાય તેવું બને?...ક્યારેય ન બને...નેતાઓને માઈક મળે પછી બોલવાનું ટાળે તો તેઓ નેતા ન કહેવાય...બનાસકાંઠામાં શંકર ચૌધરી અને ગેનીબહેન ઠાકોરે જોરદાર પતંગોત્સવ ઉજવ્યો...શંકર ચૌધરીએ મતવિસ્તાર થરાદમાં તો ગેનીબહેન વતન ભાભરમાં પતંગ ચગાવ્યો....શંકર ચૌધરીએ કહ્યું વિકાસનો પતંગ દૂર સુધી જશે અને તે કપાશે નહીં...કારણ કે વિસ્તારમાં ચાલી રહી છે વિકાસની હવા....
ગુજરાતના યુવા મંત્રી અને ગૃહ ખાતાની જેમના પર જવાબદારી છે તે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોરદાર પતંગબાજી કરતાં જોવા મળ્યા...પતંગ ચગાવ્યો તો બર્ડ રેસ્ક્યૂ સેન્ટરની મુલાકાત લઈ જીવદયાની જ્યોત જગાવી...તો ફરસાણની દુકાન પર ફાફડા અને તલના લાડુનો સ્વાદ માણતા પોતાને ન રોકી શક્યા...દુકાનદાર સાથે સંવાદ પણ કર્યો...અને અલગ અંદાજમાં શુભેચ્છાઓ પણ સૌને આપી.
તો ઉત્તરાયણની ઉજવણી થતી હોય અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને કેમ ભૂલી શકાય....પતંગબાજીની સાથે નિવેદનબાજીમાં પણ રૂપાણી સાહેબ અગ્રેસર રહ્યા...પતંગ તો પરિવાર સાથે ચગાવ્યો...પણ વાત સંગઠનની કરી....ઉત્તરાયણ રાજકોટમાં ઉજવી પરંતુ નિવેદન તેમણે અમરેલીની દીકરી પાયલ પર પણ આપ્યું.
અમરેલી નકલી લેટરકાંડ બાદ પોલીસની કાર્યવાહી. કાર્યવાહીનો કોંગ્રેસ દ્વારા વિરોધ અને પાટીદાર દીકરી પાયલ ગોટીનું સમર્થન....કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસૌયા પતંગોત્સવની વચ્ચે પાયલ પર પોલીસે અત્યાચાર ગુજાર્યો હોવાનો ફરી રાગ અલાપતાં પોતાને ન રોકી શક્યા...અને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું વચન પણ આપી દીધું.
તો સહકારી ક્ષેત્રના પીઠ આગેવાન...મૂળ અમરેલીના દિલીપ સંઘાણીએ પણ નિવેદનબાજીનો પતંગ જોરદાર ચગાવ્યો...સંઘાણીએ પણ પાયલ માટે સહાનુભૂતિના બે શબ્દો ફરી ઉચ્ચાર્યા...તો સહકારમાં મોદી સાહેબ અને અમિતભાઈના બચાવથી પોતાનો પતંગ કોઈએ કાપ્યો નથી અને કાપશે પણ નહીં તેવું ઉચ્ચારણ કર્યું...સાથે જ કહ્યું કે, સહકારમાં પોતાનો પતંગ સ્થિર હોવાની વાત કરી.
ગુજરાતમાં સામાન્ય લોકો જેટલા ઉત્સાહથી ઉત્તરાયણ ઉજવે છે...તેટલા જ ઉત્સાહથી રાજનેતાઓની પણ ઉજવણી હોય છે. તેમાં નિવેદનબાજીના પતંગનું ખાસ મહત્વ હોય છે. જે આ ઉત્તરાયણમાં પણ જોવા મળ્યું...હવે જોવું રહ્યું કે, કયા નિવેદનનો પતંગ આકાશમાં સ્થિર રહે છે અને કયો પતંગ અદ્ધવચ્ચેથી જ કપાઈ જાય છે?.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે