BCCI પાસે કરી હતી અપીલ... સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ? હવે કર્યો મોટો ખુલાસો
Sachin Tendulkar: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરે પોતાના જીવનનો એક મોટો ખુલાસો કર્યો છે. આ મહાન બેટ્સમેને ખુલાસો કર્યો છે કે, તેમણે તેની છેલ્લી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જ કેમ રમી હતી.
Trending Photos
Sachin Tendulkar: સચિન તેંડુલકર ભારતીય ક્રિકેટનું એક એવું નામ કે જેમને બેટિંગ કરતા જોવા માટે માત્ર દેશભરના જ ફેન્સ નહીં પરંતુ વિશ્વભરના ફેન્સ પણ ઉત્સુક રહેતા હતા. આ મહાન બેટ્સમેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તે સ્થાન હાંસલ કર્યું, જેના કારણે તેને 'ગોડ ઓફ ક્રિકેટ'નો ટેગ મળ્યો છે. વિશ્વમાં સૌથી વધુ રન બનાવનાર આ સર્વકાલીન મહાન બેટ્સમેન જ્યારે 2013માં ભારતીય જર્સીમાં છેલ્લી વખત બેટિંગ કરવા આવ્યો ત્યારે તે માત્ર તેના માટે જ નહીં પરંતુ વિશ્વભરના ક્રિકેટ ફેન્સ માટે ઈમોશનલ ક્ષણ હતી. .
16 નવેમ્બર 2013ના રોજ સચિન તેંડુલકરે તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. દુનિયા જાણે છે કે સચિન ભારત માટે છેલ્લી વખત વાનખેડે મેદાન પર રમ્યો હતો, પરંતુ ફેન્સને ખબર નહીં હોય કે તેમણે તેની છેલ્લી મેચ રમવા માટે આ મેદાનને કેમ પસંદ કર્યું. તેનું કારણ ખૂબ જ ખાસ છે, જેનો ખુલાસો હવે માસ્ટર બ્લાસ્ટરે નિવૃત્તિના વર્ષો પછી કર્યો છે.
વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?
વાનખેડે સ્ટેડિયમની 50મી વર્ષગાંઠ નિમિત્તે મેદાન પર આયોજિત કાર્યક્રમ દરમિયાન સચિન તેંડુલકર સહિત ઘણા ભારતીય ક્રિકેટરો હાજર રહ્યા હતા. આ દરમિયાન તેંડુલકરે કહ્યું કે, તેમણે BCCIને આ મેદાન પર તેની છેલ્લી મેચ રમવા માટે વિનંતી કરી હતી. સચિને કહ્યું કે, 'મારી છેલ્લી મેચની સિરીઝની જાહેરાત થાય તે પહેલા મેં BCCIનો સંપર્ક કર્યો હતો અને વિનંતી કરી કે હું માત્ર એક કારણસર મારી છેલ્લી મેચ મુંબઈમાં યોજાય તેવું ઈચ્છું છું.'
ખૂબ જ ખાસ છે કારણ
સચિને વધુમાં કહ્યું કે, 'મેં આટલા વર્ષો સુધી ક્રિકેટ રમ્યું. લગભગ 30 વર્ષ. ભારત માટે 24 વર્ષ, મારી માતાએ મને ક્યારેય રમતા જોયો નથી. તે સમયે (નિવૃત્તિ દરમિયાન) મારી માતાની તબિયત એટલી સારી ન હતી કે તેઓ મને રમતો જોવા વાનખેડે સિવાય બીજે ક્યાંય જઈ શકે. હું ઇચ્છતો હતો કે તે જુએ કે હું શા માટે 24 વર્ષથી અલગ-અલગ જગ્યાએ જઈ રહ્યો છું. BCCIએ ખૂબ જ નમ્રતાથી તે વિનંતી સ્વીકારી...'
#WATCH | Wankhede Stadium's 50th anniversary: Maharahstra | Cricket legend Sachin Tendulkar says, "Before the series of my last match was announced - I got in touch with BCCI and made one request that I want my last match to be held in Mumbai for one very reason - I played… pic.twitter.com/gxTqlLN8xv
— ANI (@ANI) January 19, 2025
સચિનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
સચિન તેંડુલકરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 24 વર્ષ લાબી રહી છે. 1989માં માત્ર 16 વર્ષની ઉંમરે તેંડુલકરે ભારત માટે તેની પ્રથમ મેચ રમી હતી. પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સચિને ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તેની કારકિર્દી 2 દાયકાથી વધુ લાબી હશે. જેમ-જેમ આ દિગ્ગજ બેટ્સમેનનો અનુભવ વધતો ગયો તેમ-તેમ તે મહાન બનવા તરફ આગળ વધતો ગયો અને વિશ્વમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર બેટ્સમેન બન્યો. 2013માં વાનખેડેમાં તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ (ટેસ્ટ) રમતા પહેલા આ દિગ્ગજ ખેલાડીએ આવા ઘણા રેકોર્ડ બનાવ્યા, જે હજુ પણ અડીખમ છે.
તેંડુલકરના શાનદાર રેકોર્ડ
સચિન તેંડુલકરની સૌથી મોટી ઉપલબ્ધિ 100 સદી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારનાર તે એકમાત્ર અને પ્રથમ બેટ્સમેન છે. આ સિવાય તેંડુલકર માત્ર ભારતનો જ બેટ્સમેન નહીં પરંતુ 34357 રન સાથે વિશ્વનો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. જેમાં ટેસ્ટમાં (15921) અને ODI ફોર્મેટ (18426)માં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ તેના નામે છે. તેંડુલકર એવો ક્રિકેટર પણ છે જેણે સૌથી વધુ 664 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટમાં સૌથી વધુ 51 સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેંડુલકરના નામે છે.
ODI અને ટેસ્ટમાં સદી અને રન બનાવનાર સચિને T20 ઇન્ટરનેશનલ મેચ પણ રમી હતી, જેમાં તેમણે 10 રન બનાવ્યા હતા. આ બધા સિવાય તેંડુલકરે બોલિંગમાં પણ હાથ અજમાવ્યો અને ઘણી વિકેટો લીધી. ODIમાં તેના નામે 154 વિકેટ છે, જ્યારે તે ટેસ્ટમાં 46 અને T20 ઈન્ટરનેશનલમાં 1 વિકેટ લેવામાં સફળ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે