જીરૂ, વરીયાળી, ધાણા, મેથી, અજમો અને સુવા પાકના વાવેતર પહેલાં અને વાવેતર સમયે આટલું જરૂર કરો....
રવિ પાકોમાં રોગ- જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે વાવેતર પહેલા ખેતી નિયામકની કચેરીએ મહત્વના પગલા સૂચવ્યા છે. જેને ધ્યાનમાં રાખી ખેડૂતો સારી રીતે પાકનું ઉત્પાદન કરી શકે છે.
Trending Photos
Farmers News: રાજ્યના ખેડૂતોને પાકમાં થતા રોગના વ્યવસ્થાપન માટે સમયાંતરે ખેતી નિયામકની કચેરી દ્વારા મહત્વપૂર્ણ પગલાઓ દર્શાવતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂતો તેમના પાકનું રક્ષણ કરીને બજારમાં સારા ભાવ મેળવી શકે. તે જ આશયથી જીરૂ, વરીયાળી, ધાણા, મેથી, અજમો અને સુવાના પાકમાં વાવણી પહેલાં અને વાવણી સમયે રોગ અને જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે ખેતી નિયામકની કચેરીએ કેટલાક મહત્વના પગલા સૂચવ્યા છે.
જીરાના પાકમાં કાળીયો અથવા કાળી ચરમી રોગના નિયંત્રણ માટે એક જ ખેતરમાં સતત જીરૂની વાવણી ન કરતાં પાક ફેરબદલી કરવી હિતાવહ છે.
ઉપરાંત સેન્દ્રિય ખાતર તેમજ ભલામણ અનુસાર નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ કરવો જોઈએ.
સુકારો રોગના નિયંત્રણ માટે છાણીયું ખાતર ૧૦ ટન પ્રતિ હેક્ટર, દિવેલીનો ખોળ, રાયડાનો ખોળ, મરઘાંનું ખાતર ૨.૫ ટન પ્રતિ હેક્ટર અથવા ૦૫ કિ.ગ્રા. ટ્રાઇકોડર્મા હાર્જીયાનમને ૩ ટન છાણિયા ખાતર સાથે મીશ્ર કરી ૧૫ દિવસ સુધી સમૃધ્ધ કરી ૧ હેક્ટર માટે વાવણી સમયે જમીનમાં આપવું જેથી આ રોગને અટકાવી શકાય છે.
આ ઉપરાંત રોગ-જીવાત પ્રતિકારક જાતો જેવી કે ગુજરાત જીરૂ-૪ અને ગુજરાત જીરૂ-૫, ગુજરાત વરિયાળી ૨, ગુજરાત વરિયાળી ૧૧, ગુજરાત વરિયાળી ૧૨, ગુજરાત મેથી ૨, જી.એમ.-૪ સુપ્રિયા, ગુજરાત ધાણા ૨, ગુજરાત ધાણા-૪ જી.સીઓઆર ૪ સોરઠ સુગંધ અને ગુજરાત સુવા ૩ જેવી જાતોનું વાવેતર કરવું જોઈએ. ભેજવાળું વાતાવરણ કાળી ચરમી માટે ખૂબ જ સાનુકૂળ હોવાથી રાઈ, ઘઉં અને રજકા વિગેરે પાણીની વધુ જરૂરિયાતવાળા પાકોની બાજુમાં જીરૂનું વાવેતર કરવાનું ટાળવું અથવા યોગ્ય અંતર રાખીને વાવેતર કરવું જોઈએ.
વધુમાં, રોગ નિયંત્રણ માટે વાવણી પહેલાં બીજને ૦૩ ગ્રામ થાયરમ અથવા ૦૩ ગ્રામ કાર્બેન્ડેઝીમ ફૂગનાશક દવાનો એક કિલો બીયારણ પ્રમાણે પટ આપવો જોઈએ. જ્યારે, જીરૂના કાળી ચરમી રોગના નિયંત્રણ માટે પુંખીને વાવેતર કરવાને બદલે ૩૦ સેમીના અંતરે ચાસમાં વાવણી કરવી અને પિયત બાદ આંતર ખેડ કરવી. પિયત માટે કયારા ખૂબ જ નાના અને સમતલ બનાવવા જોઈએ જેથી એક સરખું અને હલકું પિયત આપી શકાય.
વરિયાળીમાં મૂળનો કોહવારો અથવા થડનો સડો રોગના નિયંત્રણ માટે ધરૂને ફેરરોપણી કરતાં પહેલાં ૪૦ ગ્રામ ત્રાંબાયુક્તા દવાનું ૧૦ લિટર પાણીમાં દ્રાવણ બનાવી ધરૂને દ્રાવણમાં બોળીને વાવવા જેથી આ રોગને અસરકારક રીતે અટકાવી શકાય છે.
દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે