INDvsSA પ્રથમ ટેસ્ટઃ બંન્ને ટીમોની સામે શું છે સવાલ અને હવામાન તથા પિચની સ્થિતિ
સિરીઝની શરૂઆત પહેલા ભારતને ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. તેના કેટલાક કારણો પણ છે. ટીમ ઈન્ડિયાની પાસે ખૂબ મજબૂત બેટિંગ અને ઘરેલૂ પરિસ્થિતિઓનો સાથ છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 ટેસ્ટ મેચોની સિરીઝનો પ્રારંભ 2 ઓક્ટોબરથી થશે. ટી20 સિરીઝ ડ્રો રહ્યાં બાદ હવે ધ્યાન લાલ બોલ ક્રિકેટ પર છે. વિશાખાપટ્ટનમમાં બંન્ને ટીમો રમતના સૌથી મોટા ફોર્મેટમાં આમને-સામને હશે.
સિરીઝની શરૂઆત પહેલા ભારતને ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. તેના કેટલાક કારણો પણ છે. ટીમ ઈન્ડિયાની પાસે ખૂબ મજબૂત બેટિંગ અને ઘરેલૂ પરિસ્થિતિઓનો સાથ છે. જસપ્રીત બુમરાહ આ સિરીઝમાં રમશે નહીં, પરંતુ ટીમનું બોલિંગ આક્રમણ આફ્રિકાની બેટિંગ ક્રમની 20 વિકેટ ઝડપવા માટે સક્ષમ નજર આવે છે. આ સાથે આફ્રિકાની ટીમમાં અનુભવની કમી એક કારણ છે.
ભારતીય ટીમના ઈરાદા મજબૂત
ટીમ ઈન્ડિયાની પાસે આ સિરીઝની શરૂઆત પહેલા ઘણા પોઝિટિવ છે. મિડલ ઓર્ડર સારા ફોર્મમાં છે. યુવા હનુમા વિહારીએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. તેણે સબીના પાર્કમાં સદી ફટકારી હતી. વિહારીના ફોર્મે ટીમ મેનેજમેન્ટની થોડી ચિંતા દૂર કરી છે. આ સિવાય રહાણેએ પણ વિન્ડીઝ સામે સારૂ પ્રદર્શન કરીને ફોર્મ પરત મેળવ્યું છે.
બુમરાહની ઈજાથી પરેશાન, ઓપનિંગ ચિંતાનો વિષય
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઈજા ટીમ ઈન્ડિયા માટે જરૂર પરેશાની લઈને આવી છે. તેના સ્થાને ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ શમી અને ઇશાંત શર્માએ આફ્રિકામાં સારી બોલિંગ કરી હતી. સ્પિનની વાત કરીએ તો અશ્વિન અને જાડેજા ભારતીય વિકેટો પર મહત્વના સાબિત થશે. રોહિતને રાહુલના સ્થાને ઓપનિંગ કરાવવામાં આવશે. પરંતુ બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન તરફથી રમતા તે શૂન્યમાં આઉટ થઈ ગયો તો રાહુલે વિજય હજારે ટ્રોફીમાં શાનદાર સદી ફટકારી હતી.
સાઉથ આફ્રિકાની ચિંતા
સાઉથ આફ્રિકા ટીમની સૌથી મોટી ચિંતા ભારતીય ઉપમહાદ્વીપની સ્પિન પિચો પર અશ્વિન અને જાડેજાનો સામનો કરવાની હશે. આ યુવા ટીમની પાસે ભારતમાં વધુ રમવાનો અનુભવ નથી. ટેસ્ટ સિરીઝમાં તેણે કોઈ પ્રભાવ છોડવો છે તો, ધૈર્ય, સંયમની સાથે ટેકનિકમાં પણ દ્રઢતાથી પ્રદર્શન કરવું પડશે.
નથી કોઈ મોટા નામ
આફ્રિકાની પાસે હાશિમ અમલા અને એબી ડી વિલિયર્સ જેવા મોટા નામ નથી. તેવામાં યુવા ટીમમાં હેનરિચ ક્લાસેન, જુબાયર હમઝાએ પોતાની રમતથી કેપ્ટન ડુ પ્લેસિસનો સાથ આપવો પડશે. જ્યાં સુધી ફાસ્ટ બોલિંગનો સવાલ છે, મહેમાન ટીમનો આ પક્ષ જરૂર મજબૂત જોવા મળે છે. ટીમમાં કગિસો રબાડા, લુંગી એન્ગિડી, વર્નોન ફિલાન્ડર અને એનરિચ નોર્ત્જ જેવા બોલર છે.
પિચ રિપોર્ટ
વિશાખાપટ્ટનમના મેદાનની પિચ બેટ્સમેન ફ્રેન્ડલી માનવામાં આવે છે. આ સાથે ત્યાં ફાસ્ટ બોલરોને પણ સારી મદદ મળે છે પરંતુ જેમ જેમ રમત આગળ વધે છે તેમ તેમ સ્પિનરોની ભૂમિકામાં વધારો થાય છે.
કેવુ રહેશે હવામાન
હવામાનની વાત કરીએ તો બુધવારથી શરૂ થઈ રહેલ ટેસ્ટ મેચમાં પ્રથમ બે દિવસ હવામાન સારૂ રહેશે. વાદળો છવાયેલા રહી શકે છે પરંતુ વરસાદનું પૂર્વાનુમાન નથી. મેચના ત્રજા દિવસે એટલે કે શુક્રવારે થોડો વરસાદ થવાની આશંકા છે. ચોથા દિવસે પણ વરસાદની શક્યતા છે. પરંતુ મેચના પાંચમાં દિવસે, રવિવારે હવામાન ખુલ્લુ રહેશે.
આંકડા પર નજર
ભારત અને આફ્રિકા વચ્ચે કુલ 36 ટેસ્ટ મેચ રમાઇ છે. તેમાંથી આફ્રિકાએ 15 અને ભારતે 11 મેચ જીતી છે. 10 મેચ ડ્રો રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે