પ્રાકૃતિક ખેતી બની આવકની ખેતી! રાસાયણિક ખેતીના ઝેર સામે આ એક જ વિકલ્પ શેષ: આચાર્ય દેવવ્રત
વર્ષ 1960માં કૃષિ ક્રાંતિના નામે રાસાયણિક ખેતી અસ્તિત્વમાં આવી હતી. જેના થકી ભારત વધતી વસ્તી સામે પૂરતું ખેત ઉત્પાદન મેળવી શક્યું હતુ. પરંતુ વર્ષો વીતતા વધુ પડતા રસાયણોને કારણે ઉપજાઉ ખેતીની જમીન બંજર થવા માંડી.
Trending Photos
ધવલ પારેખ/નવસારી: વાતાવરણમાં તાપમાનમાં વધારો થતા ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે. જેમાં રાસાયણિક ખેતીનો 24 ટકા ભાગ હોવાનું એક રિપોર્ટમાં સામે આવ્યું છે. ત્યારે જમીન અને ખેતીને બચાવવા ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી જ એક વિકલ્પ ખોવાની વાત સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રસાર માટે યોદ્ધાઓ તૈયાર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેની કડીમાં આજે નવસારીમાં મહિલા ખેડૂતો માટે પરિસંવાદ યોજી તેમને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
4 જિલ્લાની મહિલા ખેડૂતોને રાસાયણિક ખેતીનો ભેદ સમજાવ્યો
વર્ષ 1960માં કૃષિ ક્રાંતિના નામે રાસાયણિક ખેતી અસ્તિત્વમાં આવી હતી. જેના થકી ભારત વધતી વસ્તી સામે પૂરતું ખેત ઉત્પાદન મેળવી શક્યું હતુ. પરંતુ વર્ષો વીતતા વધુ પડતા રસાયણોને કારણે ઉપજાઉ ખેતીની જમીન બંજર થવા માંડી, જેથી જમીનને નવજીવન આપવા નવી પદ્ધતિઓ ઉપર સંશોધનો થયા અને એમાં ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી જ એક વિકલ્પ હોવાનું સામે આવ્યું છે. કુદરતી રીતે જમીનમાં સૂક્ષ્મ જીવાણુ અને અળસિયાઓ થકી જમીનની ફળદ્રુપતા વધારી ખેતી કરવા, ગાય ઉપયોગી હોવાનું જણાતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસારના પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં આજે નવસારીમાં 4 જિલ્લાની મહિલા ખેડૂતોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તેમના અભિયાનના યોદ્ધાઓ બનાવવા પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીનો ભેદ સમજાવી, તેમને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં તેમણે કરૂક્ષેત્રની તેમની બંજર થયેલી 100 એકર જમીનમાં ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી થકી મેળવેલા પરિણામો સામે કૃષિ વૈજ્ઞાનિકો પણ થાપ ખાઈ ગયા હોવાનો સ્વ અનુભવ વર્ણવી, તમામ ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એવી અપીલ કરી હતી.
બેલા પટેલે કરી પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી
પ્રાકૃતિક ખેતીમાં કોઈપણ પ્રજાતિની એક ગાયના ઉછેર સાથે ખેતીમાં તેના છાણ અને ગૌમુત્રનો ઉપયોગ કરી ઘન જીવામૃત તેમજ અન્ય દ્રવણ બનાવી, તેના ઉપયોગથી જમીનમાં કરોડોની સંખ્યામાં સૂક્ષ્મ જીવાણુ ઉત્પન્ન કરી, જમીનની ફળદ્રુપતા વધારવા સાથે જ ઝેરમુક્ત ખેત ઉત્પાદન મેળવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. જેની સાથે જ રોગ જીવાત માટે વિવિધ વનસ્પતિના પાનમાંથી બનાવેલી દવાઓનો ઉપયોગ કરી શુદ્ધ ખેત ઉત્પાદનો મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં નવસારીના અબ્રામા ગામના મહિલા ખેડૂત બેલા પટેલ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી, ઓછા ખર્ચે ઉત્તમ અને શુદ્ધ ખેત ઉત્પાદન મેળવી સારી આવક મેળવી રહ્યા છે. આજ પ્રકારે દક્ષિણ ગુજરાતમાં થોડા વર્ષોમાં ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને તેમને સારા પરિણામો મળી રહ્યા છે. ત્યારે વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી જ કરતા થાય એ માટે રાજ્યપાલના માર્ગદર્શનમાં પ્રાકૃતિક કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં મહિલા ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
રસાયણિક ખેતી થકી ઉત્પાદિત ખેત પેદાશોને કારણે અનેક રોગ થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પ્રાકૃતિક ખેતી થકી મેળવાતી ખેત ઉપજ જમીન અને મનુષ્ય જીવનને રોગ મુક્ત રાખવામાં મદદરૂપ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે