ગાંધીજયંતી પર છોડાયેલા કેદીઓ જેલની બહાર આવતા જ રડી પડ્યા.. એક કેદીને અધિકારીએ ભાડાના રૂપિયા આપ્યા
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ :2 ઓક્ટોબર (2nd October) ગાંધી જ્યંતી નિમિતે રાજ્યના અનેક કેદીઓને (Prisoners) મુક્ત કરવામાં આવે છે. ત્યારે આ સમયે રાજ્યના 158 કેદીઓને સજા માફી આપી મુક્ત કરાયા છે. જેમાં અમદાવાદ (Ahmedabad) સાબરમતી જેલ (Sabarmati Jail) માંથી 24 આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા છે. આ કેદીઓમાં ભરણપોષણ અને મારામારી સહિત ચોરી-અકસ્માતના કેસોમાં આવેલા કેદીઓ છે, જેમની મુક્તિ બાદ જેલની બહાર અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. હવે જેલના સળિયા પાછળ નહિ રહેવુ પડે તે વિચારથી તેઓ બહાર નીકળતા સમયે એકદમ ખુશ જોવા મળ્યા હતા. તો બીજી જ મિનીટે પોતાના પરિવારજનોને મળીને તેમના આંખમાંથી આસું સરી પડ્યા હતા.
પોતાના પરિવારજનોને મળીને તેઓ ગળે લગાડીને રડ્યા હતા. તો કેટલાકે ભગવાનનો આભાર માન્યો હતો. જેલની બહાર પણ મોટી સંખ્યામાં પરિવારજનો કેદીઓને લેવા માટે પહોંચ્યા હતા. આ સમયે પોલીસની દરિયાદિલીનો એક કિસ્સો પણ જોવા મળ્યો હતો. એક કેદી પાસે ઘરે જવા રૂપિયા નહિ હોવાથી માનવતા દાખવી જેલના અધિકારીએ ભાડા માટે રૂપિયા આપ્યા હતા, તેમજ તે ફરી વખત ગુનાખોરી તરફ વળે નહિ તે માટે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે આવા સામાન્ય ગુનાઓમાં 60 ટકા સજા ભોગવી ચૂકેલા કેદીઓને મુક્ત કરાતા હોય છે. ગંભીર પ્રકારના ગુનામાં પકડાયેલ કેદીઓને આ લાભ મળતો નથી તેવું સાબરમતી જેલના વડા ડો. કે.એલ.એન. રાવે જણાવ્યું હતું.
ગુજરાત સરકારે બુધવારે મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીના પ્રસંગે માનવીય આધાર પર વૃદ્ધો સહિત 158 જેટલા કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. મંગળવારે જાહેર કરાયું હતું કે, 2 ઓક્ટોબરના રોજ સમગ્ર રાજ્યમાંથી માફીપાત્રે 158 કેદીઓને જેલમુક્ત કરવામાં આવશે. પ્રેસનોટમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે, કેન્દ્ર દ્વારા ગાંધી જયંતી પર તમામ રાજ્યો અને સંઘશાસિત પ્રદેશોને મોકલવામાં આવેલ આદેશને અમલ કરતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં જ રાજ્ય સરકારે બે ભાગમાં 229 કેદીઓને મુક્ત કર્યા હતા. આમ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજ્યંતિની ઉજવણીના ભાગ રૂપે ત્રણ તબક્કામાં રાજ્યના કુલ ૩૮૭ કેદીઓને રાજ્ય માફીનો લાભ મળ્યો છે.
આ લિસ્ટમાં કયા કયા કેદી છે
- ૫૫ વર્ષ કે તેથી વધુ વયની અને ખરેખર થયેલ જેલ સજાના પ૦ ટકા સમયગાળો પૂર્ણ કર્યો હોય તેવી ૧(એક) મહિલા કેદી
- ૬૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા અને ખરેખર થયેલ જેલ સજાના પ૦ ટકા કારાવાસ પૂર્ણ કર્યા હોય તેવા ૫(પાંચ) પુરૂષ કેદીઓ
- એવા ૩૮૧ કેદીઓ કે જેમણે ખરેખર જાહેર થયેલ સજાના ૬૬ ટકા એટલે કે બે તૃંતીયાશ સમયગાળો જેલવાસ ભોગવ્યો હોય તેવા કેદીઓને રાજ્ય માફી આપવામાં આવી છે
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે