What an Idea Sirji! ચાર ચોપડી પાસ ગુજ્જુની અનોખી શોધ, ખેડૂતો માટે સાબિત થશે આર્શિવાદરૂપ

પંચરની દુકાન ચલાવતા વિરજીભાઈએ પોતાના જુના બાઈકમાં થોડું પોતાની બુદ્ધિ અને કોઠાસૂઝ પ્રમાણે મોડીફીકેશન કરીને નજીવા ખર્ચમાં ખેતી કામ અને દવાનો છંટકાવ કરી શકાય તેવું વિશેષ બાઈક તૈયાર કર્યું છે.

What an Idea Sirji! ચાર ચોપડી પાસ ગુજ્જુની અનોખી શોધ, ખેડૂતો માટે સાબિત થશે આર્શિવાદરૂપ

હિમાંશુ ભટ્ટ/ મોરબી : વર્તમાન સમયમાં ખેતી દિનપ્રતિદિન મોંઘી બની રહી છે અને ખેતી કામ કરે તેવા મજુર પણ મળતા ન હોવાથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે મોરબી જીલ્લાના હળવદ શહેરમાં રહેતા પંચરની દુકાન ધરાવતા માત્ર ચાર ધોરણ ભણેલા એક ખેડૂતે પોતાની કોઠાસૂઝથી ઓછા ખર્ચે સરળતાથી ખેતી કરી શકાય તેવું બીક તૈયાર કર્યું છે. જે હાલમાં હળવદ પંથક સહિતના ખેડૂતોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

ખેતીને આધુનિક ટેકનોલોજીની મદદથી કરવામાં આવે તો તેમાં ખર્ચ વધી જાય છે અને જૂની પદ્ધતિ પ્રમાણે જો ખેતી કરવામાં આવે તો તેમાં ખેડૂતોને તેની મહેનતનું પૂરું વળતર મળી રહે તેટલી ઉપર આવતી નથી તે હકીકત છે. ત્યારે મોરબી જીલ્લાના હળવદ શહેરમાં રહેતા અને પંચરની દુકાન ચલાવતા વિરજીભાઈ ત્રિભોવનભાઈ દલવાડીએ પોતાના જુના બાઈકમાં થોડું પોતાની બુદ્ધિ અને કોઠાસૂઝ પ્રમાણે મોડીફીકેશન કરીને નજીવા ખર્ચમાં ખેતી કામ અને દવાનો છંટકાવ કરી શકાય તેવું વિશેષ બાઈક તૈયાર કર્યું છે.
viraji-1

૩૫ થી ૪૦ હજાર સુધીમાં તૈયાર થાય છે આ બાઇક
હાલમાં વિરજીભાઈ દ્વારા જુના બાઈકમાં એર કોમ્પ્રેસર કે જેનો ઉપયોગ પંચરની દુકાનોમાં વાહનોના ટાયરમાં હવા ભરવા માટે કરવામાં આવતો હોય છે. તેનો ઉપયોગ કરીને ખેતરમાં દવાનો છંટકાવ કરી શકાય તેવું મશીન બનાવ્યું છે. તેનો વિડીયો સોશિયલ મીડિયા એટલે કે વોટ્સઅપ અને ફેસબુકમાં અપલોડ કરતાની સાથે જ જુદા-જુદા ગામેથી લોકો ખેતીકામ માટે ઉપયોગી એવા બાઈકને જોવા માટે આવે છે. એટલું જ નહિ તેવું બાઈક બનાવવા માટે વિરજીભાઈને કહેતા પણ જાય છે જો કે, જેને બાઈક બનાવવું હોય તેની પાસે જૂની બાઈક પડી હોય તો તેમાં યોગ્ય મજુરી લઈને જરૂરી મશીનરી ફીટ કરી દેવાની પણ વિરજીભાઈએ તૈયારી બતાવી છે. જો કે, ખેડૂતો માટે અતિ ઉપયોગી બની શકે તેવું આ બાઈક વધુમાં વધુ ૩૫ થી ૪૦ હજાર સુધીમાં તૈયાર થઇ જાય છે.

વીરજીભાઈનું બાઈક ખેડૂતો માટે આશીર્વાદ સમાન
વિરજીભાઇ દલવાડીના પુત્ર દીપેશ દલવાડીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે કોઇપણ ખેડૂત પોતાના ખેતરમાં સારી ઉપજ લેવા માટે ખેડ કરવા માટે ટ્રેકટર ચલાવે ત્યાર બાદ બીજનું વાવેતર થઇ ગયા પછી સમયાંતરે તેના ઉપર દવાનો છંટકાવ કરે છે. જેથી તે ખેતી માટે ટ્રેક્ટરમાં ડીઝલ અને અન્ય મજુરોના પગારનો ખર્ચ ગણવામાં આવે તો તેની તુલનામાં વિરજીભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલા બાઈકથી ખેતી કરીને ખેતરમાં દવાનો છંટકાવ કરવામાં આવે તો માત્ર ૨૫ ટકા જેટલો જ ખર્ચ થાય છે. જેથી ખેતીના ખર્ચમાં ઘટાડો કરવા માટે ભવિષ્યમાં વીરજીભાઈનું બાઈક ખેડૂતો માટે આશીર્વાદ સમાન થાય તેમ છે.

બે બળદ જેટલું કામ આપે છે આ બાઈક 
વિરજીભાઈ દલવાડીએ જણાવ્યું હતું કે ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોની આવકને બમણી કરવાની વાતો ઘણી કરવામાં આવી રહી છે. જો કે, ખેડૂતોને તેની ઉપજનું પૂરું વળતર ન મળતું હોવાથી બીજા ધંધા રોજગારમાં જે રીતે માલની પડતર કિંમતને ઘટાડવા માટે કવાયત કરવામાં આવતી હોય છે. તેવી જ રીતે ખેતીમાં પણ ઓછા ખર્ચે સારી ઉપર મેળવી શકાય તે માટે બાઈક તૈયાર કર્યું છે. જેમાં જુના બાઈકનું મશીન એમને એમ જ રાખીને તેના પાછળના વ્હીલનો ભાગ કાઢી નાખીને તેની જગ્યાએ રીક્ષાના વ્હીલની પ્લેટમાં એંગલના ટુકડા ફીટ કરીને ખાસ પ્રકારના બે નાના વ્હીલ તૈયાર કર્યા છે. તેની પાછળ ખેતી કરવા માટેનું ઓજાર લગાવવામાં આવે તો બે બળદ જેટલું કામ આ બાઈક આપે છે. અને જો દવાનો છંટકાવ કરવાનું મશીન લગાવવામાં આવે તો ૧૦ મજુર આખા દિવસમાં જેટલું કામ કરે તેટલી કામગીરી આ બાઈક અડધા દિવસમાં જ પૂરી કરી નાખે છે.

માત્ર 4 ધોરણ ભણ્યા છે વિરજીભાઇ
સોશિયલ મીડિયામાં કોઇપણ વસ્તુ મુકવામાં આવે એટલે ક્વિક રિસ્પોન્સ મળે જ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. વિરજીભાઈ તો માત્ર ચાર ધોરણ સુધી જ ભણ્યા છે. પરંતુ તેનો દીકરો એન્ડ્રોઇડ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હોવાથી પિતાએ પોતાની કોઠાસુઝથી આશરે ૧૫ દિવસના વિચાર અને ત્રણ જ દિવસની મહેનતથી ખેડૂતો માટે ઉપયોગી મશીનરી ડેવલોપ કરી હોવાથી કેટલી સરળતાથી ખેતરમાં દવાનો છંટકાવ થઇ શકે છે. તેનો વિડીયો મુકતાની સાથે જ દુરદુરથી લોકો આ બીકને જોવા માટે આવી રહ્યા છે અને પોતે પણ પોતા ખેતરમાં તેનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે સરળતાથી કામગીરી કરી શકે તે માટે આ પ્રકારનું બાઈક તૈયાર કરવા માટે વિરજીભાઈને કહેતા જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news