વિજયભાઇએ કોરોના પર મેળવ્યો વિજય: ફેફસામાં ૯૦ ટકા કોરોનાનું ઈન્ફેક્શન છતાં સ્વસ્થ થવું એ ચમત્કારથી કમ નથી
નવી સિવિલ હોસ્પિટલના મેડિસીન વિભાગના હેડ અને વરિષ્ઠ પ્રોફેસર ડો. કે.એન.ભટ્ટે વિગતો આપતાં જણાવ્યું કે, વિજયભાઈ તા.૧લી એપ્રિલે તાવ સાથે શ્વાસ લેવામાં તકલીફ થતા સિવિલ હોસ્પિટલ દાખલ થયા હતા.
Trending Photos
તેજસ દવે, સુરત: છેલ્લાં એક વર્ષના કોરોના કાળ દરમિયાન નવી સિવિલ હોસ્પિટલ (Civil hospital) માં કોરોના પીડિત દર્દીઓની સારવારમાં વ્યસ્ત તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફે અનેક ક્રિટિકલ દર્દીઓને કોરોનામુક્ત કરવામાં મોટું યોગદાન આપ્યું છે, જેમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. અડાજણ (Adajan) ના ૪૩ વર્ષીય વિજયભાઈ કેશવભાઈ વરિયાને ૪૦ દિવસની લાંબી અને જહેમતભરી સારવાર બાદ સ્વસ્થ કરવામાં નવી સિવિલના તબીબોને સફળતા મળી છે.
વિજયભાઈ (Vijaybhai) વીર નર્મદ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેમનું સ્વસ્થ થવું એ ચમત્કારથી કમ નથી. ૧૩ દિવસ સુધી આઈ.સી.યુ.માં વેન્ટીલેટર પર રહ્યાં અને મજબૂત ઈરાદા અને સિવિલના તબીબોની મહેનતના પરિણામે આખરે તેઓ કોરોના સામે લાંબો જંગ ખેલીને કોરોનાને શિકસ્ત આપી ઘરે પરત ફર્યા છે, ત્યારે પરિવાર સાથે પુન: મિલન થવાની ખુશી વરિયા પરિવાર કરતા નવી સિવિલના તબીબી સ્ટાફને વધુ હતી.
અડાજણ (Adajan) ના સંગમસિટી ટાઉનશીપમાં રહેતા વિજયભાઈ ગત તા.૨૫ માર્ચે કોરોના (Covid 19) પોઝિટિવ આવતાં પાંચ દિવસ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર મેળવી હતી, એ સમયે તેમને ફેફસાંમાં ૪૦ ટકા જેટલું સંક્રમણ હતું. જે વધી જતાં તેમને રિફર કરીને નવી સિવિલમાં તા.૧લી એપ્રિલે દાખલ કરાયા હતા. જ્યાં ૩૪ દિવસની સારવાર મળી કુલ ૪૦ દિવસ સુધી કોરોના સામે જંગ ખેલીને આખરે તેમણે કોરોનાને મ્હાત આપી હતી. તા.૦૫મી એપ્રિલે રજા આપવામાં આવી અને આજે પરિવાર સાથે પુન: મિલન શક્ય બન્યું છે.
નવી સિવિલ હોસ્પિટલના મેડિસીન વિભાગના હેડ અને વરિષ્ઠ પ્રોફેસર ડો. કે.એન.ભટ્ટે વિગતો આપતાં જણાવ્યું કે, વિજયભાઈ તા.૧લી એપ્રિલે તાવ સાથે શ્વાસ લેવામાં તકલીફ થતા સિવિલ હોસ્પિટલ દાખલ થયા હતા. તપાસમાં આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો. એચઆરસિટીમાં ૮૫ થી ૯૦ ટકા જેટલું ફેફસામાં કોરોનાનું ઈન્ફેક્શન જણાયું.
તેઓ જ્યારે દાખલ થયા ત્યારે હાલત અત્યંત ગંભીર હતી, અને ઓક્સિજન (Oxygen) લેવલ ઘટી જતા તાત્કાલિક આઈસીયુ (ICU) માં બાયપેપ પર ૧૦૦ ટકા ઓક્સિજન પર સારવાર શરૂ કરી. શ્વાસ લેવામાં વધુ તકલીફ થતી હોવાથી વિજયભાઈને ૧૩ દિવસ વેન્ટિલેટર પર પણ રાખ્યા હતા. આઈસીયુ (CU)માં સારવાર દરમ્યાન ICMR અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રેમડેસિવિર ઈન્જેક્શનના ડોઝ અને પ્લાઝમા સારવાર પણ આપવામાં આવી હતી.
ધીરે ધીરે સારવાર બાદ તબિયતમાં સુધાર આવતા બાહ્ય ઓક્સિજનની માત્રા ઘટાડતા ગયા. લાંબી પરંતુ યોગ્ય સારવારના કારણે ધીમે ધીમે તબિયતમાં સુધાર જણાતા નોર્મલ એર રૂમ પર શિફ્ટ કર્યા હતા. અંતે ૩૪ દિવસની સંઘર્ષમય સારવારના અંતે સિવિલ તંત્રને ખુશી છે કે તેઓ કોરોનામુક્ત થયા છે. તબીબી સ્ટાફ હંમેશા તેમનો ઉત્સાહ વધારી કહેતા કે, ‘તમે જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરશો’.
અનેક દર્દીઓની સારવારમાં મહત્વની ભૂમિકા નિભાવનારા દ.ગુજરાતના નોડલ ઓફિસર ડો. અશ્વિન વસાવાએ ખુશીની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, વિજયભાઈ સિવિલમાં લાંબી સારવાર લઈને સ્વસ્થ થનારા દર્દીઓમાંના એક છે, જેમની અમે કોવિડની સઘન સારવાર કરી છે. તેમને સ્વસ્થ કરવામાં સિવિલની સંનિષ્ઠ તબીબોની સાથે નર્સિંગ સ્ટાફનો પણ એટલો જ ફાળો રહ્યો હોવાનું તેઓ જણાવે છે.
વિજયભાઈ ત્રણ દિકરીઓના પિતા છે. પત્ની અને ત્રણ દિકરીઓના મુખ પર સ્મિત ફરી પાછું આવ્યું છે. વિજયભાઈના પરિવારજનો તેમને સ્વસ્થ થયેલા જોઈને ખુશીના આંસુ રોકી શકતા નથી. પરિવાર ભાવસભર લાગણી વ્યક્ત કરતા કહે છે કે, 'તા. ૧લી એપ્રિલનો દિવસ અમારા માટે સંકટભર્યો હતો. ૯૦ ટકા જેટલું કોરોના ઇન્ફેક્શન હોવાથી તેમની સ્થિતિ ખૂબ ગંભીર થઈ હતી. આવા કપરા સમયમાં સિવિલના તબીબો અમારા આધારરૂપ બન્યા.
વરિયા પરિવારને તેમની તબિયત વિષે ફરજ પરના તબીબો દરરોજ ફોન કરી માહિતી આપતા હતા. તેમના આશ્વાસનથી ખૂબ હિંમત મળી. કુલ ૪૦ દિવસની સારવારનો એક એક દિવસ અમારા માટે મુશ્કેલ હતો, પરંતુ પતિ કોરોનામુક્ત થયા એનો આનંદ વર્ણવી શકાય તેમ નથી. સિવિલના તબીબોએ જીવનદાન આપ્યું છે , એમના જીવનભર ઋણી રહીશું.
કોરોનામુક્ત વિજયભાઈ આંખમાં હર્ષાશ્રુ સાથે કહે છે કે, 'સિવિલ હોસ્પિટલમા વિતાવેલા ૩૪ દિવસ ક્યારેય ભુલાશે નહિ. આ સમયમાં સિવિલનો કોવિડ વોર્ડ મારૂ બીજું ઘર બન્યું હતું. અહીં તમામ કર્મચારીઓએ મને પરિવાર જેવો પ્રેમ સાથે સેવા સારવાર આપી છે. એક સમયે મને કોઈ સાથે વાત કરવાનું પણ ગમતું ન હતું, હું ક્યારે સાજો થઈને ઘરે જઇશ, સાજો થઈશ કે નહિ એ પણ જાણ ન હતી.
પરિવાર સાથે વિડિયો કોલ પર વાત પણ કરાવતા ત્યારે ખૂબ સારૂ લાગતું. સિવિલની સારવારથી હું મૃત્યુના મુખમાંથી ઉગર્યો છું એમ તેઓ ઉમેરે છે. આસિ.પ્રોફેસર(મેડિસીન) ડો.કોમલ જાંગીડ, આસિ.પ્રોફેસર(એનેસ્થેસિયા) ડો.શ્વેતા પટેલ, રેસિ. ડોકટરોમાં ડો.સિદ્ધાર્થ અગ્રવાલ, ડો.ત્વિષા ચૌધરી, ડો.પાર્થ ટાંકની જહેમતભરી સારવારે વિજયભાઈને નવજીવન આપ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે