AMC Election: અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસે કરોડપતિઓને મેદાનમાં ઉતાર્યા, ઓછું ભણતર અને ગુનાઈત રેકોર્ડવાળાને લોટરી લાગી

અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના 384 ઉમેદવારો પૈકી 30થી વધુ ઉમેદવારોની સ્થાવર મિલકત જ તેમણે ચૂંટણીપંચમાં ફાઈલ કરેલી ઓન રેકોર્ડ એફિડેવિટ પર 1 કરોડથી વધારે દર્શાવી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના સૌથી નજીકના ગણતા થલતેજથી ભાજપના ઉમેદવાર હિતેશ બારોટ પાસે સૌથી વધુ મિલકત છે.

  • થલતેજના ભાજપના ઉમેદવાર હિતેશ બારોટ પાસે છે સૌથી વધુ મિલકત

    કોંગી ઉમેદવાર સમીર પઠાણ પાસે 16 કરોડના શેર, 14 કરોડની જમીન

    ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર સામે હત્યાના પ્રયાસ જેવો ગંભીર ગુનો

Trending Photos

AMC Election: અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસે કરોડપતિઓને મેદાનમાં ઉતાર્યા, ઓછું ભણતર અને ગુનાઈત રેકોર્ડવાળાને લોટરી લાગી

ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરી દિધા છે.જેમાં ઉમેદવારોની મિલકત અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે.અમદાવાદમાં અનેક ધનાઢ્ય અને મિલકતો ધરાવતા ઉમેદવારોને ભાજપ અને કોંગ્રેસે ટિકિટ આપીને ચૂંટણીના જંગમાં મેદાને ઉતાર્યા છે. જેમાં સૌથી વધારે 33 કરોડ રૂપિયાની મિલકત અને 57 તોલા સોનું અમદાવાદના થલતેજના ભાજપના ઉમેદવાર હિતેશ બારોટ પાસે છે. નોંધનીય છે કે અનેક ઉમેદવારોનાં રોકાણો માત્ર જમીનોમાં જ નહીં, શેરબજાર, સોનું-ચાંદી સહિત અન્યમાં પણ છે.

અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના 30થી વધુ ઉમેદવાર કરોડપતિ
અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના 384 ઉમેદવારો પૈકી 30થી વધુ ઉમેદવારોની સ્થાવર મિલકત જ તેમણે ચૂંટણીપંચમાં ફાઈલ કરેલી ઓન રેકોર્ડ એફિડેવિટ પર 1 કરોડથી વધારે દર્શાવી છે. અમદાવાદના થલતેજ વોર્ડના ભાજપના ઉમેદવાર હિતેશ બારોટ પાસે સૌથી વધારે 33 કરોડ રૂપિયાની મિલકત અને 57 તોલા સોનું છે. તો બીજી તરફ કોંગ્રેસના મક્તમપુરાના ઉમેદવાર સમીરખાન પઠાણ પાસે 14 કરોડની મિલકતો અને 16 કરોડનું શેરમાર્કેટમાં રોકાણ છે. 

એક-એક કિલો સોનું અને વૈભવી ગાડીઓની વણઝાર ધરાવતા ઉમેદવારો
ભાજપના સ્ટેડિયમ વોર્ડના ઉમેદવાર પ્રદીપ દવે પાસે 1 કિલો સોનું અને 1 કિલો ચાંદી હોવાનું એફિડેવિટમાં બહાર આવ્યું છે. ભાજપના પાલડીના ઉમેદવાર પ્રિતીષ મહેતા પાસે પણ 1 કિલો સોનું છે. જ્યારે ગોતામાંથી ભાજપના ઉમેદવાર પારુલ પટેલ 10.25 કરોડની મિલકતો ધરાવે છે. કેટલાક ઉમેદવારો પાસે મર્સિડીઝ, બીએમડબ્લ્યુ સહિતની વૈભવી કારનો કાફલો હોવાનું એફિડેવિટમાં ખૂલ્યું છે. 

પશ્ચિમના ઉમેદવારો આર્થિક રીતે વધુ સધ્ધર
શહેરના પશ્ચિમ વિસ્તારના ઉમેદવારો નાણાકીય રીતે વધુ સંપન્ન હોવાનું બહાર આવ્યું છે. સૌથી વધુ નાણાં ધરાવતા ભાજપ-કોંગ્રેસના પ્રથમ 10 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારો પશ્ચિમ અમદાવાદના, જ્યારે 3 ઉમેદવારો પૂર્વ અમદાવાદના છે. નાણાકીય સધ્ધરતા ધરાવતા ઉમેદવારો મુખ્યત્વે તેમની કરોડોની સ્થાવર મિલકતને કારણે તેમની કુલ મૂડી વધુ હોવાનું જણાઈ રહ્યું છે. પૂર્વમાં કેટલાક ઉમેદવારો પાસે બેન્ક બેલેન્સ નહીં હોવાનું, જ્યારે જાણીતાં કેટલાંક નામોએ તેમની પાસે મિલકત નહીં હોવાનું બતાવ્યું છે.

ભાજપ-કોંગ્રેસના 10% ઉમેદવારો છે ધો. 10થી ઓછું ભણેલા
ભાજપ-કોંગ્રેસના 10 ટકાથી વધારે ઉમેદવારો ધોરણ 10થી ઓછું ભણેલા છે. જેમાં સૌથી ઓછું ભણેલા અમરાઈવાડીના કોંગ્રેસના ઉમેદવાર પાર્વતીબેન પરમાર ધોરણ 3 પાસ છે.જ્યારે ધોરણ 7 પાસ કરેલા 4થી વધુ ઉમેદવારો છે.

ભાજપ-કોંગ્રેસના 50થી વધુ ઉમેદવારોનો ગુનાઈત રેકોર્ડ
ભાજપ હોય કે કોંગ્રેસ ગુનાઈત ઈતિહાસ ધરાવતા લોકોને ઉમેદવાર બનાવવામાં બન્ને પક્ષો સરખા જ છે. સામાન્ય રીતે ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોને ટિકિટ નહીં આપવાનું વલણ હોવા છતાં બંને પક્ષે ગુનાઈત ઈતિહાસ ધરાવતા અનેક લોકોને ટિકિટ આપીને ઉમેદવાર બનાવ્યાં છે. જેમાં ચારથી વધારે ઉમેદવારોની હત્યાના પ્રયાસ જેવા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવણી છે. કેટલીક મહિલા ઉમેદવારો પણ ગુનાઈત ઈતિહાસ ધરાવે છે.

ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષના કેટલાંક ઉમેદવારો પાસે છે 'ગુનાઈત ડિગ્રી'
ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષના ઉમેદવારો સામે મારામારી, ધાકધમકી, છેતરપિંડી, તોડફોડ, પથ્થરમારો તેમજ લૂંટના ગુના નોંધાયા છે. કેટલાક ઉમેદવારોએ તેમની સામેના ગુનાની હકીકત એફિડેવિટમાં છુપાવી હોવાનું પણ ખૂલ્યું છે.

ચાર ઉમેદવાર પાસે લાઈસન્સવાળી રિવોલ્વર
​​​​​​​ચાર ઉમેદવારોએ તેમની પાસે રિવોલ્વર હોવાનું એફિડેવિટમાં જાહેર કર્યું છે, જેમાં ભાજપના હિતેશ બારોટ, બાપુનગરના પ્રકાશ ગુર્જર, સૈજપુરના મહાદેવ દેસાઈ અને શાહીબાગ ભરત પટેલ પાસે રિવોલ્વર છે. લાઈસન્સવાળી ઈન્ડિયન મેડ લાખોની કિંમતની રિવોલ્વરો ધરાવતા આ ઉમેદવારોએ પોતાના સ્વરક્ષણ માટે રિવોલ્વરનું લાઈસન્સ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે ચૂંટણી દરમિયાન તમામ વેપનો પોલીસ સમક્ષ જમા કરાવવાનાં રહેતાં હોય છે. જોકે આ ઉમેદવારોમાં પ્રકાશ ગુર્જર સિવાય કોઈની સામે ગુનાઈત રેકોર્ડ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news