અમદાવાદીઓને મળી ૫૮૫ કરોડની ભેટ: સૌથી લાંબો ૩૫ KM નો ભવ્ય રિવરફ્રન્ટ અમદાવાદની શાન- શહેરની શોભા બનશે
આજે સાબરમતી રિવરફ્રન્ટને ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધી એક્સન્ટેશન માટે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઇઝ-૨નું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. જેનાથી અમદાવાદના નગરજનોની સુવિધામાં વધારો થશે.
Trending Photos
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર “જ્યાં માનવી ત્યાં સુવિધા, વિવાદ નહી સંવાદ અને લઘુત્તમ સાધનોનો મહત્તમ ઉપયોગ”ના સર્વગ્રાહી મંત્રને ચરિતાર્થ કરવા આગળ વધી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદના નગરજનો માટે આજે વધુ રૂ. ૫૮૫ કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ આપવામાં આવી છે.
ગત વર્ષે કોરોનાકાળમાં કોરોનાથી ડર્યા વિના સાવચેતી સાથે અંદાજે રૂ. ૨૭,૦૦૦ કરોડના વિકાસ કામોની ગુજરાતની પ્રજાને ભેટ આપી વિકાસ હારમાળા આગળ વધારી રહ્યા છીએ. આ વિકાસકામોના ઇ-લોકાર્પણ પ્રસંગે અમદાવાદ ખાતે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ ગૌરવ સાથે કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ગુજરાતને ઉત્તમ બનાવ્યું છે, જેને આપણે સૌએ સાથે મળીને સર્વોત્તમ બનાવવાનું છે. અમદાવાદની વૈશ્વિક ઓળખ એવી સાબરમતી રિવરફ્રન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે ત્યારે સૌથી લાંબો ૩૫ કિ.મી.નો ભવ્ય સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની શાન- શહેરની શોભા વધારશે. આજે સાબરમતી રિવરફ્રન્ટને ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધી એક્સન્ટેશન માટે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઇઝ-૨નું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. જેનાથી અમદાવાદના નગરજનોની સુવિધામાં વધારો થશે.
તેમણે જણાવ્યું હતું કે, અમારી સરકારે હંમેશા પર્યાવરણ અને નગરજનોના આરોગ્યની ચિંતા કરી છે. જેના ભાગરૂપે આજે BRTS પ્રોજેક્ટ અંતર્ગત કુલ-૫૦ નવી ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અંદાજે ૫૦-૫૦ ટકા વસતી શહેરી અને ગ્રામિણ વિસ્તારમાં વસવાટ કરે છે ત્યારે શહેરમાં અદ્યતન સુવિધા અને ગામડામાં શહેરી જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવા હંમેશા સરકાર કાર્યરત છે.
ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને લોકોએ જંગી બહુમતીથી જીતાડ્યા છે ત્યારે આપણી જવાબદારી ખૂબ વધી જાય છે. ગુજરાતના તમામ વિસ્તારમાં રસ્તા, વિજળી, પાણી, આરોગ્ય સુવિધા, ઘરનું ઘર વગેરે પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ છે. “ઇઝ ઓફ લિવિંગની સાથે સાથે ઇઝ ઓફ હેપ્પીનેસ” ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, ગુજરાત કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે સજ્જ છે. અત્યારથી જરૂરી આરોગ્ય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરથી સુરક્ષિત થવા માટે દૈનિક ૧.૨૫ લાખ લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આગામી એક સપ્તાહમાં ગુજરાતમાં ૮થી ૧૦ લાખ લોકોનું રસીકરણ કરવાનું લક્ષ્યાંક છે. મુખ્યમંત્રી રૂપાણીએ આ પ્રસંગે સાબરમતી રિવરફ્રન્ટના વિકાસ માટે જમીન સહયોગ બદલ આર્મી કન્ટેનમેન્ટના ઉચ્ચ અધિકારીઓ અને સંરક્ષણ મંત્રાલયનો આભાર માન્યો હતો.
મુખ્યમંત્રી રૂપાણી દ્વારા નવીન બ્રિજ, BRTS પ્રોજેક્ટ અંતર્ગત ઈલેક્ટ્રિક બસ, વોટર પ્રોજેક્ટ, ગાર્ડન પ્રોજેક્ટ, સબ ઝોનલ ઓફિસ, અર્બન હેલ્થ સેન્ટર અને આંગણવાડીના નવિનીકરણનું ઈ-લોકાર્પણ જ્યારે બ્રિજ પ્રોજેક્ટ, સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઇઝ-2, સ્પોર્ટસ સંકુલ અને વ્યાયામ શાળાનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર ખાતે ઉપસ્થિત અમદાવાદના મેયર કિરીટ પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું જ્યારે મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે વિવિધ વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે અમદાવાદ ખાતે સાંસદ કિરીટભાઇ સોલંકી, ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ જગદીશભાઇ પંચાલ, ધારાસભ્યો, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન સહિત વિવિધ પદાધિકારીઓ-અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે