ભાણવડના તબીબ સાથે થયેલી 75 લાખ રૂપિયાની છેતરપિંડીમાં આવ્યો ચોંકાવનારો વળાંક
Trending Photos
રાજકોટ: ભાણવડના તબીબ સાથે થયેલી રૂ. પોણો કરોડની છેતરપિંડી પ્રકરણમાં બેંક ખાતા ધારક ઝડપાયો. અંકલેશ્વરનો આરોપી સાત દિવસના રિમાન્ડ પર અન્ય આરોપીઓ પણ હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર તબીબી જગતમાં ચર્ચાસ્પદ એવા ભાણવડના તબીબ સાથે થયેલી રૂપિયા પોણો કરોડ જેટલી છેતરપિંડી પ્રકરણમાં દેવભૂમિ જિલ્લા પોલીસે અંકલેશ્વરથી એક શખ્સને દબોચી લીધો હતો. આ શખ્સના બેંક એકાઉન્ટમાં ચોક્કસ રકમ જમા થઈ હતી. જ્યારે અન્ય શખ્સોને પણ ઝડપી લેવા પોલીસે પગેરૂં દબાવ્યું છે.
આ ચકચારી બનાવની વિગત મુજબ ભાણવડ ખાતે રહેતા અને તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા નીશીતભાઈ રાજેશકુમાર મોદી (ઉ. વ. 29) દ્વારા ગત એપ્રિલ માસમાં ઓનલાઈન અને વોટ્સએપ મારફતે તબીબી ઉપકરણો, માસ્ક વિગેરેની ખરીદીના ઓર્ડર સાથે ઓનલાઈન ટ્રાન્ઝેકશન તથા વ્યવહાર મારફતે રૂપિયા 74.57 લાખ જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બાદમાં ઉપરોક્ત તબીબને તેમને મળવાપાત્ર ચીજ વસ્તુઓ ન મળતા આ સમગ્ર પ્રકરણને તાજેતરમાં ભાણવડ પોલીસમાં ફ્લોરિડા ઈન્ટરનેશનલ ગ્રુપ યુ.એસ.એ લિમિટેડ, સાંઈ એન્ટરપ્રાઇઝ, સાઈ ટ્રેડિંગ, વાન્હે ટિંગ, સી. ઈ. ઓ. લીલીયન બોલોગા તેમજ મેનેજર, પ્રેસ્ટોન જેક ઉર્ફે (પેડરો ઓફ હિપોલિતો) તથા અરમાડો (નેપાલ એજન્ટ) એ અથવા એવા ખોટા નામનો કોઈએ ઉપયોગ કરી ખોટી વેબસાઈટ બનાવી અને છેતરપિંડી આચરવામાં ભાણવડ પોલીસે આઈ.પી.સી. કલમ 406,420 તથા 114 અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની વિવિધ કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસે આ અંગે એક બેન્ક એકાઉન્ટ ધરાવતા અને એમાં રૂપિયા આઠ લાખ જેટલી રકમ જમા કરવામાં આવી છે તે અંકલેશ્વર શહેરનો રહીશ અને ડ્રાઇવિંગ કામ કરતો નરેન્દ્ર બાલુભાઈ પ્રજાપતિ (ઉ. વ. 40) ને તા. 6 જુલાઈના રોજ ઝડપી લીધો હતો. બાદમાં તેનો કોરોના ટેસ્ટ કરાવી, અદાલતમાં રજુ કરતાં નામદાર અદાલતે તેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ માત્ર દસ ધોરણ કરતાં પણ ઓછું ભણેલા અને અગાઉ એક શેરબજારની ઓફિસમાં કામ કરતા નરેન્દ્ર પ્રજાપતિ આ કૌભાંડમાં પૈસાની લેવડદેવડ માટે એક કમિશન એજન્ટ જેવી ભૂમિકા ભજવતો હોવાનું પણ જાણવા મળેલ છે. જેથી નરેન્દ્ર મારફતે આ પ્રકરણના માસ્ટર માઈન્ડ સુધી પહોંચવા પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ શખ્સની ધરપકડ બાદ આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય શખ્સો પણ આગામી દિવસોમાં ઝડપાઈ જાય તેવી સંભાવનાઓ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે