ગૌતમ અદાણીની અમેરિકામાં થઈ શકે ધરપકડ? દોષિત સાબિત થાય તો કેટલી સજા થઈ શકે

ગૌતમ અદાણી હાલ ભારતમાં છે. અમેરિકી તપાસ એજન્સી  તેમના પ્રત્યાર્પણ માટે કહી શકે છે. જો કે ભારતની કોર્ટ એ નક્કી કરશે કે આ આરોપ ભારતીય કાયદા મુજબ લાગૂ થાય છે કે નહીં. 

ગૌતમ અદાણીની અમેરિકામાં થઈ શકે ધરપકડ? દોષિત સાબિત થાય તો કેટલી સજા થઈ શકે

અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણી પર અમેરિકામાં  ભારતીય અધિકારીઓને 250 મિલિયન ડોલર એટલે કે લગભગ 2029 કરોડ રૂપિયાની ભારે ભરખમ લાંચનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે તેમણે ભારતના સૌથી મોટા સૌર ઉર્જા પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે આ લાંચ આપવાની યોજના ઘડવામાં આવી હતી અથવા તો આપી હતી. આરોપ બાદ ભારતના રાજકારણમાં જાણે ભૂકંપ આવી ગયો છે. વિપક્ષી કોંગ્રેસ પાર્ટી આકરા પ્રહાર કરી રહી છે. સંસદ સત્રમાં આ મુદ્દા પર ભારે હંગામો મચે તેવી અત્યારથી સંભાવના જતાવવામાં આવી રહી છે. 

ગૌતમ અદાણી પર ભ્રષ્ટાચાર અને ફ્રોડના આરોપ લગાવવામાં આવ્યા છે. આરોપ છે કે અદાણીએ બે દાયકામાં 2 અબજ ડોલરનો સૌર કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 250 મિલિયન ડોલરથી વધુની લાંચ આપી કે યોજના ઘડી. 

શું અદાણીની અમેરિકામાં ધરપકડ થઈ શકે?
ગૌતમ અદાણી હાલ ભારતમાં છે. અમેરિકી તપાસ એજન્સી તેમના પ્રત્યાર્પણ માટે ભારતને કહી શકે છે. જો કે ભારતની કોર્ટ એ નક્કી કરશે કે આ આરોપ ભારતીય કાયદા મુજબ લાગૂ થાય છે કે નહીં. આ ઉપરાંત રાજકીય અને માનવાધિકાર સંબંધિત ચિંતાઓની પણ સમીક્ષા કરાશે. અદાણી પ્રત્યાર્પણનો વિરોધ કરી શકે છે. આ સમગ્ર પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે. 

આગળ શું થઈ શકે
ગૌતમ અદાણી જો કે હજુ સુધી કોઈ અમેરિકી કોર્ટમાં હાજર થયા નથી. જો તેમનું પ્રત્યાર્પણ થાય કે આત્મસમર્પણ કરે તો તેમના વકીલ આરોપોને પડકારી શકે છે. કોર્ટમાં આ મામલો જલીદ શરૂ થવાની સંભાવના નથી. કાનૂની પ્રક્રિયાઓ, પુરાવા પર દલીલો અને અદાણી સાથે સામેલ અન્ય આરોપીઓ માટે અલગ અલગ કેસ પ્રક્રિયાને લાંબી ખેંચી શકે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે આ જાણકારી આપી છે. 

દોષિત સાબિત થાય તો?
જો અદાણી દોષિત ઠરે તો તેમને લાંચ લેવાના આરોપમાં પાંચ વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ ઉપરાંત ફ્રોડ અને ષડયંત્રના આરોપોમાં 20 વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ ઉપરાંત ભારે દંડ પણ થઈ શકે છે. કોઈ પણ સજાનું નિર્ધારણ છેલ્લે તેમના ન્યાયાધીશ પર નિર્ભર કરશે જે કેસને જોઈ રહ્યા હશે. આ જાણકારી રોયટર્સે આપી છે. અદાણીની  કાનૂની ટીમ કોઈ પણ દોષસિદ્ધિ વિરુદ્ધ અપીલ કરી શકે છે. જેનાથી આ કાનૂની લડત લાંબી થઈ શકે છે. 

અદાણીનો શું  જવાબ છે
અદાણી સમૂહે આરોપોને પાયાવિહોણા જણાવીને ફગાવી દીધા છે. કાયદાનું પાલન કરવાનો દાવો કર્યો છે. ગૌતમ અદાણીની કંપની અદાણી સમૂહના પ્રવક્તાએ પ્રેસ રિલીઝ બહાર પાડીને અમેરિકી અધિકારીઓ દ્વારા લગાવવામાં આવેલા લાંચના આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે તમામ આરાપ બેસલેસ અને નિરાધાર છે. અદાણી સમૂહના પ્રવક્તાએ કહ્યું કે સમૂહ તમામ કાનૂનોનું સંપૂર્ણ રીતે પાલન કરી રહ્યું છે. અદાણી સમૂહે શેરધારકોને ભરોસો અપાવતા કહ્યું કે અમેરિકી એજન્સીઓ તરફથી લાગેલા આરોપ પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે સમૂહ તરપથી તમામ શક્ય કાનૂની ઉપાય થઈ રહ્યા છે. તેમણે શેરધારકોને ભરોસો દાખવતા લખ્યું કે અદાણી સમૂહ હંમેશા પારદર્શકતા અને રેગ્યુલેટરીના નિયમોનું પાલન કરે છે અને આગળ પણ  કરશે. સમૂહ  પોતાના શેર ધારકો, પાર્ટનર્સ અને કર્મચારીઓને ભરોસો અપાવે છે કે અમે કાયદાનું પાલન કરનારું સંગઠન છીએ.

— ANI (@ANI) November 21, 2024

જ્યાં સુધી દોષિત નહીં ત્યાં સુધી બધા નિર્દોષ
અદાણી સમૂહે કહ્યું કે અમેરિકી ન્યાય વિભાગે પોતે કહ્યું છે કે અભિયોગ તરફથી લગાવવામાં આરોપો હાલ આરોપ છે અને જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી બધા નિર્દોષ છે. અદાણી સમૂહના પ્રવક્તાએ કહ્યું કે અદાણી ગ્રીનના ડાઈરેક્ટર્સ વિરુદ્ધ અમેરિકી ન્યાય વિભાગ અને અમેરિકી પ્રતિભૂતિ અને વિનિમય આયોગ દ્વારા લગાવવામાં આવેલા આરોપો નિરાધાર છે. સમૂહ એ આરોપોને ફગાવે છે. અદાણી પ્રવક્તાએ  કહ્યું કે જેમ કે અમેરિકી ન્યાય વિભાગે પોતે કહ્યું છે કે અભિયોગમાં લગાવવામાં આવેલા આરોપ એ આરોપ છે અને પ્રતિવાદીઓ જ્યાં સુધી દોષિત ન ઠરે ત્યાં સુધી નિર્દોષ ગણાશે. તેમણે કહ્યું કે સમૂહ દરેક શક્ય કાનૂની મદદ લઈ રહ્યું છે. 

અમેરિકામાં કેમ દાખલ થયો કેસ
અહીં બધા લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે આ લાંચ ભારતમાં આપી તો અમેરિકામાં કેસ કેમ થયો તે પણ જાણી લો. અમેરિકી ઓથોરિટી આ કેસની તપાસ કરી રહી છે. એજન્સી તપાસ કરી રહી છે કે શું અદાણી ગ્રુપે પોતાના ફાયદા માટે લાંચ આપી અને ભારત સરકારના અધિકારીઓને ખોટી રીતે પેમેન્ટ્સ કર્યાં? આ કેસ અમેરિકામાં દાખલ થયો છે કારણ કે જે પ્રોજેક્ટમાં વિવાદ થયો, તેમાં અમેરિકી ઈન્વેસ્ટર્સના પૈસા લાગેલા હતા અને અમેરિકી કાયદા મુજબ તે પૈસાને લાંચના રૂપમાં આપવામાં આવ્યા, જે ત્યાંના કાયદા પ્રમાણે ગુનો છે. 

US Foreign Corrupt Practices Act શું છે?
અમેરિકામાં, આવા કેસો 'ફોરેન કરપ્શન પ્રેક્ટિસ એક્ટ' (FCPA) હેઠળ હાથ ધરવામાં આવે છે. આ કાયદા વિશેની માહિતી અમેરિકાના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તદનુસાર, FCPA સામાન્ય રીતે વ્યવસાય મેળવવા અથવા જાળવી રાખવા માટે વિદેશી અધિકારીઓની લાંચ પર પ્રતિબંધ મૂકે છે. આ કાયદો વિશ્વની તમામ સાર્વજનિક રૂપે વેપાર કરતી કંપનીઓ અને તેમના અધિકારીઓ, નિર્દેશકો, કર્મચારીઓ, શેરધારકો અને એજન્ટોને લાગુ પડે છે. એજન્ટોમાં તૃતીય પક્ષ એજન્ટો, સલાહકારો, વિતરકો, સંયુક્ત સાહસ ભાગીદારો અને અન્યનો સમાવેશ થઈ શકે છે.

FCPA એ પણ કહે છે કે કંપનીઓ પાસે તમામ વ્યવહારોનો ચોક્કસ રેકોર્ડ હોવો જોઈએ. SEC તેની 'લાંચ વિરોધી અને એકાઉન્ટિંગ જોગવાઈ' હેઠળ પગલાં લઈ શકે છે. FCPAનું ઉલ્લંઘન કરવાથી કંપનીઓને ખોટી રીતે મેળવેલી સંપત્તિ પરત કરવાની જરૂર પડી શકે છે. આના પર વ્યાજ પણ વસૂલવામાં આવી શકે છે અને આ ઉપરાંત દંડ પણ થઈ શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news