રણજી ટ્રોફીઃ 'ધ વોલ' પૂજારાની અણનમ સદી, કર્ણાટકને હરાવી સૌરાષ્ટ્ર ફાઇનલમાં
રણજી ટ્રોફીની સેમીફાઇનલમાં સૌરાષ્ટ્રએ શાનદાર પ્રદર્શન કરતા કર્ણાટકને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. હવે ફાઇનલમાં સૌરાષ્ટ્રની ટક્કર વિદર્ભ સામે થશે.
Trending Photos
બેંગલુરૂઃ ચેતેશ્વર પૂજારા અને શેલ્ડન જેક્સનની શાનદાર સદીની મદદથી સૌરાષ્ટ્રએ રણજી ટ્રોફીની સેમીફાઇનલમાં કર્ણાટલને 5 વિકેટે પરાજય આપીને દબદબાભેર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. કર્ણાટકે આપેલા 279 રનના લક્ષ્યને સૌરાષ્ટ્રએ 5 વિકેટ ગુમાવીને હાસિલ કર્યો હતો. ચેતેશ્વર પૂજારાએ શાનદાર પ્રદર્શન કરતા અણનમ 131 જ્યારે શેલ્ડન જેક્સન 100 રન બનાવી આઉટ થયો હતો. બંન્નેએ ચોથી વિકેટ માટે 214 રનની ભાગીદારી નોંધાવી હતી.
સૌરાષ્ટ્રએ ચોથા દિવસની રમત બંધ રહી ત્યારે ત્રણ વિકેટના નુકસાન પર 224 રન બનાવી લીધા હતા. અંતિમ દિવસે જીતવા માટે 55 રનની જરૂર હતી. 279 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સૌરાષ્ટ્ર ટીમની શરૂઆત ખરાબ રહી હતી. 23 રનમાં મહત્વની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ધ વોલ પૂજારા અને શેલ્ડન જેક્સને મળીને ટીમની જીત નિશ્ચિત કરી હતી.
આ પહેલા ચોથા દિવસે કર્ણાટકે 237/8થી આગળ રમતા કર્ણાટકની ટીમ માત્ર 2 રન જોડીને બીજી ઈનિંગમાં 239 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રેયસ ગોપાલે સૌથી વધુ 61 રન બનાવ્યા અને મયંક અગ્રવાલે 46 રનની ઈનિંગ રમી હતી. સૌરાષ્ટ્ર તરફથી ધર્મેન્દ્ર સિંહ જાડેજાએ સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. આ રીતે સૌરાષ્ટ્રને જીત માટે 279 રનનો લક્ષ્ય મળ્યો હતો.
પ્રથમ દાવમાં કર્ણાટકે 275 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ દાવમાં 239 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન જયદેવ ઉનડકટે શાનદાર પ્રદર્શન કરતા પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. તો બીજી ઈનિંગમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાને પાંચ સફળતા મળી હતી.
આ પહેલા ક્વાર્ટર ફાઇનલમાં સૌરાષ્ટ્રએ રેકોર્ડ બ્રેક રનચેઝ કરતા ઉત્તર પ્રદેશને 6 વિકેટે હરાવ્યું હતું.
સંક્ષિપ્ત સ્કોર
કર્ણાટકઃ 275, 239
સૌરાષ્ટ્રઃ 236, 283/5
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે