જીવતો કે મરેલો...5 મચ્છર લાવો અને આટલા પૈસા લઈ જાઓ, જાણો ક્યાં ચાલે છે આ મુહિમ, શું કારણ?
તમને કદાચ એમ ખબર પડે કે મચ્છરના બદલે પૈસા આપવામાં આવે છે તો તમારા માટે એક પળ તો વિશ્વાસ કરવો અઘરો થઈ પડે. પરંતુ આ મુહિમ વાસ્તવમાં ચાલે છે. જાણો વિગતો.
Trending Photos
જીવતો કે મરેલો...મચ્છર લાવો અને પૈસા લઈ જાઓ....તમને આ વાત સાંભળીને નવાઈ લાગતી હશે પરંતુ આવા વિચિત્ર સમાચાર ફિલિપાઈન્સથી આવી રહ્યા છે. જ્યાં રાજધાની મનીલાના એક ગામના લોકો મચ્છર આપીને પૈસા લેવા માટે લાઈન લગાવી રહ્યા છે. જીવતો હોય કે મરેલો...પાંચ મચ્છર લાવનારને 1 ફિલિપીન પૈસો એટલે કે 1.5 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. મચ્છરના બદલે પૈસાની આ મુહિમ તેમ શરૂ થઈ તે પણ જાણવા જેવું છે.
રાજધાની મનીલાના ગામ એડિશન હિલ્સના કેપ્ન કાર્લિટો સેર્નલે કહ્યું કે મચ્છરોના બદલે પૈસા આપવાની મુહિમ તેમણે શરૂ કરી છે જેનો હેતુ ડેન્ગ્યુ વિરુદ્ધ લોકોમાં જાગૃતતા ફેલાવવાનો છે. તેઓ લોકોને પોતાની આજુબાજુમાં સફાઈ રાખવા માટે પ્રેરિત કરી રહ્યા છે જેથી કરીને ડેન્ગ્યુના પ્રસારને રોકી શકાય. ફિલિપાઈન્સા સ્વાસ્થ્ય અધિકારીઓએ સમાચાર એજન્સી એએફપી સાથે વાતચીતમાં જણાવ્યું કે આ મુહિમ અંગે સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ છે અને તેઓ ડબ્બા, કપ અને બીજા વાસણો ભરી ભરીને મચ્છર લઈ આવે છે.
સ્થાનિક રહીશ ઈલુમિનાડો કેન્ડાસુઆ એક સિલબંધ પ્લાસ્ટિક કપમાં 3 જીવતા મચ્છર લઈને આ્યા જેની ગણતરી બાદ તેમને અલ્ટ્રા વોયલેટ લાઈટ મશીનમાં મારી દેવામાં આવે છે. કેન્ડાસુઆ કહે છે કે મચ્છરોને પકડવાનું ખુબ મુશ્કેલ કામ છે. મને જે પૈસા મળ્યા છે, ભલે તે ઓછા છે પરંતુ હું તેને ગુલ્લકમાં નાખી દઈશ અને પૈસા ભેગા કરીશ. જેનાથી મારા બાળક માટે એક ફોન ખરીદી શકું.
સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફિલિપાઈન્સના પશ્ચિમી પેસિફિક ક્ષેત્રમાં ડેન્ગ્યુથી સૌથી વધુ પ્રભાવિત દેશ ગણાવ્યો છે. 2023માં ફિલિપાઈન્સમાં ડેન્ગ્યુના 167,355 કેસ સામે આવ્યા હતા અને 575 મોત થયા હતા.
ઝડપથી વધી રહ્યા છે ડેન્ગ્યુના કેસ
ફિલિપાઈન્સના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ આ વર્ષે 1 ફેબ્રુઆરી સુધીમાં દેશમાં 28,234 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. આ આંકડો ગત વર્ષના સમાન સમયગાળામાં રેકોર્ડ થયેલા ડેન્ગ્યુના કેસ કરતા 40 ટકા વધુ છે.
અભિયાન પર સવાલો
એકબાજુ જ્યાં આ અભિયાનની પ્રશંસા થઈ રહી છે ત્યાં બીજી બાજુ તેને લઈને સવાલ પણ ઉઠી રહ્યા છે. આલોચકોનું કહેવું છે કે જો લોકોએ પૈસાની લાલચમાં મચ્છર ઉછેરવાના શરૂ કરી દીધા તો મોટી સમસ્યા ઊભી થશે. જો કે કેપ્ટન સેર્નલનું કહેવું છે કે જેવા ડેન્ગ્યુના કેસ ઓછા થશે કે મચ્છરના બદલે પૈસાની મુહિમ પણ બંધ કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે