Shark Tank: બ્રાન્ડેડ બન્યું સલાડ, કરોડોમાં વેચાયું : અમદાવાદ આવો તો જરૂર ચાખજો, સ્વાદની જાદૂગરે દીકરા માટે ઉભી કરી દીધી કરોડોની કંપની

Gujarati Women Select in Shart Tank: કોરોના કાળમાં પાયલબેન અને તેમના પુત્રએ કાંઈક અલગ કરવાનું વિચાર્યું. પાયલબેન જમવાનું ખૂબ જ સરસ બનાવતા હતા અને હંમેશા ભોજનને હેલ્ધી ટ્વિસ્ટ આપતા હતા અને તે જ તેમની પ્રેરણા બન્યું.

  • સલાડ ખવડાવીને આ સિંગલ મધરે જીત્યા લોકોના દિલ, પ્રેરણા આપશે તેની સફર
  • દીકરાને ઉછેરવા આ માતાએ પાર કર્યા મુશ્કેલીઓના પહાડ, પ્રેરણાદાયક છે સફર
  • હેલ્ધી સલાડ હવે છે ટેસ્ટી પણ, અમદાવાદની આ મહિલાએ કરી દીધો કમાલ

Trending Photos

Shark Tank: બ્રાન્ડેડ બન્યું સલાડ, કરોડોમાં વેચાયું : અમદાવાદ આવો તો જરૂર ચાખજો, સ્વાદની જાદૂગરે દીકરા માટે ઉભી કરી દીધી કરોડોની કંપની

ફાલ્ગુની લાખાણી, અમદાવાદઃ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સલાડ હેલ્ધીની સાથે ટેસ્ટી પણ હોય શકે? આપણામાંથી મોટા ભાગના લોકો એવા છે જે સલાડનું નામ આવતા જ મોઢું બગાડે છે. પરંતુ આ સ્થિતિને બદલી છે અમદાવાદના એક મહિલા અને તેમના દીકરાએ. આ મહિલા એટલા સરસ સલાડ બનાવે છે કે, અત્યાર સુધીમાં હજારો લોકો તેને પસંદ કરી ચુક્યા છે. એટલું જ નહીં દેશના ટોચની કંપનીઓના બિઝનેસમેન તેમની આ સલાડ કંપનીમાં રોકાણ કરી રહ્યા છે. આ મહિલાએ શૂન્યમાંથી સર્જન કર્યું છે અને બનાવી છે એક એવી બ્રાન્ડ છે સુપર ટેસ્ટી અને હેલ્ધી સલાડ બનાવે છે. 

સલાડમાં સ્વાદ ઉમેરનાર આ જાદૂગર છે પાયલ પાઠક અને તેમના પુત્ર સોહમ પાયલ પાઠક. જેઓ તાજેતરમાં એક રિયાલિટી શોમાં જોવા મળ્યા હતા. જેના જજીસ પણ પાયલબેને બનાવેલા સલાડના ફેન બની ગયા હતા. હાલ તેમના સલાડ અમદાવાદના અનેક વિસ્તારોમાં મળે છે અને તેમને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. કોરોના કાળમાં વર્ષ 2020માં તેમણે સલાડ બનાવવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તેઓ લોકપ્રિય થવા માંડ્યા. ફાર્મ પરથી સીધા શાકભાજી લાવીને પાયલબેન ખુદ સલાડ બનાવે છે અને તેમની ટીમ સલાડને પહોંચાડે છે. તેમનો ધ્યેય છે લોકોને ફ્રેશ અને ગુણવત્તા વાળું સલાડ ખવડાવવાનો. જેને તેઓ સાર્થક કરી રહ્યા છે. પરંતુ તેમની આ સફર આસાન નથી રહી.

જ્યારે સાંભળવા પડ્યા મહેણાં....
પાયલબેન સિંગલ મધર છે. એટલે કે તેમના છૂટાછેડા થયા છે. છૂટાછેડા સમયે તેમનો પુત્ર માત્ર 2 જ વર્ષનો હતો. પાયલબેન સામે સૌથી મોટો પડકાર હતો પુત્રને સારો ઉછેર આપવાનો. આ માટે તેમણે નોકરી કરી. પેઈંગ ગેસ્ટ તરીકે છોકરીઓને રાખી પીજીનું સંચાલન પણ કર્યું. આ સમયે તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. પાયલબેને છૂટાછેડા બાદ એકલા હાથે જ પુત્ર સોહમનો ઉછેર કરવાનું નક્કી કર્યું ત્યારે તેમના પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા. ફરી લગ્ન કરી લે તેની ટકોર કરવામાં આવી. પરંતુ પાયલબેન ડગ્યા નહીં અને કામ ચાલુ રાખ્યું. બધુ સમુસુતરું ચાલી રહ્યું હતું ત્યારે કોરોના આવ્યો અને પાયલબેનના પીજીમાં રહેતી છોકરીઓએ પીજી ખાલી કરી દીધું. ફરી પાયલબેન શૂન્ય પર આવી ગયા.

શૂન્યમાંથી આવી રીતે કર્યું સર્જન-
કોરોના કાળમાં પાયલબેન અને તેમના પુત્રએ કાંઈક અલગ કરવાનું વિચાર્યું. પાયલબેન જમવાનું ખૂબ જ સરસ બનાવતા હતા અને હંમેશા ભોજનને હેલ્ધી ટ્વિસ્ટ આપતા હતા. જે તેમના દીકરા સોહમને ભાવતું હતું. બસ આ જ તેમની પ્રેરણા બની અને તેમણે સલાડને થોડી અલગ રીતે બનાવવાની શરૂઆત કરી. જે ટેસ્ટી પણ હોય અને આરોગ્યવર્ધક પણ. અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે તેમના સલાડ મળે છે અને લોકો હોંશે હોંશે ખાય છે. હવે તેમનું ધ્યેય છે દરેક ઘર અને શહેર સુધી પહોંચાડવું.

 

દીકરા માટે માતાનો સંઘર્ષ-
પોતાના એકના એક દીકરા માટે પાયલબહેને ખૂબ જ સંઘર્ષ કર્યો. અને દીકરો સોહમ આજે માતાનો સાથ આપી રહ્યો છે. માતાનો સંઘર્ષ જોઈને સોહમે તેના નામની સાથે માતાનું નામ જોડ્યું છે. જેથી હવે તે સોહમ પાયલ પાઠકના નામથી ઓળખાય છે. માતા જેટલો જ હોશિયાર પુત્ર સોહમ છે. 19 વર્ષની ઉંમરમાં તેમની કંપનીનું મેનેજમેન્ટ, સોશિયલ મીડિયા સહિતની તમામ જવાબદારીઓ સંભાળે છે. પાયલબેનને તેમના આ સફરમાં તેમના માતા-પિતાનો સતત સાથ મળ્યો છે. માતા-પિતાએ સમાજને અવગણીને દીકરીને સમજી અને તેને આગળ વધવા માટે પ્રેરણા આપી અને આજે પાયલબેનની સફળતા સૌ કોઈને પ્રેરણા આપી રહી છે.

 

કંપનીની વેલ્યૂ 3 કરોડ રૂપિયા
તમને જાણીને નવાઈ લાગશે કે આ માતા-પુત્રની જોડી એક મહિને અમદાવાદના લોકોને સલાડ ખવડાવીને ચાર લાખ રૂપિયાની કમાણી કરે છે. જેમાંથી તેઓ 47 ટકા જેટલો નફો મેળવે છે. અત્યાર સુધીમાં તેઓ 35 હજારથી વધારે ઓર્ડર્સ ડિલીવર કરી ચુક્યા છે અને શાર્ક ટેન્કના માધ્યમથી તેમને 30 લાખનું રોકાણ મળ્યું છે. જેને જોતા આ માતા-પુત્રની કંપનીની વેલ્યૂ 3 કરોડ રૂપિયા આંકી શકાય

આગળ વધતા રહો..
પાયલબેનની આ કહાની અનેક લોકો માટે પ્રેરણા સમાન છે. જો તમારું મન અડગ હોય અને ધ્યેય નક્કી હોય તો તમને કોઈ નહીં અટકાવી શકે. પાયલબેન સંઘર્ષ કરતી મહિલાઓને કહે છે કે, સતત આગળ વધતા રહો. રસ્તામાં ગમે એટલી અડચણો આવે તો પણ પ્રયાસ કરતા રહો. જો તમે સાતત્ય સાથે પ્રયાસ કરશો તો કોઈ પણ મુશ્કેલી તમને અટકાવી નહીં શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news