કોરોનાના પ્રથમ કેસથી દોડતું થયું અમરેલીનું તંત્ર, તાત્કાલિક આદેશો વછૂટ્યા
Trending Photos
કેતન બગડા/અમરેલી :ગુજરાતના બાકી રહેલા 33મા જિલ્લામાં પણ હવે કોરોના પહોંચી ગયો છે. અમરેલી જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. સુરતથી આવેલા વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમરેલી તાલુકાના ટીમ્બલા ગામના 67 વર્ષના વૃદ્ધ મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. અમરેલી (Amreli) જિલ્લામા કોરોના પોઝીટીવ કેસના પ્રવેશ બાદ તંત્ર વધુ એલર્ટ બન્યું છે. ગઈ કાલે સુરતથી 27 લોકો એસ.ટી. બસ મારફતે અમરેલી આવ્યા હતા. તેથી 67 વર્ષીય વૃદ્ધાના સંપર્કમા આવેલા 27 લોકોને ક્વોરેન્ટાઇન કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.
જિલ્લા કલેક્ટર આયુષ ઓકે લેવાયેલ પગલા વિશે જણાવ્યું કે, ગઈ કાલ સાંજથી જ તંત્ર દ્વારા તપાસ શરૂ કરી દેવાઈ છે. હાલ વૃદ્ધાની સારવાર ચાલુ છે. સુરત પ્રશાસનને પણ અમરેલી કલેક્ટર દ્વારા જાણ કરી દેવાઈ છે. વૃદ્ધાા સુરતમા કોના સંપર્કમાં આવ્યા હતા સહિતની શોધખોળ શરૂ કરાઇ છે.
આખરે ગુજરાતના 33માં જિલ્લામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ, અમરેલીમાં પહેલો કેસ આવ્યો
કોરોના પોઝિટિવ પ્રથમ કેસ આવતા જ અમરેલી વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે. મહિલાની સાથે હોમ ક્વોરેન્ટાઇન લોકો પર ચાંપતી નજર રાખવામાં આવશે. તાલુકા કક્ષાએ સ્ક્વોડની રચના કરી ગામે ગામ જઇ હોમ ક્વોરેન્ટાઇનના ભંગ કરનારા સામે કાર્યવાહી કરવા કલેક્ટરના આદેશ કરાયા છે. હોમ ક્વોરેન્ટાઇનમાં રહેલ વ્યક્તિ જો ક્વોરેન્ટાઇનનો ભંગ થતો જાણવા મળે તો કોલ સેન્ટર, કંટ્રોલ રૂમને જાણ કરવા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ અને કોલ સેન્ટર થકી હોમ ક્વોરેન્ટાઇન અંગે માર્ગદર્શન મળશે. બહારથી આવેલા લોકોની પ્રશાસનને જાણ ન હોય તો કંટ્રોલ રૂમમાં કોલ કરી જાણ કરવા લોકોને અપીલ કરાઈ છે. આ માટે 0279 - 2228212 નંબર પર કંટ્રોલ
રૂમમાં ફોન કરીને જાણ કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, અમરેલીનું ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આથી અમરેલીનું ખેડૂત તાલીમ કેન્દ્ર તાત્કાલિક બંધ કરાયું હતું. તો સાથે જ વૃદ્ધાનુ ચેકઅપ કરનાર ડોક્ટરને પણ ક્વોરેન્ટાઈન કરાયા છે. કોરોના પોઝિટિવ કેસની અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા પુષ્ટિ કરાઈ છે. અમરેલી જિલ્લામાં સુરતથી કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. ગ્રીન ઝોનમાં કોરોનાની એન્ટ્રીથી સ્થાનિક તંત્ર એક્શનમાં આવી ગયું છે, તો સાથે જ લોકો પણ ચિંતિત બન્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે